<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ભીખ માગતા બાળકોમાં શિક્ષણની ભૂખ જગાડવાનું ધ્‍યેયઃ જીતુભાઇ વિશ્વનીડમ

‘‘વિશ્વનીડમ ગુરૂકૂલમ'' રવિવારે રામાયણ-મહાભારતના ચિત્રોથી રંગાશે : ઝુંપડપટ્ટીના બાળકોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથરશે ૩ કરોડના ખર્ચે નિર્માણાધિન ‘વિશ્વનીડમ ગુરૂકૂલમ' : જીતુભાઈએ ૨૫ વર્ષ પહેલા રોપાયેલ છોડ આજે વટ વળક્ષ બની ખીલવા જઈ રહ્યો છે. જેમાં ૩૦૦ થી વધુ ઝુપડપટ્ટીના બાળકો શિક્ષણ લઈ શકે અને રહી શકે તેવી સગવડ બનાવવામાં આવી છે. : બાળક ભીખ ન માંગે તેના માટેનું માધ્‍યમ શિક્ષણ છે. શિક્ષણ ગોલ નથીઃ જીતુભાઇ વિશ્વનીડમ : વિશ્વનીડમ દ્વારા ઝુંપડપટ્ટીમાં ગરીબ બાળકો અને ભીખ માગતા બાળકોને ભણાવવા માટે કલરવ સંસ્‍કાર કેન્‍દ્રો ચાલી રહ્યા છેઃ બાળકોને ઘોડે સવારી, બ્‍યુટી પાર્લર, સીવણ ક્‍લાસ, રસોઈ શાષા, ગૌપાલન, સજીવ ખેતી, ઈલેક્‍ટ્રીક કામ, રસોઈ વગેરે જેવા અનેક જીવન ઉપયોગી વ્‍યવસાયોની તાલીમ પણ આપવામાં આવશેઃ જીતુભાઈ વિશ્વનીડમ ગૌશાળા પણ ચલાવે છે જેમાં ૫૦ ગાયો પણ છે. આગામી સમયમાં હાઇડ્રોફોનિક ખેતી અને સોલાર પાર્ક કરવાનું પણ આયોજન

રાજકોટ તા. ૧૯: ઝુપણપટ્ટીના ગરીબ બાળકો અને ભીખ માગતા બાળકો ને શિક્ષણ આપવાના ઉમદા હેતુ સાથે આજથી ૨૫ વર્ષ પહેલા જીતુભાઈએ તેમના મિત્ર વિપુલ ઠાકર સાથે થાંભલા ની લાઈટ ના અજવાળે ગરીબી માં અજ્ઞાનના અંધકારમાં ગડથોલીયા ખાતા બાળકોના જીવનમાં અજવાળું પાથરવાનું શરૂ કર્યું હતું. દરરોજ રાત્રે આ બંને ગરીબ બાળકોને ભણાવતા. ધીમે ધીમે આ યાત્રામાં બીજા યાત્રી પણ જોડાયા અને જીતુભાઈના મનમાં વિશ્વનીડમ નો જન્‍મ થયો. ૨૫ વર્ષ પહેલા રોપાયેલ છોડ આજે વટ વળક્ષ બની ખીલવા જઈ રહ્યો છે. રાજકોટના પાદરમાં જીતુભાઈ દ્વારા નિર્મિત વિશ્વ નીડમ ગુરુકુળનું ૩ કરોડના ખર્ચે બિલ્‍ડીંગ નિર્માણ પામી રહ્યું છે જેમાં ૩૦૦ થી વધુ ઝુપડપટ્ટીના બાળકો શિક્ષણ લઈ શકે અને રહી શકે તેવી સગવડ બનાવવામાં આવી છે.

અકિલાને માહિતી આપતા જીતુભાઈ એ જણાવ્‍યું હતું કે, અમારો એક જ ધ્‍યેય છે કે બાળક ભીખ ન માંગે. ગુરુકુળને ચલાવવા માટે સમાજના ભામાશાઓ અને દાતાઓ જ સહકાર આપે છે અને છેલ્લા ૨૫ વર્ષથી આ ગુરુકુળ ચાલી રહ્યું છે. બાળક ભીખ ન માંગે તેના માટેનું માધ્‍યમ શિક્ષણ છે. શિક્ષણ ગોલ નથી. બાળક વ્‍યસન મુક્‍ત બને અને તેના મા બાપ પણ વ્‍યસન મુક્‍ત થાય, કુટુંબ નિયોજન ફરજિયાત અને છેલ્લો ધ્‍યેય છે કે પોતાનું બાળક પોતાની જવાબદારી છે સમાજની નહીં. અત્‍યાર સુધીમાં વિશ્વ નીડમ ગુરુકુલમ માંથી ૧૨ થી ૧૫ હજાર ઝૂંપડપટ્ટીના બાળકો ભણી ગયા છે જે સમાજમાં સેટ છે અને તેના બાળકો પણ ભણી રહ્યા છે.

