News of Monday, 11th November 2024
સંસ્કાર પેનલના કલ્પક મણિયારે ફોર્મ રદ્દ થવા મુદે હાઇકોર્ટમાં ધા નાંખીઃ કલેકટરને જવાબ રજૂ કરવા હુકમ
નાગરીક બેંકનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો : બેંકને પણ પક્ષકાર બનવું હોય તો હાઇકોર્ટની સુચનાઃ હવે ૧૪મીએ સુનાવણી

રાજકોટ તા. ૧૧: રાજકોટ નાગરીક સહકારી બેંકની ચુંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે, શનિવારે ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રભવ જોષી નાગરિક બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલના શ્રી કલ્પક મણિયાર સહિત તેમની પેનલના અન્ય ૩ના ફોર્મ રદ કરી નાંખતા, આ મુદ્દે શ્રી કલ્પેશ મણિયારે આજે હાઇકોર્ટમાં ધા નાંખી હતી, હાઇકોર્ટમાં કેસ બોર્ડ પર આવી જતા સુનાવણી શરૂ થયેલ, અને બાદમાં હાઇકોર્ટે નાગરિક બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીને ફોર્મ રદ્દ કરવા અંગે જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે, તે ઉપરાંત નાગરીક બેંકને પણ પક્ષકાર બનવા અંગે હાઇકોર્ટે સૂચના આપી છે, આ કેસની વધુ સુનાવણી આગામી ગુરૂવારે તા. ૧૪ના રોજ યોજાશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન આ બાબતે કલેકટરનો સંપર્ક કરતા તેઓનો મોબાઇલ ફોન સતત રીંગ વગાડતો હતો, પરીણામે વધુ વિગતો પ્રાપ્ય બની ન હતી.
વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટે કલેકટરને જવાબ રજૂ કરવા નોટીસ આપી છે, નાગરીક બેંકને પણ પક્ષકાર તરીકે જોડાવા નિર્દેશ આપ્યો છે, ૧૪ નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે, ચૂંટણી અધીકારીના ફોર્મ રદ્દ કરવાના નિર્ણયને કલ્પક મણીયાર, મિહિર મણીયાર, એટલે કે મણિયાર ભાઇઓએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.
(3:15 PM IST)










