<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

બજરંગવાડી-રેલનગરમાં ઓચિંતો પાણી કાપઃ દેકારો

દિવાળીના તહેવારોમાં પદાધિકારીનાં વોર્ડમાં પાણીની હોળી :સીંધાવદર પાસે એન-સી-૩૩ લાઇનમાં ભંગાણ થતા વિતરણ વ્‍યવથા ખોરવાયઃ યુધ્‍ધના ધોરણે રિપેરીંગ હાથ ધરાયુઃ એકસપ્રેસ ફીડર લાઇનનું સુરસુરિયુ કોંગ્રેસનો આરોપ

રાજકોટ,તા. ૨૯: નર્મદાનું પાણી રાજકોટ શહેરને પૂરું પાડતી NC-33 લાઇન પર સિધાંવદર પાસે એર વાલ્‍વ્‌ ડેમેજ થયેલ હોય, જેના રિપેરિંગ માટે GWIL દ્વારા કાલે સાંજે ૬ કલાક થી આકસ્‍મિક શટડાઉન લેવામાં આવતા પદાધિકારીઓના વોર્ડ એવા વોર્ડ વોર્ડ નં. ૨ અને ૩ના બજરંગવાડી રેલનગર વિસ્‍તારમાં દિપાવલીમાં પાણી વિતરણ ખોરવાતા ગૃહિણી દેકારો મચી જવા પામ્‍યો હતો.

વોટર વર્કર તથા વિભાગના સતાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ  શહેરને અગામી ૨૪ કલાક દરમ્‍યાન કુલ ૭૦ ML નર્મદા નાં પાણી ની ઘટ થવાનો સંભવ રહેતા તહેવાર ને ધ્‍યાને લઇ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાના ભાગ રૂપે જરૂરી આયોજન દ્વારા આજે રેલનગર તથા બજરંગવાડી હેડવર્કસ પરથી ફક્‍ત કુલ ૨૨ ML(વોર્ડ નંબર ૨-પાર્ટ અને ૩- પાર્ટ) સપ્‍લાય બંધ રાખી બાકીના વિસ્‍તારોમાં રાબેતા મૂજબ પાણી વિતરણ કરવાનો પ્રયાસ કરવાનુ ગોઠવવામાં આવેલ છે. જ્‍યારે આવતીકાલે તા. ૩૦ના તમામ વિસ્‍તારમાં નિયમીત પાણી વિતરણનો દાવો કર્યો હતો.

કોંગ્રેસનો આક્ષેપ

આ અંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્‍યું હતુ કે,  શહેરમાં નર્મદાના પાણીના નામે દિવાળીના સમયે જયારે વધુ પાણી આપવું જોઈએ. ૨૦ મિનિટ ને બદલે ભાજપના વચન મુજબ ૩૦ મિનિટ પાણી મળવું જોઈએ તેને બદલે કોઈપણ જાતની જાહેરાત વગર અચાનક પાણી કાપ લાદી દેવામાં આવ્‍યો છે. આજે શહેરના વોર્ડ નંબર ૨  અને ૩ ના બજરંવાડી ઝોનના અનેક વિસ્‍તારોમાં અચાનક પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો. ચૂંટણી સમયે રાજકોટના શહેરીજનોને દરરોજ ૩૦ મિનિટ પાણી આપવાની વાતો કરનારા શાસકો ૨૦ મિનિટ પૂરતું પાણી આપવામાં સદંતર નિષ્‍ફળ નીવડયા છે. શહેરમાં આડકતરો પાણી કાપ ચાલી રહ્યો હોય તેવું સ્‍પષ્ટ જણાય છે કારણ કે નર્મદાનું પાણી ન મળવાને પગલે કોઈપણ ઝોનમાં પાણીનું લેવલ યોગ્‍ય ન થતા છાશવારે  તે ઝોનમાં પાણી અચાનક બંધ કરી દેવામાં આવે છે.

નર્મદાનું પાણી ટેકનિકલી ફોલ્‍ટ, વીજફોલ્‍ટ, ટાંકા રીપેરીંગ, જૂની પાઇપલાઇન બદલી નવી પાઇપલાઇન નાખવાની સહિતના  બહાના હેઠળ પાણી કાપ લાદવામાં આવે છે. નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા શાસકો એ અગાઉ જણાવ્‍યું હતું કે નર્મદાનું પાણી પૂરતું નહીં આવે તો એક્‍સપ્રેસ ફીડર લાઇન દ્વારા જે ઝોનમાં નર્મદાના પાણીની ઘટ રહેશે તે ઝોનમાં ન્‍યારી અથવા આજીમાંથી પાણી એક્‍સપ્રેસ ફીડર લાઇન દ્વારા ઘટ્ટ પૂરી કરી દેવામાં આવશે.

આજે વોર્ડ નંબર ૨  ના બજરંગ વાળી વિસ્‍તારના મહિલા સામાજીક કાર્યકર મીનાબેન જાદવ અને અન્‍ય ગૃહિણીઓની અચાનક કોઈ પણ જાતની જાહેરાત વગર સવારથી પાણી ન મળતા કોંગ્રેસ કાર્યાલય પાણી ન મળવા બાબતની ફરિયાદ બાદ તપાસ કરતા વોર્ડ નંબર ૨ અને ૩ ના રેલ નગર સહિતના અનેક વિસ્‍તારોમાં પાણી કાપ નર્મદાના મેન્‍ટેનન્‍સના પગલે નર્મદાનું પાણી મળેલ નથી.

   રાજકોટ સહિતના તમામ જળાશયો છલકાયા અને તમામ ડેમોમાં પૂરતું પાણી ઉપલબ્‍ધ હોવા છતાં દિવાળી ટાણે ગૃહિણીઓને પાણી કાપ સહન કરવાની નોબત આવી છે તેમ અંતમાં રાજાણીએ જણાવ્‍યું છે.

શહેરને પાણી પુરૂ પાડતી લાઇન તુટીઃ ફુવારા ઉડયા

રાજકોટ : શહેરના બજરંગવાડી-રેલનગર સહિતના વિસ્‍તારોમાં પીવાનું પાણી પુરૂ પાડતી લાઇનમાં સિંધાવદર પાસે ભંગાણ પડતા પાણીના ફુવારા ઉડયા હતાં. આ વિસ્‍તારોમાં ઓંચીતો પાણી કાપ લદાતા દેકારો મચી જવા પામ્‍યો હતો. તંત્ર દ્વારા યુધ્‍ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્‍યું હતું.

 

(3:30 PM IST)