<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ચૂંટણી સમયે જ બેંકના ડેલિગેટ્‍સ ગેરકાયદેસર ઠરાવાયા, કૌભાંડોની હારમાળા બહાર આવીઃ નાગરિક બેંક બચાઓ સંઘ

બદઇરાદા સાથે નિમાયેલા કો-ઓપ્‍ટ વર્તમાન ડિરેકટર છે, તેમજ અન્‍ય રદ થયેલા ડેલિગેટ્‍સ પણ બેન્‍કના બોર્ડ ઓફ ડાયરેકટર્સના ઠરાવથી ગેરકાયદેસર રીતે નિમાયેલા છે વર્તમાન બોર્ડ આ મુદ્દે નૈતિક રીતે સામુહિક રાજીનામાં આપે તે જરૂરી

રાજકોટ તા. ર૯: ગઇકાલે તા. ર૮ના મતદારો (ડેલિગેટ્‍સ) ની અંતિમ યાદી જાહેર કરતા પૂર્વે ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા જિલ્લા કલેકટર સર્વ શ્રી કાયર હર્ષિતભાઇ પી. રાયઠઠ્ઠા ભાવેશભાઇ એ., હિંશુ જસ્‍મીનભાઇ જે., પુજારા કિશોરભાઇ જે., ખુંટ કરસનભાઇ એ. ને કાયદાકીય રીતે ગેરકાયદેસર ઠરાવતા ગુજરાતના સહકારી જગતમાં ભૂકંપ સર્જાયો હોવાનું નાગરિક બેંક બચાવો સંગઠનના વિબોધ એન. દોશી (મો. ૯૪ર૮ર ૦૬૦૬૦) એ એક યાદીમાં જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે, ઉપરોકત બાબતે જાણીતા ઉદ્યોગપતિ અને ડેલિગેટ શ્રી દીપકભાઇ અગ્રવાલે આ કાયદેસરના વાંધાઓ રજુ કરેલ હતા અને તેમના દ્વારા પ્રખર ધારા શાષાી શ્રી રવિભાઇ ગોગીયાએ ધારદાર દલીલો રજુ કરી સફળતા પ્રાપ્‍ત કરેલ છે.

દેશની અગ્રણી અને સીતેર વર્ષ જુની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ ર૧ ડિરેકટરોની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ૪ નવેમ્‍બરથી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના પ્રતિનિધિઓ તરીકે ૩૩૭ ડેલિગેટ્‍સ એટલે કે મતદારોની યાદી ગયા સપ્‍તાહે જાહેર થયેલ જેની સામે વાંધા અરજીઓ આવતા ઉપરોકત ડેલિગેટ ગેર કાયદેસર ઠરાવવામાં આવેલ છે. બેંકની મુંબઇની કાલબાદેવી બ્રાન્‍ચ તેમજ જૂનાગઢ બ્રાન્‍ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્‍યા છે. અન્‍ય બ્રાન્‍ચોમાં પણ કરોડોની લોનો અંગે ભારે કુશંકાઓ છે. ,નાગરિક બેંકમાં ૮-૧૦ ડિરેકટરો અને અધિકારીઓની ટોળકી એ કબજો જમાવી દીધેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.

વિબોધ દોશીએ જણાવેલ યાદી મુજબ રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ નાગરિક બેંકને ચોકકસ અલ્‍ટીમેટમ આપી દીધેલ છે. થાપણદારો સભાસદો, ગ્રાહકો, કર્મચારીઓ તેમજ શુભચિંતકો વિગેરેને મળીને દસ લાખ ઉપરનો પરિવાર ધરાવતી તેમજ દશ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી રાજકોટ નાગરિક બેંક છેલ્લા કેટલાક સમયથી કાયદાઓ અને નિયમોનો ભંગ હોવાની સહકારી ક્ષેત્ર તેમજ બેન્‍કિંગ જગત હત-પ્રક્ષ છે. ‘‘વિના સંસ્‍કાર નહીં સહકાર''ના બૌધ્‍ધિક ઉપદેશો આપનારા ચહેરાઓના નકાબ એક પછી એક ઉતરી રહેલ છે અને કુ-સંસ્‍કારો જે વિચારધારા સાથે આ બેંકનું નામ સંકળાયેલ છે. તે સંગઠનો પણ આંતરિક રીતે ચિંતા કરી રહેલ છે, પરંતુ હજી સુધી જરૂરી ઓપરેશન કરી શકયા નથી, તે હકીકત છે. નાગરિક બેંક બચાવો સંઘના પૂર્વ કર્મચારીઓ તેમજ સામાજિક અગ્રણીઓ વગેરે જાહેરમાં કે ખાનગીમાં જોડાયેલા છે તે તમામ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની વિચારધારાને સમર્પિત સ્‍વયંસેવકો અને કાર્યકર્તાઓ જ છે. નાગરિક બેંકને પોતાની માતૃ સંસ્‍થા માનીને સમર્પિત થઇ ગયેલા સંઘના સદસ્‍યો નિસ્‍વાર્થ કર્મયોગીઓ જ છે.

