News of Tuesday, 29th October 2024
રાજકોટ નાગરિક બેંક ની ચુંટણી પ્રક્રિયામાં પાંચ ડેલિગેટના નામ ફકત ટેકનીકલ કારણોસર મતદાર યાદીમાંથી કમી થયા છે, ડેલિગેટ તરીકે માન્ય જ છે
હર્ષિતભાઈ કાવર ડેલિગેટ અને કો-ઓપ્ટ ડિરેકટર તરીકે માન્ય જ છેઃ આ ચુંટણી મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ એકટ અને સેન્ટ્રલ રજીસ્ટ્રાર દ્વારા મંજુર બાયલોઝ મુજબ યોજાઈ રહી છે

રાજકોટ, તા. ર૯ : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી (ન્યુ દિલ્હી) દ્વારા કરાવવામાં આવે છે. જે અંતર્ગત કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટીએ રાજકોટ જીલ્લા કલેકટરશ્રીને રીર્ટનીંગ ઓફિસર તરીકે નિયુક્ત કરેલ છે. રીર્ટનીંગ ઓફિસર દ્વારા ડેલિગેટની યાદીમાં કોઈ વાંધા અરજી હોય તો તેની સુનવણી હાથ ધરાયેલ હતી અને તે યાદીની ચકાસણી અને પક્ષકારોના વાંધા સુનવણી બાદ પાંચ ડેલિગેટોને ટેકનીકલ કારણોસર ફક્ત મતદાર યાદીમાંથી નામ કમી કર્યા છે. તેઓ ડેલિગેટ તરીકે માન્ય જ છે અને તે પૈકી એક ડેલિગેટ બેંકના કો-ઓપ્ટ ડિરેકટર તરીકે કાર્યરત જ હોવાનું યાદીમાં જણાવાયું છે.
વિશેષમાં, બેંકના ડેલિગેટ્સની ચુંટણી સંપુર્ણ નિયમાનુસર અને પારદર્શક રીતે એપ્રિલ ૨૦૨૩માં થયેલ હતી. ત્યારબાદ માર્ચ ૨૦૨૪ સુધીમાં ડેલિગેટ્સના દુઃખદ અવસાન થતા કુલ પાંચ જગ્યા માટે બેંક દ્વારા જે તે ગામના એટલે રાજકોટના હર્ષિતભાઈ પ્રહલાદભાઈ કાવર, ભાવેશભાઈ અમળતલાલ રાયઠઠ્ઠા, મોરબીના જસ્મીનભાઈ જમનભાઈ હિંસુ, વાંકાનેરના કિશોરભાઈ જાદવજીભાઈ પુજારા અને જુનાગઢના કરશનભાઈ આંબાભાઈ ખૂંટના નામો બોર્ડમાં મંજુર થયા હતા અને સર્વસંમતિથી તેઓની નિમણુંક થઈ હતી. કોન્સીટન્સીને બદલે જે ગ્રુપ હોય તેમાંથી તેનું નામ નોમીનેટ થવું જોઇએ. આથી ટેકનીકલ કારણોસર આ વખતની મતદાર યાદીમાંથી નામો કમી થયા છે.
આ ચુંટણી પ્રક્રિયા મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ એક્ટ અંતર્ગત થતી હોય રિઝર્વ બેંક ઓફ ઇંડિયાનો કોઈ રોલ હોતો નથી પરંતુ બેંકના અમુક સ્થાપિત હિતશત્રુઓ અને વિઘ્ન સંતોષીઓ વારંવાર બેંકના કૌભાંડો અને ફરિયાદોની એક વાત દોહરાવે છે. દરેક ફરિયાદની યોગ્ય અને ન્યાયીક તપાસ થઇ છે અને તે બધી જ ફરિયાદ બેબુનિયાદ બની છે. બેંક સામે કોઈ જ પગલાં લેવાયા નથી. છતાં પણ વારંવાર ખોટી જ રજુઆત કરવામાં આવે છે. વિવિધ મીડીયા મારફત અધુરી, અધકચરી અને ગેરસમજણભરી માહિતી રજુ કરી બેંકના ડેલિગેટ્સ, સભાસદો, ખાતેદારો અને જાહેર જનતાને ચાલાકીભરી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.
(4:11 PM IST)










