તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 13th November 2024
જન ઔષધિ કેન્દ્રો દ્વારા રેલ્વે મુસાફરોને ગુણવત્તાલક્ષી દવાઓ મળશેઃ યુવાનો શરીરરૂપી મંદિર સ્વસ્થ રાખે
રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર વડાપ્રધાનના હસ્તે જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ... : સાંસદો રૂપાલા-રામભાઇનું ઉદ્દબોધનઃ દેશમાં કુલ ૧૪ આવા કેન્દ્રો ખૂલ્યા

રાજકોટ તા. ૧૩: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે દરભંગા, બિહાર ખાતેથી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ગુજરાત રાજ્યના વાપી, ચાંદલોડીયા સહિત સમગ્ર ભારતમાં ૧૮ સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJKs)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આશરે રૂ. ૧૦.૨૩ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ રાજકોટ ખાતેના જનઔષધી કેન્દ્ર થકી મુસાફરો અને મુલાકાતીઓને જનઔષધિ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા મળશે. સસ્તી આરોગ્યસંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા આ જન ઔષધી કેન્દ્ર પર ૫૦ થી ૯૦% સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે.
સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ દેશમાં પ્રારંભ થતાં ૧૮ રેલ્વે સ્ટેશન પરના જન ઔષધિ કેન્દ્રોમાં રાજકોટ સ્ટેશનના સમાવેશ અંગે હર્ષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વમાં આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના તથા જન ઔષધિ કેન્દ્ર યોજના તેમની સંવેદનશીલતાના પ્રમુખ ઉદાહરણ છે. આયુષ્માન યોજના દ્રારા ૫૦ કરોડ લોકોને આરોગ્ય સહાય અંતર્ગત સમાવિષ્ટ કર્યા છે તો અંદાજે ૫૦૦૦ કરતાં વધારે જનઔષધિ કેન્દ્ર દ્વારા લાખો લોકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહી છે, ત્યારે રેલ્વેને જન ઔષધિ યોજના સાથે જોડતા મુસાફરો તેમજ શહેરીજનોને પણ જીવન આવશ્યક ગુણવત્તાલક્ષી દવાઓની સુવિધાઓ મળશે.
સાંસદશ્રી રામભાઈ મોકરિયાએ ઉપસ્થિત સર્વેને નૂતન વર્ષના અભિવાદન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્ય માટે સંશોધન કર્યા બાદ તે સંશોધન પર અમલ કરીને નાગરિકો માટે આયુષ્માન કાર્ડ, માતળવંદના યોજના, નીરામય હેલ્થ કાર્ડ અને જન ઔષધિ સહિતની યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. વ્યસનો તરફ વળતા યુવાનોને પોતાના શરીરરૂપી આરોગ્ય મંદિરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે કહ્યું હતું કે, ભારતીય રેલ્વે નેટવર્ક વિશ્વનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રેલ્વે સ્ટેશનના નવીનીકરણ, સુલભતાસભર નવીન ટ્રેનોના પ્રારંભ અને રેલ્વે આંતરમાળખાકીય સુવિધાઓનો હરણફાળ વિકાસ થવાથી જનસુખાકારીમાં વધારો થયો છે. ત્યારે રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ સમગ્ર દેશના મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે.
કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોને રોપાઓ અર્પિત કરીને કરવામાં આવ્યો હતો. સર્વે મહાનુભાવોના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રત્યક્ષ રૂપે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ડિવિઝન રેલવે મેનેજર શ્રી અશ્વિની કુમારે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ રેલવેના પી.આર.ઓ.શ્રી વિવેક તિવારીએ કર્યું હતુ.
આ તકે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ રેલવેના એ.ડી.આર.એમ.શ્રી કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડી.સી.એમ.શ્રી સુનીલ કુમાર મીના, ડી.આર.યુ.સી.સી.ના સભ્યો સહિત રેલવે ડિવિઝનના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(2:56 PM IST)










