તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 9th November 2024
માલધારી વિસ્તારમાં પિતા સાથે ભાડે મકાન શોધવા નીકળેલી બે બહેન લાપતા
પિતા ભાઇના ઘરે ગયા હતાઃ બી. ડીવીઝન પોલીસમાં જાણ કરાઇ

રાજકોટ તા. ૯: શહેરના વેલનાથપરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતાપ્રૌઢની ૨૨ વર્ષ અને ૧૬ વર્ષની બે દીકરીઓ ત્રણ દિવસથી લાપતા થયા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવવામાં આવી છે. બંને દીકરીઓ પિતા સાથે માલધારી સોસાયટીમાં ભાડે મકાન શોધવા માટે ગઈ હતી દરમિયાન તેના પિતા નજીકમાં રહેતા ભાઈના ઘરે ખબર પૂછવા જતા બાદમાં બંને દીકરીઓ લાપતા થઈ ગઈ હતી. આ અંગે પોલીસે બંનેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, વેલનાથપરામાં રહેતા ૫૩ વર્ષનાપ્રૌઢે બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનમાં પોતાની બે દીકરીઓ જેમાં એકની વય ૨૨ વર્ષ છે જ્યારે અન્ય ૧૬ વર્ષની છે તે ગુમ થયાં અંગે નોંધ કરાવી છે. પ્રૌઢે જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે લાપતા થનાર આ બંને દીકરીઓ સાથે ગત તારીખ ૬/૧૧ ના રોજ બપોરના સમયે તેઓ માલધારી સોસાયટી વિસ્તારમાં ભાડાનું મકાન શોધવા માટે ગયા હતા. પ્રૌઢને અગાઉ અકસ્માત થયો હોય જેથી તેઓ ઘોડીના ટેકે ચાલતા હોય જેથી તેમણે કહ્યું હતું કે, આ જ વિસ્તારમાં રહેતા તેમના ભાઈ કે જેને થોડા દિવસો પૂર્વે અકસ્માત થયો હોય તેની ખબર કાઢવા માટે જાઉં છું તમે બંને અહીં ભાડાનું મકાન શોધો.
બાદમાં ચારેક વાગ્યા આસપાસ દીકરીનો અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, અહીં કોઈ ભાડાનું મકાન નથી જેથી પિતાએ કહ્યું હતું કે હજુ એકાદ કલાક સુધી મકાન શોધો બાદમાં આપણે રીક્ષા કરી ઘરે ચાલ્યા જઈશું. પરંતુ ત્યારબાદ દીકરીનો ફોન આવ્યો ન હતો જેથી તેની શોધખોળ કરતા બંને દીકરીઓની ભાળ મળી ન હતી. સગા સંબંધી અને પાડોશીઓમાં પૂછપરછ કરી હતી પરંતુ તેમ છતાં બંને દીકરીઓનો કોઈ પતો ન લાગતા અંતે પોલીસમાં જાણ કરી હતી. આ અંગે પોલીસે ગુમ નોંધ લઈ લાપતા થયેલી આ બંને બહેનોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ વી.એચ. પરમાર ચલાવી રહ્યા છે.
(3:57 PM IST)










