<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ધંધો-રોજગાર શરૂ કરવા માટે મનપા બેંકો મારફતે અપાવશે રૂ. ર લાખ સુધીની લોન

એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્‍યાજની સબસીડી

રાજકોટ તા. ૧૩: મહાનગરપાલિકા પ્રોજેકટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્‍છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્‍યોદય યોજના રાષ્‍ટ્રીય શહેરી આજવિકા મિશન યોજનાનાં સ્‍વ. રોજગાર બેંકેબલ યોજના (SPE-I) ઘટક હેઠળ ધંધો-રોજગાર શરૂ કરવા માટે રૂ. ર લાખની મહત્તમ મર્યાદામાં રાષ્‍ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે તથા આ યોજનાના લાભાર્થીને ૭%થી વધુ વ્‍યાજ ઉપર વ્‍યાજ સબસીડી મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ., રેશનકાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ. જાતિ, અનુ. જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકારશ્રી પુરસ્‍કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા-રોજગાર શરૂ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭% થી ઉપરના વ્‍યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્‍ત થાય છે. લોન ભરપાઇ કરવાનો સમયગાળો પ વર્ષથી ૭ વર્ષ રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્‍છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્‍યાન ડો. આંબ઼ેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઇ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:09 PM IST)