News of Tuesday, 5th November 2024
મધરાતે અત્યંત કરૂણ ઘટનાઃ સુરેન્દ્રનગરના દસાડા પાસે બૂટલેગરની ગાડી રોકવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જાવેદખાન પઠાણનું મોતઃ હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ જાડેજા અને કોન્સ. દિનેશભાઇ રાવતનો નજીવી ઇજા સાથે ચમત્કારીક બચાવ
દારૂ ભરેલી ક્રેટાને રોકવા જતાં તે બાજુમાંથી નીકળેલા ટ્રેલર પાસેથી પસાર થઇ ગઇઃ આ વખતે જ પાછળ એમએમસીની ફોર્ચ્યુનર આવતી હોઇ તેની લાઇટથી અંજાઇ જતાં પીએસઆઇ જમણી બાજુ ગયા ને ઠોકરે ચડયા

રાજકોટઃ મધરાતે અઢીથી ત્રણના ગાળામાં કરૂણ ઘટનામાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇનું મૃત્યુ થયું છે. સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જાવેદખાન એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કરતી વખતે ટ્રક ટ્રેલરની ઠોકરે ચડી જતાં ફંગોળાયા બાદ ગંભીર ઇજા થતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજતાં પોલીસ બેડામાં શોક છવાઇ ગયો હતો.
પોસ્ટમોર્ટમ માટે પીએસઆઈ જે. એમ. પઠાના મૃતદેહને વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડીરાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)માં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનસફખાન પઠાણ (ઉં.વ.૫૦)ને ટ્રક ટ્રેલરની ટક્કર લાગતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં વિરમગામ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. સાથેના બે કર્મચારી પોલીસ કર્મચારી કૃષ્ણદેવસિંહ જાડેજા (રાજકોટ) અને દિનેશભાઈ રાવત (રહે. અમદાવાદ)નો ઇજા સાથે ચમત્કારીક બચાવ થયો હતો. દસાડા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના પીએસઆઇ જે.એમ. પઠાણ મધરાતે અઢી વાગ્યે ટીમ સાથે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે પેટ્રોલીંગમાં હતાં. આ વખતે ચોક્કસ બાતમી મળી હતી કે પાટડી રોડ શંખેશ્વરથી એક ક્રેટા કાર દારૂ ભરીને નીકળશે. આથી પીએસઆઇ અને તેમની ટીમે કઠાડા ગામથી આગળ વળાંક ઉપર બ્લોક કરીને ઊભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટ્રેલર અને ક્રેટા કાર રોકાયેલ નહીં. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેમની લાઈટ જોઈ પીએસઆઈ બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા.
બાતમી મુજબની ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. ટ્રેલર અને ફોર્ચ્યુનરની લાઈટના અજવાળામાં પીએસઆઈ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયુ હતું. જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુ વિગતો અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર પીએસઆઇ જાવેદખાન પઠાણ અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા. તેમના પરિવારમાં બાળકો અને પત્નિ છે. તેમના એક ભાઈ પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઘણા ચૂનંદા અધિકારીઓમાં તેમનું નામ હતું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ-જુગારની રેડ કરી હતી. એસએમસીના જાંબાઝ પીએસઆઇના મૃત્યુથી પોલીસબેડા, એસએમસીની ટીમોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.
(2:19 PM IST)










