<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

કુવાડવા રોડ ડી-માર્ટ પાસે ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇને હડાળાના મા-દિકરીએ પછાડીને ઢીકાપાટા માર્યા, જોઇ લેવાની ધમકી

ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્‍ચે માથાકુટની વારંવાર બનતી ઘટના વચ્‍ચે વધુ એક બખેડો :નો-પાર્કિંગમાં રખાયેલુ સેજલબેનનું એકટીવા એએસઆઇ રાધીકાબેન મકવાણાએ ટો કરાવતાં સેજલબેનની બહેનપણી ફીરોઝાબેન અને તેની દિકરી શમશાબાનુએ ધમાલ મચાવી ફરજમાં રૂકાવટ કરીઃ બી-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી :કાંઠલો પકડી એક્‍ટીવા નીચે ઉતારી દે, તું અમને ઓળખતી નથી અમે કોણ છીએ, સારાવટ નહિ રહે, તું હવે કેમ નોકરી કરે છે એ જોઇ લેજે કહી ધમકી દીધી

ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇ રાધીકાબેન મકવાણા સાથે હડાળાની માતા-પુત્રીએ ધમાલ મચાવી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૪: શહેરમાં નો-પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ટો થાય કે પછી વાહન ચાલકોને નિયમ ભંગ બદલ દંડ ફટકારવાની કાર્યવાહી થાય ત્‍યારે ઘણીવાર વાહનચાલકો તપી જતાં હોય છે વાત બખેડા સુધી પહોંચી જતી હોય છે. વધુ એક આવો બનાવ બન્‍યો છે જેમાં કુવાડવા રોડ ડી-માર્ટ પાસે નો-પાર્કિંગમાં રખાયેલુ એકટીવા ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇએ ટોઇંગ કરાવી વાહનમાં ચડાવી દઇ એક્‍ટીવાચાલક મહિલા પાસે દંડ વસુલવાની તજવીજ કરતાં તેની સાથેની તેની હડાળા ગામે રહેતી બહેનપણી અને બહેનપણીની દિકરીએ તે શું કામ વાહન ટોઇંગ કર્યુ, નીચે ઉતારી દે, તું અમને ઓળખતી નથી કહી મહિલા એએસઆઇનો કાઠલો પકડી પછાડી ઢીકાપાટુનો માર મારી બેફામ ગાળો ભાંડતા મોટો બખેડો થયો હતો. મા-દિકરીએ તું નોકરી કઇ રીતે કરે છે એ જોઇ લેશું કહી ધમકી દેતાં બંને સામે ગુનો દાખલ કરાવાયો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં એએસઆઇ રાધીકાબેન અશોકભાઇ મકવાણાની ફરિયાદ પરથી રાજકોટના હડાળા ગામની ફીરોઝાબાનુ ગુલામહુશેન વળદડીયા અને તેની દિકરી શમશાબાનુ ગુલામહુશેન વળદડીયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૫૪, ૧૧૫ (૨), ૧૨૧, ૨૨૧, ૨૨૪, ૨૯૬ (બી) મુજબ ફરજમાં રૂકાવટ કરીગાળો દઇ મારકુટ કરી હાથની આંગળીમાં ઇજા પહોંચાડયાનો ગુનો નોંધી અટકાયતમાં લેવા તજવીજ કરી હતી.

એએસઆઇ રાધીકાબેન મકવાણાએ જણાવ્‍યું હતું કે હું ટ્રાફિક શાખામાં ફરજ બજાવુ છું, બુધવારે સાંજે પાંચથી રાતના નવ સુધી મારી નોકરી ટોઇંગ વાહનમાં હતી. અમારો રૂટ સેક્‍ટર-૧માં આવે છે. આ વિસ્‍તારમાં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના કુવાડવા રોડનો વિસ્‍તાર પણ આવે છે. અમે ટોઇંગ વાહન નંબર જીજે૦૫એસપી-૦૯૫૩ના ઇન્‍ચાર્જ તરીકે હતાં અને સાથે ડ્રાઇવર સુરેશભાઇ શીવાભાઇ પરમાર, હેલ્‍પર પ્રકાશભાઇ બાબુભાઇ વાળા, પાર્થભાઇ રાજેશભાઇ હેરમા હતાં. અમે સાંજે સાતેક વાગ્‍યે પારેવડી ચોકથી ગ્રીનલેન્‍ડ ચોકડી તરફ જતાં કુવાડવા રોડ ડી માર્ટ પાસે પહોંચ્‍યા હતાં. જ્‍યાં રોડ પર કાળા રંગનુ એક્‍ટીવા જીજે૦૩એલએસ-૯૮૯૫ હતું. જે નો-પાર્કિંગમાં હોઇ જેથી અમેક ાર્યવાહી કરી હતી અને હેલ્‍પર દ્વારા આ વાહન ટો કરવા તજવીજ કરી હતી.

