<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

નાગરિક બેંક ચૂંટણીઃ ૯૬.૩૯ ટકા મતદાનઃ કાલે સવારે ૮ વાગ્‍યાથી મતગણત્રી

બંને પેનલના જીતના દાવાઃ નિમેષ કેસરીયા દૂબઇથી મતદાન કરવા આવ્‍યાઃ અન્‍ય ૬ મતદારો બહારગામ હોય મત ન આપી શકયા : મતપેટીઓ કલેકટર કચેરીમાં સીલઃ પાંચ ટેબલ ઉપર રપ રાઉન્‍ડમાં ગણત્રીના : ૧૦૦ના સ્‍ટાફનો ઓર્ડરોઃ ચાંપતો પોલીસ બંદોબસ્‍ત રાજકોટમાં ૯૬.૪૩ ટકા મતો પડયાઃ જેતપુર-સુરત અને મુંબઇમાં ૧૦૦ ટકા મતદાન

રાજકોટ, તા. ૧૭ નવેમ્‍બર - કો-ઓપરેટીવ ઇલેક્‍શન ઓથોરિટી, મિનિસ્‍ટ્રી ઓફ કો-ઓપરેશન, ન્‍યુ દિલ્‍હી દ્વારા રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરશ્રી, રાજકોટની નિમણૂક કરવામાં આવી હતી. જે અન્‍વયે ગુજરાતમા પ્રથમ વખત કોઇ મલ્‍ટી સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે ગઇકાલે મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. બેંકના ડેલિગેટ્‍સ મતદારોએ ઉત્‍સાહપુર્વક મતદાન કરતા સાંજે ૪.૦૦ વાગ્‍યે મતદાનનો સમય પૂર્ણ થવા સુધીમાં ૭ મતદાન મથકો પર કુલ ૯૬.૩૯ ટકા મતદાન નોંધાયું હતુ.

 આ ચૂંટણીમાં કુલ ૭ મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઇ ખાતે બનાવવામાં આવ્‍યા હતા. રાજકોટ મતક્ષેત્રની ૧૩ જનરલ સીટ માટે કુલ ૨૩ ઉમેદવાર તથા અનામત ર મહિલા સીટ માટે કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તટસ્‍થ અને પારદર્શી ચૂંટણી માટે તમામ ૭ મતદાન મથક ઉપર મતદાન એજન્‍ટોની ઉપસ્‍થિતિમાં નિયમાનુસાર સવારે ૮.૦૦ કલાકે મતદાન શરૂ થયું હતું.

મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી અર્થે ચૂંટણી તંત્ર દ્વારા ૨૪ કલાક ‘વોટર હેલ્‍પલાઇન' શરૂ કરવામાં આવી હતી, તથા તમામ મતદાન મથકો પર વેબ કાસ્‍ટિંગ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત, મતદારોની સગવડ માટે ૮૦ વર્ષથી વધુ ઉમરનાં ૩ મતદારોને ઘરેથી લઇ આવવા-મુકવા જવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી તેમજ તમામ દિવ્‍યાંગ મતદારો માટે વ્‍હિલ-ચેર સહિતની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી હતી. મહિલા સશક્‍તિકરણ અને સર્વસમાવેશકતાના સિદ્ધાંતને સાર્થક કરતા ચૂંટણી તંત્ર દ્વારા જેતપુર ખાતે ૧૦૦ ટકા મહિલા સંચાલિત પિંક બુથ બનાવવામાં આવ્‍યું હતું, તંત્રના આ પ્રયાસોથી બેંકના મહિલા ડેલિગેટ્‍સ મતદારોનું ૯૭.૭૩ ટકા તથા મહિલા અનામત ૨ બેઠકો માટે કુલ ૯૬.૩૯ ટકા તથા રાજકોટ મતક્ષેત્રની જનરલ ૧૩ બેઠક માટે ૯૬.૪૩ જેટલું ઊંચું મતદાન કોઇપણ પ્રકારના અનિચ્‍છનીય બનાવ વિના પૂર્ણ થયું છે.

 રાજકોટ શહેરમાં ૯૬.૪૩ ટકા, જેતપુર, સુરત અને મુંબઇમાં ૧૦૦  ટકામતદાન, મોરબીમાં ૯૭.૬૭ ટકા, જસદણમાં ૯૩.૧૦ ટકા, અમદાવાદમાં ૮૧.૮૨ ટકા મતદાન નોંધાયું છે.  મતગણતરી તા. ૧૯-૧૧-૨૦૨૪ના રોજ ૦૮.૦૦ કલાકે રાજકોટ નાગરીક સહકારી બેંક, અરવિંદ મણીયાર સેવાલય, ૧૫૦ ફુટ રિંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે યોજાશે.

મતગણતરી પાંચ ટેબલમાં-રપ રાઉન્‍ડમાં કરાશે. આ માટે કુલ ૧૦૦ના સ્‍ટાફના ઓર્ડરો કરાયા છે.

સંસ્‍કાર પેનલના સૂકાની કલ્‍પક મણીયાર અને તેમની પેનલના ૧૧ ઉમેદવારો સવારથી લાઇનમાં ઉભા રહયા હતા અને મતદાન કર્યુ હતુ. કુલ ૪૪ મહિલા મતદારોમાંથી ૪૩ મહિલાઓએ મતદાનમાં ભાગ લીધો હતો. બંને પેનલએ જીતના દાવા કર્યા છે. દુબઇમાં રહેતા મતદાર નિમેશભાઇ કેસરીયા ખાસ મતદાન કરવા આવ્‍યા હતા.

જયારે મતદાર કુસુમબેન કોઠારી બીમારીને કારણે મતો આપી શકયા ન હતા, જયારે અન્‍ય ૬ મતદારો કિર્તીભાઇ શાહ, પ્રફુલગીરી ગોસ્‍વામી, ધરમશીભાઇ નાથાણી, સુનિલભાઇ કોઠારી, અશ્વિન ભીમાણી બહારગામ હોય મતદાન કરી શકયા ન હતા.

(10:59 AM IST)