News of Thursday, 14th November 2024
‘પદ્મશ્રી' વેદ ઋષી દયાળમુનિ આર્યનું મહાપ્રયાણ
ચાર વેદોનો અનુવાદ કરી ગુજરાતી ભાષામાં અવતરનાર : સંસ્કળત શીખવા માટે તેલના દીવાના અજવાળે મધરાત સુધી જાગી આર્યભાષામાં પારંગત બન્યા. ચરકસંહિતા, સુશ્રળતસંહિતા, માધવ નિદાન પર ૧૮ પુસ્તકો તૈયાર કર્યા જે યુનિવર્સિટી અભ્યાસક્રમમાં સામેલ : અભ્યાસ માત્ર પાંચ ધોરણ છતાં સાડા પાંચ વર્ષની અથાગ મહેનતથી ચાર વેદોના સંસ્કળતમાંથી ૨૦,૩૯૭ મંત્રોનો અને ૭,૬૮,૦૦૦ થી વધુ સંસ્કળત શબ્દોનો સામાન્ય નાગરિક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ કરી ૧૬ પુસ્તકો તૈયાર કર્યા : એક મહાન ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, લેખક, સંપાદક, અનુંવાદક, સમાજ સુધારક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક અને પુસ્તકાધ્યક્ષ જેવું બહુઆયામી વ્યક્તિત્વ હતા : ટંકારામાં આર્ય સમાજની નિશ્રામાં ૨૫ વર્ષ સુધી આયુર્વેદ ચિકિત્સાલયમાં નિઃશુલ્ક સેવા આપી હજારો દર્દીઓને નિરામય આરોગ્યનું સુખ પહોંચાડ્યું : બહુઆયામી ભૂમિકા સફળતાપૂર્વક ભજવનાર વિરલ વિભૂતીએ ૯૦ વર્ષે ટુંકી બીમારી બાદ આજે દેહ ત્યાગ કર્યો

રાજકોટ. તા.૧૪: ભારતીય સંસ્કળતિમાં ઇશ્વરીય જ્ઞાનનું અથ અને ઇતિ એટલે વેદ. આજ વેદોનો સરળ ગુજરાતી ભાષામાં અનુંવાદ કરતા દયાળજીભાઇ માવજીભાઇ પરમારને (આર્યસમાજ દીક્ષિત મુનિ દયાળ આર્ય નામે પરિચિત) સાડા પાંચ વર્ષ લાગ્યા. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદના સંસ્કળતમાંથી ૨૦૩૯૭ મંત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરી ૧૬ પુસ્તકો તૈયાર કરવાનું ઉત્તમ ખેડાણ તેમણે કર્યું છે. એટલું જ નહીં આ ઉપરાંત બીજા અનેક પુસ્તકો અને મહર્ષી દયાનંદ સરસ્વતી વિશે તેમજ આયુર્વેદ સાહિત્ય ઉપર વ્યાખ્યાન ચરકસંહિતા, સુશ્રળતસંહિતા, માધવનિદાન પર પણ અનેક પુસ્તકો તૈયાર કર્યા. આ ઉપરાંત તેઓ એક મહાન ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, લેખક, સંપાદક, અનુવાદક, સમાજ સુધારક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વકતા, ગાયક અને પુસ્તકાધ્યક્ષ જેવી બહુઆયામી ભૂમિકા સફળતાપૂર્વક ભજવનાર વિરલ વિભૂતી મહામાનવ પદ્મશ્રી દયાળમુનિએ ટુંકી બીમારી બાદ આજે દેહ ત્યાગ કરી મહાપ્રયાણ કરતા આપણે એક મહામાનવને ગુમાવ્યા છે.
