<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

૭૫ વર્ષના વસંતબેનને અજાણ્‍યા મહિલા-પુરૂષે ‘ઘેની સોડા' પીવડાવી રોકડ-બુટી ચોરી લીધા

ઇન્‍દિરા સર્કલથી કોટેચા ચોક તરફ જતાં સીટી બસ સ્‍ટોપ પર બનાવ બન્‍યો : બેંકમાં સફાઇ કામ પતાવી ઘરે જવા બસની રાહ જોતા'તા ત્‍યારે લાલ સાડી પહેરીને આવેલી મહિલા અને અજાણ્‍યા પુરૂષે ‘માજી તડકો બહુ છે' કહી સોડા પાઇ દીધીઃ અર્ધબેભાન થઇ ગયા બાદ રોકડ-સોનાની બુટી કાઢી લીધા

રાજકોટ તા. ૧૬: શહેરમાં સમયાંતરે ગઠીયાઓ કળા કરી જાય છે. વધુ એક આવો બનાવ બન્‍યો છે જેમાં ઇન્‍દિરા સર્કલ નજીક સીટી બસ સ્‍ટોપ પર બસની રાહ જોઇને ઉભેલા રેલનગરમાં રહેતાં વૃધ્‍ધાને અજાણ્‍યાસ્ત્રી-પુરૂષે આવી વાતો કરી ‘માજી તડકો બહુ છે, સોડા પીવી છે?' કહી ઘેની પદાર્થ ભેળવેલી સોડા પીવડાવી અર્ધબેભાન કરી રોકડ, સોનાના બુટીયા ચોરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વૃધ્‍ધા રોડ પર અર્ધબેભાન પડયા હોઇ કોઇ રાહદારીએ તેમના ફોનમાંથી જાણ કરતાં પુત્રએ ઘટના સ્‍થળે પહોંચી સારવાર માટે ખસેડયા હતાં.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે પોપટપરા શેરી નં. ૪ ઇમામ ચોક મસ્‍ઝીદવાળી શેરીમાં આવેલા મામાની મોજ નામના મકાનમાં રહેતાં વસંતબેન હરિસિંહ ચોૈહાણ (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી  અજાણીસ્ત્રી અને અજાણ્‍યા પુરૂષ સામે બીએનએસની કલમ ૩૦૪-બી, ૧૨૩, ૫૪ મુજબ વૃધ્‍ધાની સાથે વાતો કરી સોડામાં બેભાનીયુ પ્રવાહી ભેળવી પીવડાવી તેમને અર્ધબેભાન કરી રોકડા પાંચ હજાર અને પંદર હજારની સોનાની બુટી ચોરી લેવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસંતબેન ચોૈહાણે ઘટના વિશે જણાવ્‍યું હતું કે હું પોપટપરામાં મારા પુત્રવધુ ગીતાબેન મહેશભાઇ ચોૈહાણ અને પોૈત્ર રાહુલ સાથે રહુ છું. મારો દિકરો મહેશભાઇ હયાત નથી. હું કાલાવડ રોડ પર રામધામ સોસાયટીમાં આવેલી એસબીઆઇ બેંકમાં સફાઇ કામ કરુ છું. ૧૩મી તારીખે બપોરે દોઢેક વાગ્‍યે બેંકથી છુટીને રેલનગર મારા ઘરે જવા માટે ઇન્‍દીરા સર્કલથી કોટેચા ચોક તરફના રસ્‍તા પર આવેલા સીટી બસ સ્‍ટોપ પર રેલનગરની સીટી બસની રાહ જોઇને ઉભી હતી. આ વખતે ટુવ્‍હીલર પર એક મહિલા અને એક પુરૂષ આવ્‍યા હતાં. તેઓ મારી પાસે ઉભા હતાં અને વાતો કરવા માંડયા હતાં.

બસને આવવાની થોડી વાર હતી. એ પછી અજાણી મહિલાએ મને ‘માજી તડકો બહુ છે, સોડા પીવી છે?' તેમ પુછી સામેની દુકાનેથી સોડા લાવીને મને પીવડાવી દીધી હતી. જેથી હું અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. એ દરમિયાન આ બંને મારા કાનમાં પહેરેલા પંદર હજારના સોનાના બુટીયા અને મારી પાસે પર્સમાં રહેલા પાંચ હજાર રોકડા ચોરી ગયા હતાં. હું રસતા પર અર્ધબેભાન પડી હોઉ કોઇ રાહદારીએ મારા ફોનમાંથી મારા દિકરા સંજયભાઇને જાણ કરતાં તેણે તુરંત આવીને મને હોસ્‍પિટલમાં ખસેડી હતી.

અજાણી મહિલાએ લાલ કલરની સાડી પહેરી હતી અને પુરૂષ શરીરે જાડો હતો, તેણે દુધીયા શર્ટ અને પેન્‍ટ પહેરેલા હતાં. ગાંધીગ્રામના પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં હેડકોન્‍સ. મિહીરસિંહ બારડે ગુનો નોંધતા ડી. સ્‍ટાફ અને એલસીબી ઝોન-૨ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:11 PM IST)