News of Friday, 8th November 2024
કમલેશને મહેફીલના બહાને ઘરે બોલાવી મિત્ર નિલેષ અને આશિષે ઢાળી દીધોઃ ગામ મુકે એ પહેલા ઝડપાયા
ચંદ્રેશનગરમાં હત્યાઃ ‘મારી ઘરવાળી ગૂમ છે અને તેને તે જ છુપાવી છે, પાછી આપી દે'...કહી નિલેષ વાઘેલા મિત્ર ચામુંડાનગરના કમલેશ રાઠોડ સાથે કેટલાક દિવસથી માથાકુટ કરતો હતોઃ આ ડખ્ખો હત્યા સુધી પહોંચી ગયો એસીપી બી. જે. ચોૈધરીએ વિગતો જણાવીઃ માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની તત્કાળ કાર્યવાહીઃ હત્યાનો ભોગ બનનાર કમલેશ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને કુંવારો હતોઃ માતા-પિતા-પરિવારજનો ઉંડા શોકમાં ગરક

પારૂલબેન અને વિનોદભાઇ રાઠોડે સાત મહિના પહેલા નાના દિકરા કલ્પેશને વાહન અકસ્માતમાં ગુમાવ્યો, મોટા અને એકના એક આધારસ્તંભ દિકરાને મર્ડરમાં ગુમાવતાં શોકની કાલીમા
રાજકોટ તા. ૮: શહેરમાં હત્યાની વધુ એક ઘટના ગત સાંજે ચંદ્રેશનગરમાં બની હતી. જેમાં ચામુંડાનગરમાં રહેતાં અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં કમલેશ નિતીનભાઇ રાઠોડ (ઉ.વ.૨૭) નામના યુવાનને તેના જ મિત્રો નિલેષ જીલુભા વાઘેલા અને આશિષ ઉર્ફ પુંગી ટાંકે મહેફીલના બહાને નિલેષના ઘરે બોલાવ્યા બાદ ઝઘડો કરી બેફામ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. કમલેશે હોસ્પિટલમાં દમ તોડતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. નિલેષની પત્નિ કવિતા પાંચેક મહિનાથી ઘરેથી નીકળી ગઇ હોઇ તેણી કમલેશ સાથે પ્રેમસંબંધ ધરાવે છે અને કમલેશે જ તેણીને આશરો આપ્યો છે તેવી નિલેષને શંકા હોઇ આ કારણે કેટલાક દિવસથી બંને વચ્ચે ડખ્ખો ચાલતો હોઇ ખાર રાખી નિલેષે ઘરે બોલાવી કાસળ કાઢી નાખ્યાનું ખુલ્યું છે. હત્યારા ગામ મુકી ભાગે એ પહેલા પકડાઇ ગયા છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે હત્યાનો ભોગ બનનાર કમલેશના માતા માયાણી ચોક ચામુંડાનગર-૨ ખીજડાવાળા રોડ પર યોગી ફરસાણની બાજુની શેરીમાં રહેતાં પારૂલબેન (પારૂબેન) વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી કમલેશના જ બે મિત્રો નિલેષ જલુભા વાઘેલા અને આશિષ ઉર્ફ પુંગો ટાંક વિરૂધ્ધ બીએનએસ કલમ ૧૦૩ (૧), ૧૧૭ (૨), ૧૧૮ (૧), ૫૪, એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ ભાગી જાય એ પહેલા માલવીયાનગર અને એલસીબી ઝોન-૨ ટીમે સકંજામાં લઇ લીધા હતાં.
પારૂલબેને જણાવ્યું હતું કે મારા પતિ વિનોદભાઇ બૂટ ચપ્પલ સીવવાની મજૂરી કરે છે. મારે સંતાનમાં બે દિકરા છે જેમાં કમલેશ મોટો હતો અને તે પ્રાઇવેટ સિકયુરીટીમાં નોકરી કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં. તેનાથી નાનો કલ્પેશ ૨૫ વર્ષનો હતો અને તેનું સાતેક મહિના પહેલા વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તા. ૭ના ગુરૂવારે સવારે સાતેક વાગ્યે મારો દિકરો કમલેશ ઘરેથી નાસ્તો કરીને નીકળી ગયો હતો અને હું પણ મારા કામે ગઇ હતી. બપોરે ઘરે આવી ત્યારે ત્રણ વાગ્યા છતાં દિકરો કમલેશ ઘરે ન આવતાં મેં મારા પતિને જાણ કરી કમલેશને ફોન કરવા કહ્યું હતું. પરંતુ તેમણે ફોન કરવા છતાં કમલેશ ફોન ઉપાડતો નહોતો.બાદમાં હું લક્ષ્મીનગર સોસાયટીમાં ઘરકામ કરવા ગઇ હતી. ત્યારે મારા દેરાણી મીનાબેનનો ફોન આવેલો કે તમે ઘરે આવો કમલેશને કંઇક લાગી ગયું છે. આથી હું ઘરે ગઇ હતી અને દેરાણીને કમલેશ વ્શિે પુછતાં તેણે કહેલું કે હું ચંદ્રેશનગર રોડ પર ગઇ હતી ત્યારે એક દુકાનવાળા ભાઇએ કહ્યું હતું કે કમલેશને કોઇએ માર્યુ છે અને તેને સિવિલ હોસ્પિટલે લઇ ગયા છે. આથી હું અને મારા દેરાણી તથા પડોશી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જ્યાં ઇમર્જન્સી વિભાગમાં જતાં મારા દિકરાને ડોક્ટરે મૃત જાહેર કર્યાનું જણાયું હતું.