મોરબી જીલ્લાનું નાનકડા ગામ ટંકારાની સાંકડી ગલીમાં આવેલાં એક નાનકડા મકાનમાં રહી સહજ અને સરળ જીવન ગાળનાર તેઓ વ્યક્તિ અદભૂત હતા. જીવનના પૂર્વાર્ધમાં દરજીકામ કરી પેટીયું રણનાર દયાળજીભાઇ માવજીભાઇ પરમારે ભારતના વેદ ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદનું અત્યંત ભગીરથ કાર્ય સિધ્ધ કર્યું હતું. એક સામાન્ય દરજી, જેને માટે યુનિવર્સિટી સુધી પહોંચવું મુશ્કેલ હતું, તે કોઈ યુનિવર્સિટીના અધ્યાપક કરે તેનાથી મોટું વિદ્યાકીય કાર્ય કરે તે ખરેખર અનોખી ઘટના ગણાય. આપણી આર્ય સંસ્કળતિનો વિશ્વ સમાજને લાભ પહોંચાડવાનું ઋષિ કર્મ કરનાર દયાળ મુનિ આર્યની સાહિત્ય યાત્રા પણ રસપ્રદ રહી.
દયાનંદજીની નગરીમાં જ દયાળ મુનિ આર્ય નો ૨૮.૧૨.૧૯૩૪ જન્મ માતા મોંઘીબા અને પિતા માવજીભાઈના ઘરે એક દરજી પરિવારમાં થયો. ટંકારામાં વસેલું કુટુંબ આર્યસમાજી અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. માત્ર પાંચ ધોરણ ભણી દયાળજીભાઇ કુટુંબની આર્થિક પરિસ્થિતીને પહોંચી વળવા પિતા માવજીભાઇ સાથે ૧૧ વર્ષની રમવા-ભણવાની ઉંમરે દરજીકામમાં કર્યું. માત્ર ૨૦ વર્ષની ઉંમરે એટલે દયાળજીભાઇના લગ્ન પડધરીમાં રહેતા વાસંતીબેન સાથે થયા. સંયુક્ત કુટુંબની આર્થિક પરિસ્થિતીને પહોંચી વળવા દરજીકામ કરવા તેઓ થોડો સમય મુંબઇ પણ ગયેલા.
દયાલ મુનિને વાંચનનો જબરો શોખ. તેઓ આર્યસમાજની લાયબ્રેરીમાં જઇ પુસ્તકો વાંચતા. પુસ્તકો વાંચીને જ તેઓ લેખક બન્યા. તેમની પાસે ઘરમાં સાહિત્ય, સાહિત્યકારો, ગીતા, કુરાન, બાઇબલ, જૈન સાહિત્ય વગેરે દરેક ધર્મગ્રંથો સાહિત્યના વૈવિદ્યસભર, અલભ્ય અને ઢગલાબંધ પુસ્તકો આજે પણ સચવાયેલા રહ્યા છે. ઘરમાં એક આખો રૂમ પુસ્તકોને ફાળવ્યો હતો. તેઓએ સંસ્કળત શીખવા માટે તેલના દીવાના અજવાળે મધરાત સુધી જાગી આર્યભાષામાં પારંગત બન્યા હતા. જેના આધારે ટંકારાની આયુર્વેદિક કોલેજમાં જોડાયા હતા. પાંચમું અંતિમ વર્ષ જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કર્યો. જ્યાં ૧૯૬૮ જાન્યુઆરીમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કરી. આયુર્વેદ ચરક સંહિતામાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા હોય, ૧ જાન્યુઆરી ૧૯૬૯ માં વગર ઇન્ટરવ્યુએ ત્યાંજ અધ્યાપક તરીકે નોકરીમાં જોડાયા અને ૧૯૯૨ માં હેડ ઓફ ધ મેડિસિન ‘કાય ચિકિત્સા વિભાગ ના વડા' તરીકે નિવળત થયા. જીવન દરમિયાન ખૂબ સંઘર્ષ કરી આપબળે તેઓ આગળ આવ્યા હતા.
