<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદીરમાં ગેરકાયદે વિજ કનેકશનો અને પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટ પાર્કીંગની જગ્‍યામાં ખડકી દેવાયાનો ધડાકો

એક જ પરીસરમાં એકથી વધારે ઇલેકટ્રીક કનેકશનની જોગવાઇનો સરેઆમ ભંગ કર્યો હોવાથી ર૦૦૮ થી આકારણી કરવામાં આવે તો કરોડોની પેનલ્‍ટી થઇ શકેઃ પ્રેમવતી ઉપહાર ગૃહના ફુડ લાઇસન્‍સ અને પેટા કોન્‍ટ્રાકટરની વિગતોમાં વિસંગતતાઓ ઉડીને આંખે વળગે તેવી : ચેરીટી કમિશ્નર અને પીજીવીસીએલમાંથી માહિતી માંગવામાં આવી : પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટમાં નોંધાયેલ નથી

રાજકોટ, તા., ૨૦: કાલાવડ રોડ ઉપર આવેલા બીએપીએસ સંચાલીત સ્‍વામીનારાયણ મંદીર અને પ્રેમવતી ઉપહાર ગૃહમાં ઇલેકટ્રીક કનેકશનો સંબંધીત અનેક ગેરરીતીઓ સાથે સાથે ઉપહાર ગૃહ છાત્રાલયના પ્‍લાનમાં દર્શાવેલ પાર્કીગના સ્‍થળે ખડકી દેવાયાનો ધડાકો થયો છે. આ બારામાં સંજય લાખાણી નામના જાગૃત નાગરીકે ચેરીટી કમિશ્રર અને પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ સમક્ષ વિધિવત રજુઆત કરી તપાસની માંગણી કરી છે. સાથોસાથ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં પણ રેસ્‍ટોરન્‍ટના બાંધકામ સંબંધી વિગતો માંગવામાં આવી છે. જેમાં ઉડીને આંખે વળગે તેવી વિસંગતતાઓ દેખાઇ રહી છે.

આ બારામાં સંજય લાખાણીએ અકિલાને જણાવ્‍યું હતું કે, તા.૧૦-૧૦-ર૦ર૪ના રોજ પીજીવીસીએલના એમડી પ્રિતી અગ્રવાલને  પત્ર દ્વારા ઉપરોકત સંસ્‍થામાં જીઇબીના પાંચ-પાંચ કનેકશનો હોવાની જાણ કરી હતી. આ મીટર પૈકીના ૪ મીટર જનરલ લાઇટીંગ કેટેગરીના અને એક કનેકશન એલડીએમડી એટલે કે કોમર્શીયલ તરીકે ઇસ્‍યુ કરવામાં આવ્‍યું છે. કોઇ પણ એક પરીસરની અંદર એકથી વધારે કનેકશન આપવાની જોગવાઇ ન હોવાથી આ કનેકશનોની ફાળવણી ગેરકાયદે હોવાનું સ્‍પષ્‍ટ જણાય છે. માટે યોગ્‍ય લેવા જોઇએ તેવી માંગણી કરી હતી.

ત્‍યાર બાદ કોઇ પણ જાતની કાર્યવાહી ન થતા તા.૧૪-૧૦-ર૦ર૪ના બીજો પત્ર લખી પાંચ પૈકી ૩ કનેકશન એક વ્‍યકિતના નામે હોવાની અને તેનો વપરાશ કોમર્શીયલ હેતુ માટે થતો હોવા છતા આ કનેકશનનો ચાર્જ જનરલ કનેકશન તરીકે વસુલાતો હોવાની બીલ સાથે માહિતી આપી હતી. આ સંદર્ભે જવાબદાર અધિકારીએ બીજા અધિકારીઓને રજુઆત કરવા જણાવતા તે મુજબ જુદા જુદા અધિકારીઓને રજુઆત કરી હતી. પરંતુ તેઓએ રેકોર્ડ તપાસી તા.૧૧-૧૧-ર૦ર૪ના કનેકશનની ફાળવણી નિયમ મુજબ હોવાનો ઉડાવ જવાબ આપી દીધો હતો. હકિકતે સરકારી સરકયુલર અને ગેજેટમાં એક જ પરીસરમાં એકથી વધુ કનેકશન આપવાની જોગવાઇ નથી તેવું સ્‍પષ્‍ટ થાય છે. જે તા.૧૩-૧૧-ર૦ર૪ના જુદા જુદા સરકયુલર અને એપ્રુવ પ્‍લાનની કોપી સાથે જણાવ્‍યું હતું. તેની તપાસ ચાલુ હોવાનું જણાવાય છે.

