News of Monday, 11th November 2024
રાજકોટના પ્રિન્ટ મીડીયા સાયબર ફ્રોડના સમાચારો મોટા હેડીંગ સાથે પ્રસિદ્ધ કરી રહ્યા છે
ઘણા સમયથી લોકોને સાયબર ફ્રોડથી બચાવવા જનજાગૃતિ માટે

રાજકોટ તા. ૧૧: છેલ્લા બે ત્રણ વર્ષથી સોશ્યલ મીડીયા પર ઠગબાજો જુદી જુદી યુકિત પ્રયુકતીઓ દ્વારા લોકોને વધુ નફો રળવાની લાલચ-સસ્તી ઓછા વ્યાજની લોન કે કોઇ બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી જુદી કલીપો વિડીયો ડાઉન લોડ કરાવી લોકો પાસેથી મોટી રકમ પડાવી લેતા હોય છે.
દેશભરમાં અનેક લોકો જેવા કે યુવાનો સીનીયર સીટીજનો ઉપરાંત વેપારી વર્ગના લોકો પણ આવી વાતોમાં ભરમાઇને પોતાની મરણ મુડી અથવા મહેનતથી કમાયેલા રૂપિયા ગુમાવી બેસે છે જેનો વર્ષે આંકડો હજારો કરોડ રૂપિયા થવા જાય છે.
પ્રિન્ટ મીડીયા દ્વારા અવારનવાર રાજયના સાઇસબર ફ્રોડની ફરિયાદના નંબર ૧૯૩૦ પણ પ્રસિધ્ધ કરી સાઇબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને ઉપરોકત નંબર પર વિના વિલંબે ફરિયાદ નોંધાવવાની પણ અપીલ કરવામાં આવતી હોય છે.
જયારે જયારે આવા ફ્રોડના કિસ્સા બને છે ત્યારે રાજકોટ સહિત ગુજરાતના તમામ પ્રિન્ટ મીડીયા સવાર-સાંજના દૈનિક વર્તમાન પત્રો આવા સમાચારો મોટા હેડીંગ સાથે પ્રસિધ્ધ કરતા હોય આવા મોટા હેડીંગે સમાચારો પ્રસિધ્ધ કરવાનો હેતું એકજ હોય છે કે આવા છેતરપીંડીના કિસ્સા દરેક લોકોના ધ્યાન પર આવે અને આવા સમાચારો પરથી અન્ય લોકો બોધપાઠ લે અને ભવિષ્યમાં તેમની સાથે આવો વ્યવહાર કરવા માટે કોઇ લીંક અથવા વિડીયો કે કોલ આવે તો તેનાથી દૂર રહે અને પોતે છેતરાતા બચી જાય છે.
આમ સામાજીક ઉતરદાયીત્વના ભાગરૂપે પ્રિન્ટ મીડીયા આવા સમાચારોને મોટા હેડીંગ સાથે પ્રસિધ્ધ કરવા અગ્રીમતા આપી રહ્યા છે તેનો મુખ્ય ઉદ્દેશ અન્ય લોકો આવી છેતરપીંડીનો ભોગ ન બને તે જ એકમાત્ર છે. (૭.૧પ)
(4:43 PM IST)