નાગરિક બેંક બચાવો સંઘના અગ્રણીઓ સર્વશ્રી ચંદુભા પરમાર, વિબોધ દોશી, ખેંગાર યોગીજી, મુન્‍નાભાઇ રાવલ, ઉમેશ દફતરી, લક્ષ્મણ મકવાણા, તેમજ વિશ્‍વેશ ધોળકીયાએ સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે કે અમોને ભૂતકાળમાં બેંકે  માઁ જેટલું વાત્‍સલ્‍ય તેમજ સઘળું આપેલ છે, ત્‍યારે સંતાન ધર્મ બજાવો તે અમારા માટે કર્તવ્‍ય સમાન છે. બેન્‍કિંગ રુલ્‍સ એન્‍ડ રેગ્‍યુલેશન, રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાની ગાઇડ લાઇન, બેંકની જુની અને ભવ્‍ય પરંપરા અને કાર્ય પધ્‍ધતિથી સંપૂર્ણપણે વિમુખ થઇ સહકારી ક્ષેત્રમાં પોતાની ખાનગી ભાગીદારી પેઢી ઊભી કરનારાઓ અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોને બેંકમાંથી દૂર કરવા એ બેંકના અસ્‍તિત્‍વને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. મંદિર જેવી પવિત્ર નાણાકીય સંસ્‍થાને સ્‍વાર્થી ભ્રષ્‍ટાચારી, સત્તાલાલસુઓ તેમજ અહંકારી લોકોએ બેંકને દાવ ઉપર લગાડી દીધેલ છે. બેંકમાં જે સાડા છ હજાર કરોડ જેટલી લાખો લોકોની થાપણ (ફિકસ ડિપોઝિટ) પડેલ છે તે નાના માણસોની જીવનભરની લોહી પસીનાની જીવનભરની કમાણી છે અને તે તેની મરણ મૂડી છે. ઉઠી કે ડૂબી ગયેલી અનેક સહકારી બેન્‍કોના લિસ્‍ટમાં નામ ન ઉમેરાય તે માટે નાગરિક બેન્‍કનું નામ સંકલ્‍પ બધ્‍ધ છે. આ માટે પ્રમાણિક, કુશળ, નિસ્‍વાર્થી એવા અનેક ડેલિકેટો મોટી સંખ્‍યામાં છે અને તેઓએ ચૂંટણી જીતીને બેંકનું સંચાલન સંભાળી લેવું પડે તેમ છે. અન્‍યથા નજીકના મહિનાઓ કે વર્ષોમાં બેંકનું સંચાલન રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના વહીવટદારને પણ સોંપાઇ જાય તેવી બચાવો સંઘના અગ્રણીઓએ વ્‍યકત કરેલ છે. હાલમાં કોઇ થાપણદારને ગભરાવાની કે ડરવાની જરૂર નથી તેમ ભારપૂર્વક જાહેર કર્યું છે. પરંતુ બેંકને લાગેલું આ કેન્‍સર કે ઉદભવનું ઓપરેશન સત્‍વરે નો થાય તો અંધકારમય ભવિષ્‍ય અંગે ઘેરી આશંકાઓ યાદીમાં વ્‍યકત કરેલી છે. (૭.૩૧)

(2:25 PM IST)