આ ઉપરાંત ટ્રસ્‍ટના નેજા તળે કોમર્શીયલ પ્રવૃતિ પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટમાં થઇ રહી છે. છતાં પીજીવીસીએલ તથા સરકારી તંત્રમાં છાત્રાઓને જમાડવા માટે અહિં રસોડુ ચાલતુ હોવાનું દર્શાવાયું છે. અહીં જનરલ પબ્‍લીકને પણ પૈસા લઇ જમાડવામાં આવે છે અને તેનું ફુડ લાયસન્‍સ આરએમસીમાંથી પ્રેમવતી ઉપહાર ગૃહના નામથી લેવાયું છે. જયારે ઓથોરાઇઝડ પ્રીમાયસીસ તરીકે ભાવેશ અશોકભાઇ કોટકનું નામ લાયસન્‍સમાં દર્શાવાયેલું છે.

કોઇ પણ ટ્રસ્‍ટની સંસ્‍થા હોય તેઓએ પેટા કોન્‍ટ્રાકટ અથવા ભાડા પેટે મિલ્‍કત ચલવવા આપેલ હોય તો તે અંગે નિયમાનુસાર  ચેરીટી કમિશ્રરમાં જાણ કરવાની રહે છે. આ મુદ્દે ચેરીટી કમિશ્નરની ઓફીસમાં તપાસ કરતા પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્‍ટ નામની કોઇ સંસ્‍થા દફતરે નોંધાઇ નહિ હોવાનું જાણવા મળ્‍યું છે. વિશેષ તપાસમાં આ સંસ્‍થા શ્રી બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્‍વામી નારાયણ સંસ્‍થાના નામથી એ-રપ૦૦ અમદાવાદમાં નોંધાઇ છે. નવાઇની વાત એ છે કે તેઓ રાજકોટમાં પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્‍ટના નામથી ધંધો-વેપાર કરે છે અને તે નામે જીએસટી નંબર ધરાવે છે. જયારે સંસ્‍થા બીજા નામે રજીસ્‍ટર્ડ હોય બીલ બીજા નામે બનતુ હોવાનું જણાય છે. જે તપાસનો વિષય છે. આ મંદીર અને સંસ્‍થામાં જીએસટી અને ઇન્‍કમટેકસની ટેકસની ગેરરીતી થતી હોવાનું સંજય લાખાણીએ જણાવ્‍યું છે. આ ઉપરાંત પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટ જે જગ્‍યાએ ઉભુ થયું છે તે જગ્‍યા આરએમસીના રેકોર્ડ મુજબ પાર્કીગ તરીકે દર્શાવાયેલી છે. આ અંગે ટીપી શાખામાં રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી !

ઉપરોકત મુદ્દે જુદા જુદા વિભાગો દ્વારા યોગ્‍ય પગલા લેવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ ઉપર આવેલા એક ગણેશ મંદિરમાં એકથી વધુ ઇલેકટ્રીક કનેકશન માંગવામાં આવ્‍યું હતું ત્‍યારે નકારી દેવામાં આવ્‍યું હતું તો સ્‍વામીનારાયણ મંદીર પરીસરમાં એકથી વધુ કનેકશન કઇ રીતે ફાળવી દેવાયા હશે? તે પ્રશ્ન મહત્‍વનો અને તપાસ માંગી લે તેવો છે.

(3:17 PM IST)