આ દરમિયાન એક્‍ટીવાચાલક સેજલબેન ભટ્ટી આવી ગયા હતાં અને તેની સાથે અન્‍ય બે મહિલા પણ હતી. જેના નામ ફીરોઝાબાનુ વળદડીયા અને તેની દિકરી શમશાબાનુ હતાં. અમે સેજલબેન પાસે લાયસન્‍સ અને ગાડીના કાગળો માંગતા તે પોતાની પાસેના મોબાઇલ ફોનમાં સર્ચ કરતાં હતાં. આ વખતે તેની બહેનપણી ફિરોઝાબાનુએ મારી પાસે આવી કહેલુ કે-સેજલબેન મારી ફ્રેન્‍ડ છે, તેનુ વાહન ટોઇંગ  કરવાની રહેવા દે અને નીચે ઉતારી દે, તું એને જાવા દે નહિ તો સારાવટ નહિ રહે તેમ કહી ઉધ્‍ધત વર્તન કર્યુ હતું. અમે સેજલબેનને દંડ ભરવાનું કહ્યું હતું અને તેના બહેનપણી માથાકુટ ન કરે તે માટે સમજાવવા કહ્યું હતું.

પરંતુ આમ છતાં ફીરોઝાબાનુ અને તેની દિકરીએ પણ અમારી સાથે માથાકુટ ચાલુ રાખી હતી અને જેમ ફાવે તેમ ગાળો દેવા માંડયા હતાં. તેમજ આ બંનેએ ટોઇંગ વાહનમાંથી એક્‍ટીવા નીચે ઉતારી દેવાનું કહ્યું હતું. તેમજ જો એક્‍ટીવા નીચે નહિ ઉતરે તો સારાવટ નહિ રહે તેવી ફરી ધમકી દીધી હતી. આ પછી મા-દિકરી બંનેએ મારા શર્ટનો કાંઠલો પકડી મને નીચે પછાડી દઇ ઢીકાપાટુ માર્યા હતાં અને ગાળો દેવાનું ચાલુ રાખ્‍યું હતુ઼. મારામારીમાં મારા ડાબા હાથના અંગુઠા પાસેની આંગળીમાં મને ઇજા થઇ હતી. મારામારી વખતે પણ આ બંને મા-દિકરીએ-અમે કોણ છીએ તે તું જાણતી નથી, હવે તું નોકરી કઇ રીતે કરે છે તે જોઇ લેજે કહી ધમકી આપી હતી.

ત્‍યારબાદ મેં પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં બી-ડિવીઝનની પીસીઆર ગાડી આવી હતી. અમે એક્‍ટીવા ચાલક સેજલબેનને ૭૦૦ રૂપિયાનો હાજર દડ આપ્‍યો હતો. આ સમગ્ર બનાવની અમારી સાથેના પ્રકાશ વાળાએ વિડીયોગ્રાફી પણ કરી હતી. ફીરોઝાબાનુ અને તેની દિકરીએ અમારી ફરજમાં રૂકાવટ કરી માર મારી ગાળો દઇ હાથની આંગળીમાં ઇજા પહોંચાડી હોઇ અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં એએસઆઇ રાધીકાબેન મકવાણાએ જણાવતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ કે. સી. સોઢાએ ગુનો નોંધી મા-દિકરીની અટકાયતની તજવીજ હાથ ધરી હતી.

(3:24 PM IST)