<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

સરદાર ચોક પાસે મિત્ર સાથે થયેલા ડખ્‍ખાનો ખાર રાખી કોન્‍ટ્રાકટર મહેશભાઇ પર હુમલો

ઠોકર મારી કોન્‍ટ્રાકટરને પછાડી દઇ ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ધારીયુ અને પાઇપથી મારમાર્યોઃ મહેશ વકાતર તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ફરિયાદ

રાજકોટ, તા. ૧૯: સરદાર ચોક પાસે શ્‍યામ સોસાયટી પાસે બાઇક પર જઇ રહેલા કોન્‍ટ્રાકટરને પાછળથી ઠોકર મારી પછાડી દઇ અજાણ્‍યા શખ્‍સોએ ધારીયા તથા લોખંડના પાઇપ વડે માર મારતા ચાર શખ્‍સો સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડીગામ બાપા સીતારામ ચોક નજીક બંસરી પાર્ક ભોજલરામ શેરી નં. પ સામે રહેતા મહેશભાઇ વલ્લભભાઇ મેઘાણી (ઉ.વ. ૪ર) એ તાલુકા પોલીસ મથકમાં મહેશ ગાંડુ વકાતર તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી છે. મહેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે બાંધકામનો વ્‍યવસાય કરે છે. એકાદ મહિના પહેલા પોતાના મિત્ર સતિષ ગમારા સાથે મહેશ ગાંડુ વકાતર માથાકુટ થયા બાદ પોતાની સાથે અને મિત્ર સતીષ ગમારા સાથે અગાઉ ઝઘડો થયો હતો. ગઇકાલે બપોરે પોતે બાઇક લઇને મઢેથી પોતાના  ઘરે જતા હતા ત્‍યારે સરદાર ચોક શ્‍યમ સોસાયટીની બાજુમાં રોડ પર પહોંચતા પોતાની પાછળ એક એકટીવા ચાલકે પાછળથી ઠોકર મારી પોતાને પછાડી દીધા હતા. બાદ પોતે ઉભા થઇને અકસ્‍માત સર્જનાર શખ્‍સને કહેલ કે ‘ભાઇ પાછળથી ઠોકર મારેશ, દેખાતુ નથી,' તેમ કહેતા એકટીવા ચાલક અને તેની સાથે બાઇક પર બેઠેલા બે અજાણ્‍યા શખ્‍સો આ ત્રણેય શખ્‍સો પોતાની પાસે આવી લોખંડના પાઇપ વડે માર મારવા લાગ્‍યા હતા, અને એક શખ્‍સે પોતાના પર ધારીયાથી હુમલો કરતા પોતાને જમણા હાથ અને પગમાં ઇજા કરી હતી. અને ત્રણેય શખ્‍સો કહેતા હતા, કે ‘અમને મોકલેલ છે, તને મારી જ નાખવો છે' તેમ ધમકી આપીહતી.

દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય શખ્‍સો ભાગી ગયા હતા બાદ પોતાને સારવાર માટે વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા હેડ કોન્‍સ બી.જે. મોરે કોન્‍ટ્રાકટરની ફરિયાદ પરથી મહેશ ગાંડુ વકાતર તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો દાખલ કરતા જેની તપાસ પી.એસ.આઇ. એમ. એચ. મહાજને ચલાવી રહયા છે

(3:03 PM IST)