<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ભગવતીપરામાં બાઇક સ્લીપ થઇ જતાં સુનિલ ઝાલાનું મોત, મિત્ર કોૈશિક પરમારને ગંભીર ઇજા

બંને મિત્રો રાતે પાન ફાકી ખાઇને ઘરે જતા હતાં ત્યારે મોડર્ન સ્કૂલ નજીક બનાવ બન્યોઃ મૃતક પચ્ચીસ વર્ષના યુવાનના તાજતેરમાં જ લગ્ન થયા હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: શહેરના ભગવતીપરામાં રાત્રે બાઇક સ્લીપ થઇ જતાં બે મિત્રો ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ એક મિત્રનું મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો. બીજાને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરાયો હતો.

જાણવા મળ્યા મુજબ ભગવતીપરા શેરી નં. ૫માં રહેતો કોૈશિક નવીનભાઇ પરમાર (ઉ.વ.૩૯) અને તેની સામે જ રહેતો મિત્ર સુનિલ બચુભાઇ ઝાલા (ઉ.વ.૨૫) રાતે સાડા નવેક વાગ્યે જમ્યા બાદ પાન ફાકી ખાવા ગયા હતાં. બંને બાઇક પર પરત ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે બાઇક સુનિલ હંકારી રહ્યો હતો. બદરી પાંડે મોડર્ન સ્કૂલ નજીક પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં બને ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન સુનિલનું મૃત્યુ થયું હતું.

સુનિલ ત્રણ બહેનનો એક જ ભાઇ હતો. તે કારના સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કોૈશિકે જણાવ્યું હતું. મિત્ર કોૈશિકે કહ્યું હતું કે અમે પાન ફાકી ખાઇને પરત આવતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. સુનિલ એકાદ મહિના પહેલા જ મારા ઘર સામે રહેવા આવ્યો હોઇ અમારી વચ્ચે મિત્રતા થઇ હતી. તેના તાજેતરમાં જ લગ્ન થયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:30 PM IST)