<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

રાજકોટના નેપાળી બંધાણીઓ માટે નેપાળ બોર્ડરથી માદક પદાર્થ લાવતો ગાંધીગ્રામનો કેવલ ઉધાસ ઝડપાયો

શહેર એસઓજીએ રામાપીર ચોકડીએથી ૩.૧૩ લાખના હેરોઇન-બ્રાઉન સ્‍યુગર સાથે દબોચ્‍યો :કેતન અગાઉ પણ દસેક ખેપ મારી આવ્‍યો હતોઃ એક ટ્રીપમાં અડધો લાખ કમાઇ લેતો'તોઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ આર. જે. કામળીયા, સિધ્‍ધરાજસિંહ, જાડેજા, રાજેશભાઇ બાળા સહિતની ટીમની કામગીરી :હેડકોન્‍સ. જયદિપસિંહ ચોૈહાણ અને ઉપેન્‍દ્રસિંહ ઝાલાની બાતમી : સ્‍થાનીક સુત્રધારનું નામ ખુલતાં તે પણ હાથવેંતમાં

રાજકોટ તા. ૭: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી-૩ પરિશ્રમ સ્‍કૂલ સામે રહેતાં કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.૩૯)ને બાતમીને આધારે રામાપીર ચોકડીના પૂલ નીચેથી રૂા. ૩,૧૩,૬૦૦ના ૬૨.૭૨ ગ્રામ હેરોઇન-બ્રાઉન સ્‍યુગર સાથે પકડી લઇ પુછતાછ કરવામાં આવતાં તે યુપીના ગોરખપુર નજીક નેપાળ બોર્ડરેથી નેપાળી શખ્‍સ પાસેથી આ પદાર્થ લાવ્‍યાની અને અગાઉ પણ દસેક વખત આ રીતે ખેપ મારી આવ્‍યાનું રટણ કરતાં વિશેષ તપાસ હાથ ધરાઇ છે. એસઓજીને આ ડ્રગ્‍સ રાજકોટનો જ એક શખ્‍સ મંગાવતો હોવાની માહિતી મળતાં તેને પણ સાણસામાં લેવા તજવીજ કરી છે. આ માદક પદાર્થ રાજકોટમાં રહી કામ કરતાં નેપાળી શખ્‍સોને જ વેંચવામાં આવતું હતું.

શહેરમાં માદક પદાર્થની બદ્દીને નાબુદ કરવા એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં ટીમ  પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. જયદિપસિંહ ચોૈહાણ અને ઉપેન્‍દ્રસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી કેતન ઉધાસને સકંજામાં લેતાં જીન્‍સ પેન્‍ટના પાછળના ખિસ્‍સામાંથી માદક પદાર્થ મળી આવતાં તેને પકડી લઇ રૂા. ૧૦ હજારનો મોબાઇલ ફોન, રૂા. ૧૩૦૦ રોકડા પણ કબ્‍જે લઇ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. જપ્‍ત થયેલા માદક પદાર્થનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી એસ. એચ. ઉપાધ્‍યાયએ કર્યુ હતું.

પ્રાથમિક પુછતાછમાં કેતન ઉધાસે કહ્યું હતું કે પોતે રાજકોટના એક નેપાળ પંથકના શખ્‍સના સંપકમાં આવ્‍યો હોઇ અગાઉ પોતે ડ્રાઇવીંગ કરતો હતો ત્‍યારે યુપી તરફ જતો હતો. આ શખ્‍સના કહેવાથી પોતે નેપાળ બોર્ડરે જઇ ત્‍યાંના એક શખ્‍સ પાસેથી હેરોઇન-બ્રાઉન સુગર ખરીદી લાવતો હતો. આ પદાર્થનું સેવન લોકલ બંધાણીઓ કરતાં નથી, પણ નેપાળના જ અમુક બંધાણીઓ કે જે રાજકોટ તથા આસપાસના વિસ્‍તારમાં રહે છે તેને આ પદાર્થ વેંચવામાં આવતો હતો. કેતન પાસે હેરાફેરી કરાવનારની માહિતી એસઓજીને મળી જતાં તેને પણ સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે.

કેતનના કહેવા મુજબ પોતે અગાઉ દસેક વખત આ રીતે ખેપ મારી આવ્‍યો હતો. જેના બદલામાં તેને પચાસથી સાંઇઠ હજારની રકમ સુત્રધાર તરફથી મળતી હતી. તેણે રટણ કર્યુ હતું કે હવે પછી આ કામ હું મુકી દેવાનો હતો જેથી સુત્રધારને પોતે છેલ્લીવાર આ કામ કરશે તેમ કહીને જ ગયો હતો. પરંતુ છેલ્લી વારમાં જ તે ઝપટે ચડી ગયો હતો. વધુ અને સાચી વિગતો ઓકાવવા રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ આર. જે. કામળીયા, પ્રો.પીએસઆઇ સી. બી. અજુડીયા, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, અજયભાઇ ચોૈહાણ, અરૂણભાઇ બાંભણીયા, મોૈલિકભાઇ સાવલીયા, હરદેવસિંહ જાડેજા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, મહાવીરસિંહ ઝાલા, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, કિશોરભાઇ ઘૂઘલ, અમિતભાઇ ટુંડીયા, યોગરાજસિંહ ગોહિલ અને ડ્રા.એએસઆઇ કૃષ્‍ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(1:25 PM IST)