News of Monday, 11th November 2024
શકિત કેન્દ્ર વાઈઝ બુથ કમિટીની રચના થવાથી નવા સંગઠન માળખાની કામગીરીને વેગ મળશે : ડો.માયાબેન કોડનાની
સદસ્યતા અભિયાનમાં રાજકોટે દર વખતની જેમ પોતાની યોગ્યતા સિદ્ધ કરી બતાવી છે : ઉદય કાનગડ

રાજકોટ : શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ચુંટણી અધિકારી શ્રી ઉદય કાનગડની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરની કાર્યશાળા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશ દોશી અને રાજકોટ મહાનગરના ચુંટણી અધિકારી ડો.માયાબેન કોડનાનીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતી. શ્રી ઉદય કાનગડે જણાવેલ હતું કે રાજકોટ મહાનગર દ્વારા સદસ્યતા અભિયાનની સફળ અને સમગ્ર રાજયમાં નોંધનીય અને પ્રેરણાદાયી કામગીરી કર્યા બાદ તેમજ સક્રિય સદસ્યતા અભિયાનની પણ સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરી તેને સોંપવામાં આવેલ જવાબદારી બખુબી નિભાવી અને પ્રસંશનીય કામગીરી કરી પોતાની યોગ્યતા સિધ્ધ કરેલ છે. રાજકોટ મહાનગરના સંનિષ્ઠ કાર્યકર્તાઓની આ સિધ્ધીને જેટલીવાર બીરદાવીએ તેટલી ઓછી છે.
ડો. માયાબેન કોડનાનીએ જણાવ્યું હતું કે વોર્ડ સંગઠન પર્વ સહયોગીએ શક્તિકેન્દ્રના ક્ષેત્ર સિવાયના બહારથી એક શક્તિકેન્દ્ર સંગઠન પર્વ સહયોગીની નિમણુંક કરી આ કામગીરીનો પ્રારંભ કરવાનો છે. વોર્ડના શક્તિ કેન્દ્ર અને બુથ મુજબ બુથ સમિતિ એજન્ડા, બુથ સમિતિનો ઠરાવ, બુથ સમિતિના પત્રક જેવી વિવિધ કામગીરીઓ કરવાની છે. જેમાં બુથ સમિતિના ગઠન વખતે ઓછામાં ઓછા પચાસ પ્રાથમિક સમિતિના સભ્યો ઉપસ્થિતિમાં એક પ્રમુખ સહિત ૧૧ કાર્યકર્તાઓની બુથ સમિતિનું ગઠન કરવાનું છે. અને વોર્ડ લેવલે નવા સંગઠનની રચના કરવાની છે.
શ્રી મુકેશ દોશીએજણાવેલ હતું કે સંગઠનએ લોકશાહીનો મજબુત પાયો છે રાજકોટ મહાનગરના કાર્યકર્તાના અથાગ પરિશ્રમ અને મહેનતથી પાંચ લાખથી વધુ પ્રાથમિક સભ્યોની નોંધણી કરવામાં રાજકોટ મહાનગર સફળ થયું છે રાજકોટ શહેર ભાજપનો ગઢ છે તે સુત્રને સાર્થક કરવામાં યોગદાન આપશે.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના સક્રિય સદસ્યતા અભિયાનના ઈન્ચાર્જ કમલેશ મીરાણી, પ્રદેશ કારોબારી સભ્ય નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેરના રાજવી માંધાતાસિંહજી સહિતના ઉપસ્થિતિ રહયા હતા. સંચાલન રાજકોટ મહાનગરના સહ ચુંટણી અધિકારી કિશોરભાઈ રાઠોડે કરેલ હતું તેમજ આભારવિધિ રાજકોટ મહાનગરના સહચુંટણી અધિકારી નરેન્દ્રસિંહ ઠાકુરે કરેલ હતી. કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા અને સહ કાર્યાલય મંત્રી શૈલેષ દવે સહિત કાર્યાલયના નલહરિભાઈ, ચેતન રાવલ, રમેશભાઈ જોટાંગીયા, ભાવીન ધોળકીયા, શકિતભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેમ ભાજપની યાદીમાં જણાવાયુ છે.
(2:47 PM IST)










