<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ન્‍યુ રાજકોટના ૬ વોર્ડના નવા વિસ્‍તારોના રોડ બનશે ટનાટન

હાશ...ખાડા ખબચડામાંથી મળશે મૂકિત :૩૯.૪૭ કરોડના ખર્ચે નવા પેવર કાર્પેટ અને રી-કાર્પેટ થશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

રાજકોટ તા. ૧૩: શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગના ડામર રોડો તુટી જતા હોય છે. જેના માટે એક્‍શન પ્‍લાન અંતર્ગત પેવરકામ અને રિકાર્પેટ કરવામાં આવે છે. જ્‍યારે શહેરના છેવાડાના વિસ્‍તારમાં નવી સોસાયટી તેમજ નવા વિસ્‍તારોમાં પણ પેવર રોડની માંગણીઓ ઉઠતા મહાનગરપાલિકાએ વેસ્‍ટઝોનના છ વોર્ડમાં પેવર કાર્પેટ અને રિકાર્પેટ સહિતના કામો માટે રૂા. ૩૯.૪૭ કરોડનું ટેન્‍ડર કરવામાં આવ્‍યું છે. જેના લીધે વેસ્‍ટઝોનના તમામ ૬વ વોર્ડમાં બાકી રહેલા અને મેટલીંગ થઈ ગયેલા રસ્‍તાઓને નવા પેવરથી મઢવામાં આવશે. જ્‍યારે વર્ષોથી રિપેર ન થયા હોય તેવા રોડ ઉપર રિકાર્પેટ કરવામાં આવશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસા બાદ એક્‍શન પ્‍લાન્‍ટ અંતર્ગત સૌપ્રથમ વરસાદી પાણીથી ધોવાઈ ગયેલા રોડ રસ્‍તાઓ અને ખાડાઓનું રિપેરીંગ કામ નવરાત્રી પહેલાથી જ ચાલુ કરવામાં આવ્‍યું હતું. જે પૂર્ણ થઈ ગયેલ છે. છતાં વધુ લંબાઈના તુટી ગયેલા રોડ રસ્‍તાઓ કે, જે પેવર કાર્પેટ કરવાના હોય તથા અમુક રસ્‍તાઓ ઉપર રિકાર્પેટ કરવાનું હોય તે મોટાભાગનું કામ બાકી હોવાથી ત્રણેય ઝોનના તુટેલા રોડ રસ્‍તાઓ તેમજ નવા રોડ રસ્‍તાઓ બનાવવા માટે સર્વે કરવામાં આવ્‍યો હતો.

સૌ પ્રથમ વેસ્‍ટઝોનમાં વોર્ડ નં. ૧, ૮, ૯, અને ૧૦માં રિકાર્પેટ કામ તેમજ અમુક નવા મેટલીંગ રસ્‍તાઓ ઉપર પાવર કાર્પેટ કરવા માટે ટેન્‍ડર કરવામાં આવ્‍યું છે.તેવી જ રીતે વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨ના છેવાડાના વિસ્‍તારોમાં સતત બનતી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્‍ટોને લગતા રોડ રસ્‍તાઓ બનાવવા માટેની તે વિસ્‍તારના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવેલ જેમાં સૌથી વધુ મેટલીંગ થઈ ગયા હોય અને એક ચોમાસુ નિકળી ગયું હોય તેવા મેટલીંગ રસ્‍તાઓ પર પાવર કાર્પેટ કરી નવા રોડ રસ્‍તાઓ બનાવવા તથા ટીપી સ્‍કીમ હેઠળ કબ્‍જે લેવાયેલા ૪૦થી લઈને ૮૦ ફૂટના માર્ગો ઉપર ડિવાઈડર સાથેના પેવર રોડ બનાવવા સહિતના કામોનું એક સાથે ટેન્‍ડર કરવામાં આવ્‍યું છે.

મહાનગરપાલિકા દ્વારા વેસ્‍ટઝોનમાં ૬ વોર્ડમાં નવા પેવર રોડ તેમજ રિકાર્પેટ માટે રૂા. ૩૯.૪૭ કરોડનું ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે. એક માસ બાદ ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટુંક સમયમાં વોર્ડમાં રોડ-રસ્‍તાના કામ શરૂ કરવામાં આવશે. જેથી હજારો વાહન ચાલકોને ખાડા-ખબચડામાંથી મુકિત મળશે.(

(3:09 PM IST)