દયાળ મુનિ આર્યએ નોકરી દરમિયાન આયુર્વેદ સાહિત્ય ઉપર વ્યાખ્યાન ચરકસંહિતા, સુશ્રળતસંહિતા, માધવ નિદાન પર ૧૮ પુસ્તકો તૈયાર કર્યા હતા જે આજે બીએએમએસના વિદ્યાર્થીઓને ટેકસબુક અને સંદર્ભ પુસ્તિકા તરીકે ઉપયોગી થઇ રહ્યા છે. યુનિવર્સિટીએ તેમના કેટલાક પુસ્તકોને અભ્યાસક્રમમાં સામેલ કર્યા છે. તેઓએ આયુર્વેદ પર સંશોધનપત્રો અને અનેક લેખો તૈયાર કર્યા હતા. નિવળતી બાદ તેઓ ટંકારા સ્થાયી થયા જ્યાં આર્ય સમાજની નિશ્રામાં ૨૫ વર્ષ સુધી આયુર્વેદ ચિકિત્સાલયમાં નિઃશુલ્ક સેવા આપી હજારો દર્દીઓને નિરામય આરોગ્યનું સુખ પહોંચાડ્યું હતું.
વેદ ગ્રંથોનું ભાષ્ય કરવાનું ભગીરથ કાર્ય આચાર્ય જ્ઞાનેશ્વરજી સોંપ્યું. એ સમયે એટલે કે ૪૦ વર્ષ પહેલા દયાળમુનિ ગ્રંથો લખતા. તેમણે ત્રણ વર્ષમાં ૧૮ ગ્રંથો લખ્યા હતા.! વેદોનું ગુજરાતીમાં અર્થઘટન કરતા દયાળ મુનિને સાડા પાંચ વર્ષ થયા હતા. ડો.દયાળમુનિએ દરરોજ ૧૦ કલાક કામ કરી ચાર વેદોના સંસ્કળતમાંથી ૨૦,૩૯૭ મંત્રોનો અને ૭,૬૮,૦૦૦ થી વધુ સંસ્કળત શબ્દોનો સામાન્ય નાગરિક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતીમાં અનુંવાદ કરી ૧૬ પુસ્તકો તૈયાર કરવાનું મહાન કાર્ય તેમણે કર્યું હતું. જેમાં ઋગ્વેદના ખંડના ૧૦,૫૫૨ મંત્ર, યજુર્વેદના ૧૯૭૫ મંત્ર, સામવેદ ના ૧૮૭૫ મંત્ર અને અથર્વવેદના બે ખંડના ૫,૮૭૭ મંત્રનો સમાવેશ થાય છે. જેમાં આખા શ્લોક નો અનુંવાદ, દરેક પદ એટલે કે શબ્દનો અર્થ અને પછી એનો ભાવાર્થ એ રીતે વેદોને ગુજરાતીમાં અવતર્યા છે. ટંકારા થી સિધ્ધ્પુર મહર્ષી દયાનંદ સરસ્વતી જ્યાં ગયા ત્યાં જઇ તેમનું જીવન ચરિત્ર તેમણે આલેખ્યું હતું. કુલ ૫૧ પુસ્તકો તેઓએ લખ્યાં હતા. તેમણે કાયચિકિત્સા, શલ્ય વિજ્ઞાન, રોગ વિજ્ઞાન, સ્વસ્થ વ્રુત વગેરે જેવા ગ્રંથો પર અર્થઘટન લખ્યા. જેના કારણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા તેમને ડી.લીટ, સાહિત્યની ડિગ્રી (આયુર્વેદ) નું માનદ બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓએ માત્ર ૨૦ વર્ષની ઉંમરે મહાભારતથી લઈ મહર્ષિ દયાનંદ સરસ્વતી સુધીના સમયમાં થયેલા ધાર્મિક આંદોલન વિશેનું પુસ્તક ‘મહાભારતથી લઈને મહર્ષિ દયાનંદ' તૈયાર કરી સ્વખર્ચે પ્રકાશિત પણ કર્યું હતું. નિવળત થયા પછી દયાળજીભાઇ રોજડ ગામ ખાતે આવેલ વાનપ્રસ્થ આશ્રમમાં ૧૫ વર્ષ સુધી ખુબ સાધના પણ કરી હતી.
