News of Tuesday, 19th November 2024
હોલસેલ ટેક્ષટાઇલ એશોશીએશનના ૧૧ વેપારીઓ પાસેથી રૂા. ૧૬.ર૧ લાખના કપડા લઇ બે ભાઇઓની ઠગાઇ
ધર્મેન્દ્ર રોડ હોલસેલ ટેક્ષટાઇલ એસો.ના સભ્ય ગીરીશભાઇ સોલંકીની એ-ડીવીઝન પોલીસમાં વેપારી મનીષ ઉનડકટ તેના ભાઇ જયદીપ ઉર્ફે જોલી સામે ફરિયાદ

રાજકોટ, તા. ૧૯: ધર્મેન્દ્ર રોડ પરથી રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસોશીએશનના રેડીમેઇડ કપડાના અગીયાર વેપારીઓ પાસેથી રૂા. ૧૬.ર૧,ર૮ર નો રેડીમેઇડ કપડાનો જથ્થાબંધ માલ ખરીદ કરી ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડીંગ નામની દુકાન ધરાવતા બેભાઇઓએ વેપારીઓને પૈસાને ચુકવી છેતરપીંડી કર્યાની ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ એસીફુટ રોડ સત્યમપાર્ક શેરી નં. ૩ માં રહેતા રેડીમેઇડ કાપડનો વેપાર કરતા ગીરીશભાઇ ડાયાભાઇ સોલંકી (ઉ.વ. ૩૪) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ધર્મેન્દ્ર રોડ પર જુનુ ડ્રેસ લેન્ડ અંબીકા કાપડની દુકાન પાસે આવેલી મનીષ ટ્રેડીંગ નામની દુકાન ધરાવતા વેપારી મનીષ હસમુખભાઇ ઉનડકટ અને તેના ભાઇ જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઇ ઉનડકટ સામે ફરિયાદ નો઼ધાવી છે. ગીરીશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ધર્મેન્દ્ર રોડ પર આવેલ ધી રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસોશીએશનના છેલ્લા ચાર વર્ષથી સભ્ય છે અને આ એસોશીએશનમાં કુલ અલગ અલગ દસ વેપારીઓ સભ્ય છે. તમામ વેપારીઓ ધર્મેન્દ્ર રોડ પર આવેલ મનીષ ટ્રેડીંગના નામે વેપાર કરતા મનીષ ઉનડકટ અને તેના ભાઇ જયદીપ ઉર્ફે જોલી ઉનડકટ (રહે. બંને યુનિવર્સિટી રોડ, માધવ વેદાંત, રૂષીકેષ સોસાયટી, શેરી નં. ૧) ને જથ્થાબંધ રેડીમેઇનડ કાપડનો માલ આપી વેપાર કરે છે. આ બંને ભાઇઓ પોતાની તથા અન્ય દસ વેપારીઓ પાસેથી છેલ્લા અઢી વર્ષથી રેડીમેઇડ કાપડનો માલ લઇ જતા હોઇ છે. ગત તા. ર૦/૯/૨૦૨૨ થી તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં પોતે તથા એસોશીએશનના આ તમામ વેપારીઓએ મનીષ ટ્રેડીંગ નામે કપડાનો વેપાર કરતા બંને ભાઇઓને રૂા. ૪,૦૪,૧રર ના રેડીમેઇડ કપડાનો માલ આપ્યો હતો. જેમાંથી રૂા. ૧,૧૦,૩૧૩ પરત આપ્યા હતા, બાકીના રૂા. ર,૯૩,૮૦૯ પરત આપ્યા ન હતા. તથા એસોશીએશનના લક્ષ્મીવાડી મીલ કમ્પાઉન્ડ પાસે એ.ડી. બ્રધર્સના અલ્પેશભાઇ મૃગ પાસેથી રૂા. ૧,૧૬,ર૪ર નો રેડીમેઇનઢડ કાપડનો માલ લીધો હતો. તેમજ કડીયા નવલાઇન પાસે અંજલી ગારમેન્ટના માલીક ભાવેશભાઇ મૃગ પાસેથી રૂા. ર,૬૬,૮૧૬ નો માલ લીધા બાદ રૂા. ૩૭,૯૬૮ પરત આપ્યા હતા. બાદ વિશાલ ટ્રેડર્સના દીલીપભાઇ પુરોહીત પાસેથી રૂા. ૧,૫૩,૭૦૦ નો માલ, રાજેશ ટ્રેડલીંકના દેવેનભાઇ દોશી પાસેથી રૂા. ૧,૦૬,૭૬૨ નો માલ, રાધીકા એન્ટરપ્રાઇઝના નીમેષભાઇ દેસાઇ પાસેથી રૂા. ૩૪,૯૦૦ નો માલ, બાલાજી એન્ટરપ્રાઇઝના હસમુખભાઇ દેસાઇ પાસેથી રૂા. ૬,૧૧,૦૮૯ નો માલ લીધા બાદ તેના રૂા. ૪,૮૨,૫૦૦ પરત કરી રૂા. ૧,૮૨,૮૯૫ પરત કર્યા ન હતા. જયારે વર્ધમાન ટ્રેડીંગના વિપુલભાઇ રૂપાણી પાસેથી રૂા. પ,૭૪,૦૮૧ નો માલ લીધા બાદ તેના રૂા. ૨,૫૧,૫૩૮ પરત કર્યાબાદ રૂા. ૩,૨૨,૫૦૩ પરત આપ્યા ન હતા, કોલેજીયન કલેકશનના ધવલભાઇ વાઘેલા પાસેથી રૂા. ૧,૧૭,૦૭૫ નો માલ લીધા બાદ રૂા. ૫૭,૦૦૦ પરત કર્યા બાદ રૂા. ૬૦,૦૭૫ પરત ન આપ્યા, બાદ આદીત્ય શર્ટ પ્રા.લી.ના મુંબઇના એજન્ટ દીપકભાઇ ગોહેલ પાસેથી રૂા. ૩,૧૮,૫૯૭ નો માલ લીધા બાદ તેમા રૂા. ૭૬,૯૪૪ ચુકવ્યા બાદ રૂા. ૨,૪૧,૯૫૩ ચુકવ્યા ન હતા અને મુંબઇ ઘાટકોપર થ્રીડી પ્રોડકટના દીપકભાઇ પાસેથી રૂા. પ૩,૨૬૯ નો માલ લીધા બાદ રૂા. ૫૩,૨૬૯ ચુકવ્યા ન હતા, આથી આ કાપડ એસોશીએશનના ૧૧ વેપારીઓ પાસેથી રૂા. ૧૬,૨૧,૨૮૨ ના કાપડનો જથ્થાબંધ માલ ખરીદ કરી પૈસા ન ચુકવતા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવતા પી.એસ.આઇ. બી.એચ. પરમારે તપાસ હાથ ધરી છે
(4:21 PM IST)










