News of Friday, 1st November 2024
રાજકોટમાં દિવાળીની રાતે લોહી રેડાયું: ફટાકડા ફોડવાની માથાકુટમાં સર્વેશ્વર ચોકમાં બજરંગવાડીના ૨૬ વર્ષના કાર્તિક સરવૈયા-પ્રજાપતિની કટારના ઘા ઝીંકી હત્યા
મૃતકના નાના ભાઇ પ્રકાશ અને માસીયાઇ ભાઇ કેતનને ઇજાઃ બલી'સ કિચનવાળા અમરદિપ ઉર્ફ બલીએ ફટાકડા સળગાવી કાર્તિકની માથે ફેંક્યા બાદ ડખ્ખોઃ કાર ચડાવી દેવા પ્રયાસ કર્યો, પછી કીરપાણના ઘા ઝીંક્યા

રાજકોટઃ શહેરમાં દિવાળીની રાત લોહીયાળ બનીગઇ હતી. ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાં હત્યાની ઘટના બની હતી. જેમાં બજરંગવાડી સર્કલ પાસે શેરી નં. ૧૩માં કુળદેવી કૃપા ખાતે રહેતાં અને સિગારેટની કંપનીનું માર્કેટીંગ કરતાં કાર્તિક જેન્તીભાઇ સરવૈયા (ઉ.વ.૨૬) નામના યુવાનની ક્રુર હત્યા થઇ છે. જ્યારે તેના નાના ભાઇ પ્રકાશ જેન્તીભાઇ સરવૈયા (ઉ.વ.૨૨) અને માસીયાઇ ભાઇ ધરમનગરમાં રહેતાં કેતન હરીભાઇ વોરા (ઉ.વ.૩૨)ને પણ કટાર-કિરપાણના ઘા ઝીંકાતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સર્વેશ્વર ચોકમાં બલી'સ કીચન નામે ધંધો કરતાં અમરદીપ ઉર્ફ બલીપાજીએ હત્યા નીપજાવ્યાનું અને બાદમાં તે ફરાર થઇ ગયાનું ખુલતાં એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમોએ તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ બજરંગવાડી-૧૩માં રહેતો કાર્તિક સરવૈયા, તેનો નાનો ભાઇ પ્રકાશ સરવૈયા અને માસીયાઇ ભાઇ કેતન વોરા દિવાળીની રાતે સર્વેશ્વર ચોકમાં દૂકાન ધરાવતાં મિત્ર મીત ભટ્ટને ત્યા ફટાકડા ફોડવા ગયા હતાં. ચારેય જણા દૂકાન નજીક ફટાકડા ફોડતા હતાં ત્યારે સર્વેશ્વચર ચોકમાં જ બલી'સ કીચન નામે રેસ્ટોરન્ટ ચલાવતો અમરદીપ ઉર્ફ બલી પણ ત્યાં ફટાકડા ફોડતો હતો. ઘાયલ પૈસકીના પ્રકાશ સરવૈયાના કહેવા મુજબ બલીપાજી ફટાકડા સગળાવીને મારા ભાઇ કાર્તિક ઉપર ફેંકતો હતો, બે વાર તેણે આવુ કરતાં તેને ના પાડવા છતાં તેણે આખી લૂમ સળગાવીને મારા ભાઇ તરફ ફેંકી હતી. આ કારણે અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી.
ત્યારબાદ વાત શાંત પડી જતાં મિત્ર મીત ભટ્ટ અમને ચોકમાંથી યાજ્ઞિક રોડ તરફ લઇ જતો હતો ત્યાં બલીપાજી પાછો કાર લઇને આવ્યોહ તો અને અમારા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી તે કારમાંથી કટાર જેવુ કીરપાણ લઇને ઉતર્યો હતો અને મારા ભાઇ કાર્તિકને ઘા મારી દીધા હતાં. હું અને માસીયાઇ ભાઇ કેતન વચ્ચે પડતાં અમને બંનેને પણ ઘા મારી દીધા હતાં. આ બનાવ રાતે ત્રણેક વાગ્યે બન્યો હતો. અમે લોહીલુહાણ થઇ જતાં દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. મીત ભટ્ટ સહિતે અમને હોસ્પિટલમાં ખસેડયા હતાં. તેમ વધુમાં પ્રકાશે કહ્યું હતું.
બીજી તરફ સારવાર દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યે કાર્તિક સરવૈયાએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરીણમ્યો હતો. પીઆઇ આર. જી. બારોટ, એએસઆઇ એમ. વી. લુવા અને ડી. સ્ટાફ ટીમ તેમજ ડીસીબી, એલસીબીની ટીમોએ આરોપીને દબોચી લેવા દોડધામ શરૂ કરી હતી.
હત્યાનો ભોગ બનનાર કાર્તિક બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા પરિવારનો આધાર હતો. તેના લગ્ન થયા હતાં. તે નાના ભાઇ પ્રકાશ સાથે સિગારેટની કંપનીનું માર્કેટીંગ કરતો હતો. તેના પિતા જેન્તીભાઇ દેવશીભાઇ સરવૈયા રેસકોર્ષ લવ ગાર્ડન નજીક ચબુતરા પાસે ભેળપુરીની લારી રાખી ગુજરાન ચલાવે છે. દિવાળીના સપરમા દિવસે યુવાન અને આધારસ્તંભ દિકરાની હત્યા થઇ જતાં સરવૈયા (વાટલીયા પ્રજાપતિ) પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બલીપાજીનો બર્થડે હતો, સળગતા ફટાકડાના ઘા કર્યા પછી ડખ્ખો કર્યો
ચર્ચા મુજબ દિવાળીને દિવસે જ હુમલાખોર અમરદીપ ઉર્ફ બલીપાજીનો બર્થડે હતો, તે બીજા લોકો સાથે મળી ફટાકડા ફોડતો હતો. સળગતા ફટાકડા તેણે હત્યાનો ભોગ બનનાર કાર્તિક ઉપર ફેંક્યા હતાં. બાદમાં આખી લૂમ સળગાવીને ફેંકી હતી. એ પછી બોલાચાલી બાદ સમાધાન થઇ ગયા પછી ફરીથી બલીપાજીએ કાર લઇ માથે ચડાવવા પ્રયાસ કર્યા બાદ કટાર-કીરપાણથી હુમલો કર્યો હતો. જે જીવલેણ નીવડયો હતો. પોલીસે તેને દબોચી લેવા કવાયત આદરી છે.
(2:48 PM IST)