ઘણા વખતથી સ્વાસ્થ્યને કારણે દયાળમુનિને લેખન કાર્ય બંધ કરવું પડ્યું હતું. દયાળજીભાઇ માવજીભાઇ પરમારના પરિવારમાં તેમના પુત્ર ભરતભાઇ (દરજીકામ), પુત્રવધુ રંજનબેન, પૌત્ર ધવલકુમાર (પ્રાઇવેટ ન્યુઝ ટીવી ચેનલ) અને ચોથી પેઢી ધ્વની વડોદરા ખાતે રહે છે. તેમજ દીકરી ભારતીબેન ચેતનકુમાર જામનગર ખાતે રહે છે. દયાળ મુનિએ પરહિતાર્થે જીવન જીવીને પોતાનું જીવન સાર્થક કર્યું. ટંકારાના પ્રો.દયાળમુનિએ સાહિત્યમાં ઉત્તમ ખેડાણ કરીને ટંકારાનું નામ દેશ-વિદેશમાં ગુંજતુ કર્યું. વેદોનું સુરમ્ય ભાષાંતર કરી ખરા અર્થમાં સરસ્વતી વંદના કરી કરનાર આવા વિરલ વિભૂતિ, પ્રેરણાષાોત, સાધક, ઋષી તુલ્ય વેદ ઋષીના મહાપ્રયાણે શત શત વંદન.(૯.૩૬)
‘અકિલા'માં પ્રિન્ટ થયું હતું દયાળમુનિનું પ્રથમ પુસ્તક..!
જ્યારે દયાળજીભાઇએ સાહિત્યયાત્રા આરંભી ત્યારે તેઓએ પ્રથમ પુસ્તક ઇ.સ. ૧૯૭૮ માં ૅઆતુર પરીક્ષૉ લખ્યું. આયુર્વેદના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું પુસ્તક તૈયાર કર્યું. એ વખતે તેમના આ પ્રથમ પુસ્તકના પ્રિન્ટિંગનું કામ અકિલા ના મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રા એ કરી આપેલું. એ પુસ્તકમાં પ્રસ્તાવનામાં અકિલા અને મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રા નો દયાળમુનિ દ્વારા આભાર પણ વ્યક્ત કરાયો છે. વર્ષ ૨૦૨૧ માં ટંકારા ખાતે મુલાકાત વખતે દયાળમુનિએ તે પુસ્તક શ્રી કિરીટભાઇ ગણાત્રા ને બતાવી આજથી ૪૫ વર્ષ પહેલાના સંસ્મરણો વાગોળ્યા હતા. એ પુસ્તક આજે પણ તેમના પુસ્તકાલયમાં સચવાયેલું હતું.
સ્વ.દયાળજીભાઇ પરમારને મળેલ સન્માન...
૧. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માના હસ્તે આયુર્વેદ ચૂડામણિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. (૨૦૦૭)
૨. રાજઆયુકોન (આયુર્વેદની રાષ્ટ્રીય પરિષદ, રાજકોટ, ૨૦૦૯) દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર
૩. આર્ય સમાજ, મુંબઈ દ્વારા આર્ય કર્મયોગી એવોર્ડ (૨૦૧૦)
૪. સક્રિય આયુર્વેદિક સંસ્થા ઇન્ટરનેશનલ ટ્રસ્ટ એવોર્ડ, શ્રી જયનારાયણ વ્યાસ દ્વારા એનાયત (૨૦૧૧)
૫. વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ, ગુજરાત દ્વારા સન્માન (૨૦૧૩)
૬. અજમેર પરોપકારી સંસ્થાએ તેમને વરિષ્ઠ આર્ય લેખક પુરસ્કાર આપીને સન્માનિત કર્યા
૭. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લિટરેચર (આયુર્વેદ) થી સન્માનિત (૨૭ માર્ચ ૨૦૧૫)
૮. શ્રી સરદાર પટેલ વિદ્યાલય, ટંકારા દ્વારા સન્માનિત
૯. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા સન્માન
૧૦. ટંકારા મામલતદાર દ્વારા સન્માન
૧૧. સંસ્કળત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર -૨૦૨૦ અર્પણ કરી તેમનું સન્માન, ઓનલાઇન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા
૧૨. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માન
(3:08 PM IST)










