News of Wednesday, 13th November 2024
મોરબી રોડ આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેંકના ભરણામાંથી રૂપિયા ૭.૯૨ લાખની નકલી નોટો નીકળી
વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં આ શાખા તથા સોૈરાષ્ટ્ર-કચ્છની શાખાોમાંથી આવેલી નોટોની તપાસ દરમિયાન ૨૨૪૭ નોટો નકલી નીકળીઃ મેનેજર સંદિપભાઇ ગઢેચાએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી : ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦ અને ૨૦૦૦ના દરની નકલી નોટો પણ નીકળી

રાજકોટ તા. ૧૩: શહેરની બેંકોના ભરણામં અવાર-નવાર નકલી ચલણી નોટો ઘુસાડી દેવામાં આવતી હોય છે. દરમિયાન મોરબી રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેંકમાં આ શાખામાં તથા સોૈરાષ્ટ્ર-કચ્છની શાખાઓમાંથી વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં આવેલી ચલણી નોટોની તપાસણી થતાં તેમાંથી હજારો નકલી નોટો નીકળી પડી હતી. પાંચસો, બસ્સો, સો, પચાસની ઉપરાંત બે હજારના દરની નકલી નોટો પણ તેમાં સામેલ છે.
આ અંગે બી-ડિવીઝન પોલીસે રૈયા રોડ વૈશાલીનગર-૬માં રહેતાં અને મોરબી રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં સંદિપભાઇ ગુણવંતભાઇ ગઢેચા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી મોરબી રોડની આઇસીઆઇસીઆઇ બેંકમાં નાણા જમા કરાવી જનારા ગ્રાહકો અને અજાણ્યા વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૭૯ મુજબ રૂા. ૭,૯૨,૮૫૦ની નકલી ચલણી નોટો નંગ ૨૨૪૭ ખોટી હોવા છતાં ખરી તરીકે જમા કરાવી જવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંદિપભાઇ ગઢેચાએ જણાવ્યું છે કે હું મોરબી રોડ પર આઇસીઆઇસીઆઇ બેંક કરન્સી ચેસ્ટમાં બ્રાંચ મેનેજર તરીકે એક વર્ષથી નોકરી કરુ છું. અમારી આ બ્રાંચમાં સોૈરાષ્ટ્ર-કચ્છની તમામ આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેંકની તમામ શાખાઓની જે નોટો આવે છે તે અહિ મશીન દ્વારા ચેક થાય છે. જેમાં બનાવટી નોટો ભરણામાં આવી હોય તો તે શોધી કાઢાય છે. આ અંગેની તપાસણી કરવાનું કામ મારુ છે. જો બનાવટી નોટો નીકળે તો પોલીસ અધિક્ષક કે પોલીસ કમિશનરને જાણ કરવાની હોય છે.
અમારી શાખામાં એપ્રિલ-૨૦૨૧થી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં અલગ અલગ દરની ચલણી નોટો અલગ અલગ કરન્સી ચેસ્ટ શાખાઓમાંથી આવી હતી. જેની તપાસ કરી સારી નોટો હોય તેના બંડલ કરી ફરી બ્રાંચોમાં મોકલવાની અને રદ્દી નોટો હોય તો આરબીઆઇના નિયમ મુજબ આરબીઆઇમાં મોકલવાની કાર્યવાહી થઇ હતી. જેમાં અમારી મોરબી રોડ શાખામાં તથા સોૈરાષ્ટ્ર કચ્છની તમામ અમારી શાખાઓમાંથી આવેલી નોટોની તપાસ કરતાં કુલ ૨૨૪૭ નકલી ચલણી નોટો મળી આવી હતી.
જેમાં ૨૦૦૦ રૂપિયાના દરની ૧૩ નોટો, રૂપિયા ૫૦૦ના દરની ૬૭૪ નોટો, રૂા. ૨૦૦ના દરની ૪૪૪ નોટો, રૂા. ૧૦૦ના દરની ૯૪૭ નોટો, રૂપિયા ૫૦ના દરની ૪૭ નોટો નકલી હતી. આમ કુલ રૂા. ૭,૯૨,૮૫૦ની નકલી ચલણીનોટો કોઇએ ખોટી હોવાનું જાણવા છતાં બેંકોના ભરણામાં ઘુસાડી દીધી હોઇ નિયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં મેનેજર સંદિપભાઇએ જણાવતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(4:28 PM IST)










