<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

કાલથી સર્વેશ્વર ચોકમાં નવા વોંકળાના કામનો પ્રારંભઃ બે માસ માટે ડો.યાજ્ઞિક રોડ બંધ કરાશે

૪.૯૧ કરોડના ખર્ચે બનશે નવો સ્‍લેબ : કોઇ બિલ્‍ડીંગને ટચ ન થાય તે પ્રકારની ડિઝાઇન બનાવાઇ

રાજકોટ તા. ૧૧ :. શહેરના વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ ટચ સર્વેશ્વર ચોક ખાતે આવેલા વોંકળા પર ૪.૯૧ કરોડના ખર્ચે નવો સ્‍લેબ (નવો વોંકળો) બનાવવાના કામનું ખાતમુહૂર્ત કાલે તા.૧૩ના બુધવારના સવારે રાખવામાં આવ્‍યું છે. મેહુલ્‍સ કીચનથી યાજ્ઞિક રોડ ક્રોસ કરીને ખુણામાં આવેલ નાગરિક બેંકના કોર્નર સુધી નવો વિશાળ પાઇપ નવા રૂટ પર પાથરવાનો હોય, ત્રણ મહિના બાદ ડો.યાજ્ઞિક રોડ પણ બે મહિના માટે બંધ કરવામાં આવશે.

ગત વર્ષે ચોકના વોંકળા પર સર્જાયેલી દુર્ઘટના બાદ લાગુ શિવમ-૧ અને ર બિલ્‍ડીંગ બંધ કરાયા હતા. સલામતીના પગલા બાદ તાજેતરમાં બંને બિલ્‍ડીંગ ખોલવા મંજૂરી અપાઇ હતી.

હવે ભવિષ્‍યમાં બિલ્‍ડીંગને કોઇ ટચ થાય તે માટે નવા વોંકળાનો રૂટ ચોકના બિલ્‍ડીંગથી એલજી શોરૂમના રસ્‍તેથી યાજ્ઞિક રોડ ક્રોસ કરી જુની નાગરિક બેંક સુધી લઇ જવાનો છે. આ કામ માટે ૪.૯૧ કરોડ મંજૂર કરાયા છે. ચોકમાં સાડા ત્રણ માસ સુધી કામ ચાલશે. તે બાદ યાજ્ઞિક રોડ હેઠળથી પાઇપલાઇન ક્રોસ કરવા બે મહિના સુધી આ મુખ્‍ય રોડ બંધ કરવામાં આવનાર છે. કુલ છ માસમાં આ કામ પુરૂ થશે.

કાલે ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહના હસ્‍તે મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષસ્‍થાને આ કામ શરૂ કરાશે. આ પ્રસંગે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્‍યો, પ્રમુખ મુકેશ દોશી, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, કોર્પોરેટરો અને હોદેદારો ઉપસ્‍થિત રહેશે.

(2:40 PM IST)