News of Wednesday, 6th November 2024
મનપાને દિવાળી ફળી : પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ૫૭ હજાર મુલાકાતીઓએ આનંદ માણ્યો : ૧૫ લાખથી વધુની આવક
રામવનમાં નબળો પ્રતિસાદ, પાંચ દિવસમાં માત્ર ૬૩૩૨ લોકોએ નિહાળ્યુ : ગત વર્ષે રામવનમાં ૧૩ હજાર અને ઝુમાં ૫૬ હજાર સહેલાણીઓ ઉમટયા હતા

રાજકોટ તા. ૬ : મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે તા.૩૧ થી તા.૦૪ દરમ્યાન પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ-૫૭૭૮૩ અને રામવન ખાતે-૬૩૩૨ મુલાકાતીઓએ મુલાકાત લઈ આનંદ માણ્યો હતો. તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે તા.૩૧ના ૪૭૯૪, તા.૦૧ના રોજ ૧૨૫૧૯, તા.૦૨ ના રોજ ૧૭૫૬૮, તા.૦૩ના રોજ ૧૨૯૯૪ અને તા.૦૪ના રોજ ૯૯૦૮, એમ કુલ-૫૭૭૮૩ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
રામવન ખાતે તા.૩૧ના રોજ ૨૮૮, તા.૦૧ના રોજ ૯૧૦, તા.૦૨ના રોજ ૧૮૦૯, તા.૦૩ના રોજ ૧૯૪૫ અને તા.૦૪ના ૧૩૮૦, એમ કુલ-૬૩૩૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૦ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી, વન્યપ્રાણી-૫ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝૂ ખાતે ૧૧ માસ પહેલા જન્મ થયેલ ૦૨ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવિત થાય છે. દિવાળીના તહેવારો દરમિયાન આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.(
(2:40 PM IST)










