<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

માયાણીનગરના ફર્નિચરના કોન્‍ટ્રાક્‍ટર-કારીગર રાકેશભાઇ લાઠીયાનો નદીમાં કૂદી આપઘાતઃ ઉઘરાણીથી કંટાળ્‍યા'તા

સવારે કામે જવાનું કહીને એક્‍ટીવા લઇને નીકળ્‍યા'તાઃ બપોરે પુત્રએ ફોન કરતાં કહ્યું-હું જમવા નહિ આવું મોડુ થશે...સાંજે લાશ મળી : કણકોટ રામનગર નદીના પૂલ પર એક્‍ટીવા, ચપ્‍પલ પડયા હોઇ ડેકીમાં મોબાઇલની રીંગ વાગતી હોઇ રાહદારીએ પોલીસને જાણ કરતાં તપાસ બાદ લાશ મળીઃ બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ તહેવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ

 

રાજકોટ તા. ૩૦: અલગ અલગ કારણોસર લોકો કંટાળી જઇ ત્રાસી જઇ જિંદગીથી છેડો ફાડી લેતાં હોય છે. પરંતુ તેમના આવા પગલાને કારણે  પરિવારજનો, સ્‍નેહીજનો, સગા સંબંધીઓ, મિત્રો શોકમાં ગરકાવ થઇ જતાં હોય છે. વધુ એક આત્‍મહત્‍યાની ઘટનામાં માયાણીનગરમાં રહેતાં અને ફર્નિચર કામના કોન્‍ટ્રાક્‍ટ રાખી કામ કરતાં કારીગર યુવાને આર્થિક ભીંસ અને ઉઘરાણી કરનારાઓથી કંટાળી જઇ કણકોટ રામનગરના પૂલ પરથી નદીમાં કૂદી જિંદગીથી છેડો ફાડી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. એક તરફ સ્‍વજનો દિવાળીનો તહેવાર ઉજવવાની તૈયારીમાં હતાં ત્‍યારે જ ઘરના મોભીના આ પગલાથી કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ પર કણકોટના રામનગર નદીના પૂલ પર એક એક્‍ટીવા રેઢુ પડયું હોઇ અને તેની બાજુમાં ચપ્‍પલ પણ હોઇ તેમજ એક્‍ટીવાની ડેકીમાં મોબાઇલ ફોન રણકતો હતો તે વખતે એક રાહદારી નીકળતાં કંઇક અજુગતુ બન્‍યાની શંકા ઉપજતાં તેણે પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. ભગીરથસિંહ ખેર સહિતના સ્‍ટાફે પહોંચી તપાસ કરી હતી. વાહનની ડેકી ખોલાવી તેમાંથી મોબાઇલ ફોન કાઢી રિસીવ કરતાં આ વાહન અને ફોન મવડી પ્‍લોટ માયાણીનગર-૪માં રહેતાં રાકેશભાઇ રસિકભાઇ લાઠીયા (ઉ.વ.૪૦)ના હોવાનું ખુલ્‍યું હતું.

રાકેશભાઇને તેમના ભાઇ રાજેશભાઇ સહિતના સ્‍વજનો કલાકોથી શોધતા હોવાનું જણાવાયું હતું. સ્‍વજનો ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. ફાયર બ્રિગેડની મદદથી પોલીસે નદીમાં તપાસ કરતાં રાકેશભાઇ લાઠીયાનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આપઘાત કરનારા રાકેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. પત્‍નિનું ના આરતીબેન છે. સંતાનમાં બે પુત્ર હેરીક (ઉ.૧૧) અને અખીલ (ઉ.૮) છે.

રાકેશભાઇના ભાઇએ કહ્યું હતું કે રાકેશભાઇ ફર્નિચર કામના કોન્‍ટ્રાક્‍ટર રાખી પોતે પણ આ કામ કરતાં હતાં. કેટલાક સમયથી તેણે અલગ અલગ સાઇડ માટે માલસામાન લીધો હોઇ આ કામ પુરા થયા છતાં રૂપિયા આવ્‍યા ન હોઇ બીજી તરફ માલ સહિતના બીજા રૂપિયા અલગ અલગ લોકોને ચુકવવાના બાકી હોઇ ઉઘરાણી થતી હતી. આર્થિક ભીંસ આવી ગઇ હોઇ અને દિવાળી જેવો તહેવાર પણ માથે હોઇ તેઓ કંટાળી ગયા હતાં અને ગઇકાલે સવારે કામે જવાનું કહીને નીકળ્‍યા હતાં. બપોરે નાના દિકરાએ જમવા બાબતે પુછતાં તેણે પોતાને મોડુ થઇ જશે, તમે જમી લેજો તેમ કહ્યું હતું. બાદમાં સાંજે ફોન રિસીવ કરવાનું બંધ કરી દેતાં અમે શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન કણકોટ રામનગરના પૂલ પરથી તેમનું એક્‍ટીવા અને મોબાઇલ ફોન તથા ચપ્‍પલ મળ્‍યા બાદ નદીમાંથી મૃતદેહ મળી આવ્‍યો હતો. આર્થિક સંકડામણને કારણે પગલુ ભર્યાની શક્‍યતા પોલીસને જણાઇ આવી હોઇ વધુ તપાસ યથાવત રાખી છે. બનાવને પગલે લાઠીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(2:10 PM IST)