<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

મેગી આપવામાં વાર લાગતાં ગાળાગાળી, છરીઓ ઉડીઃ મેગીવાળા બળવંતભાઇનો અંગુઠો કપાયો, સામે જીગરને માથામાં છરીના ઘા

કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર સામે બાલાજી ફૂડ નામની દૂકાને મોડી રાતે બઘડાટીને પગલે પોલીસ દોડી ગઇ : ભગવતીપરાના જીગર ગોગરાએ કહ્યું-અડધો કલાક સુધી બેસાડી રખાયા બાદ પણ મેગી ન અપાતાં બોલાચાલી થઇઃ દૂકાનદાર ગાંધીગ્રામના બળવંતભાઇ રાજાએ કહ્યું-જીગર સહિતના છ જણા ગ્રાહકોને ગાળો આપતાં હોઇ ડખ્‍ખો થયોઃ બંને સારવાર હેઠળ : મારામારી, સામસામા હુમલા બાદ હોસ્‍પિટલમાં દાખલ થયેલા બળવંતભાઇ રાજા અને જીગર ગોગરા

રાજકોટ તા. ૨૯: શહેરના કાલાવડ રોડ પર સ્‍વામિનારાયણ મંદિર સામે આવેલી મેગીની દૂકાને મોડી રાતે બટાઝટી બોલી જતાં પોલીસ દોડી ગઇ હતી. મેગી ખાવા આવેલા ભગવતીપરાના યુવાન અને તેના મિત્રોએ ઓર્ડર આપ્‍યા બાદ અડધો કલાક સુધી મેગી ન અપાતાં માથાકુટ થયાનું આ યુવાને કહ્યું હતું. તો સામે મેગીની દૂકાનવાળાએ કહ્યું હતું કે આ લોકો ગ્રાહકો સાથે ગાળાગાળી કરતાં હોઇ તેના કારણે બોલાચાલી થતાં મારા પર હુમલો થયો હતો. જેમાં છરીનો ઘા ઝીંકાતા મારા ડાબા હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરામાં દત્તાત્રેય સ્‍કૂલ પાછળ રહેતો જીગર ઉર્ફ જીગો જીલુભાઇ ગોગરા (ઉ.વ.૩૦) રાતે પોણા બે વાગ્‍યે કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર સામે નકલંક ચા નજીક આવેલા બાલાજી ફૂડ નામના સ્‍ટોલ પર મેગી ખાવા ગયો ત્‍યારે દૂકાનદાર વિપુલભાઇ, હાર્દિક સહિતે છરીથી હુમલો કરી માથામાં ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

બીજી તરફ બાલાજી મેગીવાળા બળવંતભાઇ ઘનશ્‍યામભાઇ રાજા (ઉ.વ.૫૦-રહે. ગાંધીગ્રામ ૯/૧નો ખુણો) પણ બંને હાથમાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં અને પોતાના પર દૂકાને હતાં ત્‍યારે છરીથી હુમલો થયાનું કહેતાં આ બનાવની જાણ પણ માલવીયાનગર પોલીસને કરવામાં આવી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી જીગર ગોગરાએ કહ્યું હતું કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું, રાતે હુ઼ તથા મારો કુટુંબી ભાઇ વરૂણ જીવણભાઇ જીલરીયા, મિત્ર સોયેબ સહિતના થાર કાર લઇને બાલાજી મેગી દૂકાને મેગી ખાવા ગયા હતાં અને ઓર્ડર આપ્‍યો હતો. પરંતુ અડધો કલાક થઇ જવા છતાં અમને મેગી ન અપાતાં આ બાબતે દૂકાનદારને કહેતાં તેણે ગાળાગાળી કરી બોલાચાલી કરી હતી અને મારા માથામાં છરી ઝીંકી દીધી હતી.

બીજી તરફ મેગીવાળા બળવંતભાઇ રાજાએ કહ્યું હતું કે જીગો ઉર્ફ જીગર સહિત છ જણા મેગી ખાવા આવ્‍યા હતાં. તે ગ્રાહકોને ગાળો દેતાં હોઇ આ બાબતે સમજાવતાં મને પણ ગાળો દેતાં માથાકુટ થઇ હતી અને મારા પર છરીથી હુમલો કરતાં મેં હાથ આડા રાખતાં બંને હાથમાં ઇજા થઇ હતી. જેમાં ડાબા હાથનો અંગુઠો કપાઇ જતાં તે લઇને હું હોસ્‍પિટલે આવ્‍યો હતો. બળવંતભાઇ ઉપર છએક મહિના પહેલા પણ વાહન પાર્કિંગ મામલે છરીથી હુમલો થયો હતો. ત્‍યારે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી.

(3:11 PM IST)