મારા દિકરાને જમણા હાથના અંગુઠા પાસે, ડાબા હાથે કોણી પાસે છરીના છરકા જેવા નીશાન હતાં. તેમજ પગમાં ફ્રેકચર અને માથામાં કોઇ બોથડ ઘાથી ઇજા થયાનું જાણવા મળ્યું હતું. આ પછી મેં તપાસ કરતાં પડોશી મારફત જાણવા મળેલુ કે કમલેશ સવારે ચંદ્રેશનગર રામ મંદિરવાળી શેરીમાં રહેતા તેના મિત્ર નિલેષ વાઘેલાને ત્યાં ગયો હતો અને ત્યાં તેને નિલેષ તથા તેના મિત્ર આશિષ ઉર્ફ પુંગો ટાંકે માથાકુટ કરી બપોરે અઢી વાગ્યે ઝઘડો કર્યો હતો. એ પછી લોકો અવાજ સાંભળી ત્યાં જતાં મારો દિકરો નિલેષના ઘરમાંથી હાથે પગે માથામાં ઇજા થયેલી હાલતમાં બહાર નીકળ્યો હતો અને રોડ પર જ બેભાન થઇ પડી ગયો હતો. આ વખતે નિલષે અને આશિષ ભાગી ગયા હતાં. પછી કોઇએ ૧૦૮ બોલાવી મારા દિકરાને હોસ્પિટલે ખસેડયો હતો. પણ તેનું મોત થયું હતું.
પારૂલબેન (પારૂબેને) વધુમાં કહ્યું હતું કે નિલેષ વાઘેલાની પત્નિ કવિતા પાંચેક મહિનાથી નિલેષ તથા બાળકોને મુકી ઘર છોડીને જતી રહી છે. આથી નિલેષને એવી શંકા હતી કે તેની પત્નિને મારા દિકરા કમલેશ સાથે પ્રેમસંબંધ છે અને મારા ઘરે જ તેની પત્નિ રહે છે. આ કારણે નિલેષ અવાર-નવાર મારા દિકરા સાથે ઝઘડા કરી બોલાચાલી કરતો હતો. ગુરૂવારે પણ નિલેષે મારા દિકરાને પોતાના ઘરે બોલાવી મિત્ર આશિષ સાથે મળી પોતાની પત્નિ બાબતે પુછી ઝઘડો કરી મારા દિકરાને બોથડ પદાર્થથી કે બીજા કોઇ હથીયારથી ગંભીર ઇજાઓ પહોંચી મોતને ઘાટ ઉતાર્યો હતો.
હત્યાની ઘટના જાહેર થતાં જ ઇન્ચાર્જ ડીસીપી પૂજા યાદવ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, રાઇટર મહેશભાઇ રૂદાતલાએ ગુનો દાખલ કર્યો હતો. તેમજ આરોપીઓને ઝડપી લેવા ટીમો કામે લાગી હતી. એલસીબી ઝોન-૨ પીએઅસાઇ આર. એચ. ઝાલાની ટીમ પણ તપાસમાં જોડાઇ ગઇ હતી. હત્યાના આરોપીઓ ગામ મુકી ભાગે એ પહેલા દબોચી લેવાયા હતાં.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે નિલેષે મિત્ર આશિષ સાથે મળી કમલેશને સવારે પોતાના ઘરે દારૂની મહેફીલના બહાને બોલાવ્યો હતો અને બાદમાં છાંટોપાણી લીધા બાદ બોલાચાલી થતાં કમલેશને મરણતોલ માર માર્યો હતો, જે જીવલેણ નીવડયો હતો. એક દિકરાને સાત મહિના પહેલા અકસ્માતમાં અને બીજા આધારસ્તંભને હત્યામાં ગુમાવતાં માતા પારૂલબેન અને પિતા વિનોદભાઇ રામજીભાઇ રાઠોડ શોકમાં ગરક થઇ ગયા છે.
(3:24 PM IST)










