<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

રાજકોટમાં વધુ એક હત્યા: ઘર પાસે લઘુશંકા કરવા મામલે રણુજા મંદિર સામે રહેતા વિજયભાઈ સોલંકીને બે શખશે લાકડીના ઘા ફટકારી પતાવી દીધા ચાર દિવસ પહેલા મૃત્યુ થયું હતું: આજીડેમ પોલીસે મૃતક જેની સાથે કામ કરતા તેના પુત્ર સહિત બે સામે ગુનો નોંધ્યો

રાજકોટ: શહેરમાં હત્યાની વધુ એક ઘટના નોંધાઇ છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર સામે મફતિયાપરા નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં ચારેક દિવસ પહેલા મળી આવેલા વિજયભાઈ ઉર્ફે વિભાભાઈ સમજુભાઈ સોલંકી (ઉ.વ.૪૫)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. આ બનાવની તપાસ થતા વિજયભાઈને ઘર નજીક લઘુશંકા કરવા બાબતે રવિ વિક્રમભાઈ ઉર્ફે ગડો કાલિયા અને તેની સાથેના અજાણ્યા શખ્સે લાકડીથી હુમલો કરી હત્યા કર્યાનું ખૂલતા આજીડેમ પોલીસે મૃતક વિજયભાઈના પુત્ર પિયુષ (ઉં.વ.૨૦, રહે. નાડોદાનગર શેરી નં. ૨૦, કોઠારિયા રોડ)ની ફરિયાદ પરથી રવિ સહિત બંને શખ્સો સામે ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે. પિયુષે પોલીસને જણાવ્યું કે તે મૂળ ભેંસાણના ઢોરવા ગામના વતની છે અને નાડોદાનગરમાં એકલો રહી શ્રી હરિ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મણીધર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં મજૂરી કામ કરે છે. માતાનું તે નાનો હતો ત્યારે અવસાન થયું હતું. પિતા વિજયભાઈ બે- ત્રણ વર્ષથી આરોપી રવિના પિતા વિક્રમભાઈ કાલિયા (રહે. રણુજા મંદિર સામે, મફતિયાપરા, લાપાસરી રોડ)ની સાથે રહી કડિયા કામની મજૂરી કરતા હતા. તેને દારૂ પીવાની પણ કૂટેવ હતી. 

દરમિયાન વિજયભાઈ સોલંકી ગઇ તા. ૧૨ના રણુજા મંદિર પાસે કોઠારિયા રોડ પર હતા. ત્યારે હાથમાં ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આજીડેમ પોલીસને જાણ થતાં પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકનું પીએમ કરાવ્યું હતું. મૃતકને હાથ ઉપરાંત છોલાયેલાના નિશાન હતા. વિજયભાઈને કોઇએ માર માર્યો હોવાની શંકાની તપાસ કરાતા ગઈ તા. ૧૨ના તે જેની સાથે કામ કરતાં હતા તે વિક્રમ કાલિયાના ઘર નજીક લઘુશંકા કરવા બાબતે ઝઘડો થતાં વિક્રમના દિકરા રવિ અને તેની સાથેના અજાણ્યા શખ્સે લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં તેને હોસ્પિટલે ખસેડાતા મૃત્યુ નિપજ્યું હતું. પીઆઇ એ.બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.એમ. બરાડિયાએઆ અંગે ગુનો દાખલ કરી બંને આરોપીની ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે. મૃતક વિજયભાઈ ચાર ભાઈમાં સૌથી નાના હતા. સૌથી મોટાભાઈનું નામ હંસરાજભાઈ, તેનાથી નાના જગુભાઈ, વચેટ કિશોરભાઈ છે જ્યારે તે સૌથી નાના હતા. બનાવથી દેવીપુજક પરિવારમાં શોક છવાઈ ગયો છે.

(10:02 AM IST)