News of Thursday, 14th November 2024
કુવાડવા રોડ સાત હનુમાન પાસે એસટી બસ ગોથું ખાઇ જતાં ૮ મુસાફરોને ઇજા
ખંભાળીયા-અમદાવાદ-મેઘરજ રૂટની બસ જામજોધપુર જઇ રહી હતીઃ આગળ જતાં ટ્રક ચાલકે ઓચીંતો ટર્ન લીધો, રસ્તા પર ડાયવર્ઝનના પથ્થર હોઇ તેની સાથે અથડાઇ રોંગ સાઇડમાં જઇ પલ્ટી ગઇઃ તમામ મુસાફરોને નજીવી ઇજાઓ

રાજકોટ તા. ૧૪: શહેરના કુવાડવા રોડ પર સાત હનુમાન નજીક વહેલી સવારે એસટી બસ ગોથું ખાઇ જતાં કંડકટર અને મુસાફરો સહિત આઠેક લોકોને ઇજા થઇ હતી. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જો કે તમામને સામાન્ય ઇજાઓ પહોંચી હોઇ પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી.
જાણવા મળ્યા મુજબ ખંભાળીયા-અમદાવાદ-મેઘરજ રૂટની બસ નં. જીજે૧૮જે-૯૯૧૭ વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે કુવાડવા રોડ નવાગામ સાત હનુમાન નજીક પલ્ટી ખાઇ જતાં મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. અકસ્માતને પગલે આઠેક મુસાફરોને ઇજા પહોંચી હતી. જેમાં કંડકટર મોડાસાના ડાવલી ગામના નરેન્દ્રભાઇ નાનજીભાઇ (ઉ.વ.૪૯), મુસાફર પંકજ કાળુભાઇ આસારી (ઉ.વ.૨૩), અમદાવાદના શોભાબેન અશોકભાઇ (ઉ.વ.૫૫), જામ ખંભાળીયાના શ્યામ દિલીપભાઇ વાયા (ઉ.વ.૨૧), દેવભુમિ દ્વારકાના ભાટીયા ગામના ચેતન કનુભાઇ (ઉ.વ.૨૮) તથા માલપુર માનવાવના ભરત સુરમાભાઇ બારૈયા (ઉ.વ.૨૯)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જો કે તમામને નજીવી ઇજાઓ હોઇ પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી. તેમ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડાએ જણાવ્યું હતું. આ અંગે પોલીસ કેસ જાહેર થયો નહોતો. તમામને ૧૦૮ મારફત સારવાર માટે ખસેડાયા હતાં.
બનાવની જાણ થતાં કુવાડવા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને બસને સાઇડમાં લેવા તજવીજ કરી હતી. આગળ ટ્રક જતો હોઇ તેની પાછળ બસ હતી. રોડ પર ડિવાઇડરના પથ્થર આવતાં ટ્રકવાળાએ ટર્ન લઇ લીધો હતો, પણ પાછળ જ બસ હોઇ તેના ચાલકનું ધ્યાન ન જતાં પથ્થર સાથે અથડાઇને પલ્ટી મારી રોંગ સાઇડમાં બસ જઇ પડી હતી. સદ્દનસિબે કોઇને ગંભીર ઇજા પહોંચી નહોતી. તસ્વીરમાં ગોથુ ખાઇ ગયેલી બસ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)
(10:52 AM IST)