શરૂઆતમાં ૧૪ ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાં કલરવ સંસ્‍કાર કેન્‍દ્રો શરૂ થયા હતા અને એ પછી હવે યાત્રા આગળ વધી છે અને ઝુંપડપટ્ટીમાં ગરીબ બાળકો અને ભીખ માગતા બાળકોને ભણાવવા માટે કલરવ સંસ્‍કાર કેન્‍દ્રો ચાલી રહ્યા છે. જેથી તેઓ વ્‍યસનોમાં અને અંધવિશ્વાસમાં જતા અટકે અને એમાંથી પરિવર્તન આવે. જીતુભાઈ વિશ્વનીડમ કહે છે કે ખરેખર બાળકોને ભોજનની કે વસ્‍તુની નહીં પણ ભણતરની ભીખ આપો, સ્‍વમાનભેર જીવતા શીખવાડો. કારણ બાળક લખતો થાશે તો જીવતો થશે. આપણે આત્‍મનિર્ભર સમાજ, વ્‍યસન મુક્‍ત સમાજ જોઈએ છે.

હાલ શિક્ષણ જ નહીં પણ સંસ્‍કાર જીવન ઘડતર તથા જવાબદાર સમાજનું નવનિર્માણ કરવું એ જ ધ્‍યેય સાથે ત્રણ કરોડના ખર્ચે રાજકોટ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી થી છ કિલોમીટર દૂર આવેલું ઈશ્વરીયા ગામની વીડી પાસે વિશ્વનીડમ ગુરુકૂલમ નિર્માણ પામી રહ્યું છે. અહીં માત્ર પાઠ્‍યપુસ્‍તકોનું જ શિક્ષણ નહીં પરંતુ જીવનલક્ષી અને જીવન ઉપયોગી શિક્ષણ જેમ પ્રાચીન ગુરુકુળોમાં અપાતો તેવી જ રીતે અહીં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ સાથે ઋષિઓના અનુભવના આધારે રામાયણ મહાભારત તથા તેમની શોધ દ્વારા બાળકોને જુદા જુદા વ્‍યવસાયોની તાલીમ પણ આપવામાં આવશે. બાળકોને ઘોડે સવારી, બ્‍યુટી પાર્લર, સીવણ ક્‍લાસ, રસોઈ શાષા, ગૌપાલન, સજીવ ખેતી, ઈલેક્‍ટ્રીક કામ, રસોઈ વગેરે જેવા અનેક જીવન ઉપયોગી વ્‍યવસાયોની તાલીમ પણ આપવામાં આવશે. જેથી તેઓ આત્‍મનિર્ભર બની શકે. અહીં ધોરણ ૧ થી ૧૦ ની સ્‍કૂલ ઉપરાંત ૩૦૦ બાળકો રહી શકે તેવી વ્‍યવસ્‍થા પણ છે. બાળક કે દાતા માટે અહીં ફૂડ પેકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.  આ ગુરુકુલમ કુદરતના સાનિધ્‍યમાં કુદરતી વાતાવરણમાં શહેરના ઘોંઘાટથી દૂર ૮૦૦ વાર જગ્‍યામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે નિર્માણ થઈ રહ્યું છે. આ માટે જીતુભાઈ વિશ્વનીડમ સહિત ૧૫ લોકો બાળકોના વિકાસને વેગ આપવા સંસ્‍થા સાથે જોડાયેલા છે. આ ગુરુકુલમ દ્વારા સમજદાર સમાજ રચવો એ જ ધ્‍યેય છે.

 જીતુભાઈ વિશ્વનીડમ કહે છે કે હું સામા પ્રવાહે ચાલુ છું. આ મારી વિચારી યાત્રા છે કોઈ પ્રોજેક્‍ટ નથી કે પ્રોજેક્‍ટ કરવામાં માનતો નથી. આખા વિશ્વમાં કયાંય ઝુંપડપટ્ટી રહેવી જ ન જોઈએ. એનું એક જ માધ્‍યમ છે શિક્ષણ. આ બાબતમાં અમને સૌથી વધુ સહયોગ રાજકોટની શાળા કોલેજોએ આપ્‍યો છે. બહુ મોટી ફી લેતી શાળા અને કોલેજોએ બાળકોને વિનામૂલ્‍યે ભણાવ્‍યા છે જે અદભુત કામ કર્યું છે. કદાચ એટલે જ અમે આટલે દૂર પહોંચી શકય છીએ. રાજકોટે મને સમજ્‍યો છે અને માન આપ્‍યું છે માટે રાજકોટને વંદન છે. જીતુભાઈ કહે છે, કામ પ્રભુ કરાવે છે. સ્‍વાર્થ છૂટે તો સંકલ્‍પો સાચા પડે. મેં સંસ્‍થા માંથી કયારે પગાર લીધો નથી. જોકે મુંબઈના ૯૨ વર્ષના રમેશભાઈ કછોલીયા દર વર્ષે શિક્ષકોના પગાર માટે એક લાખ રૂપિયા ગુરુકૂલમને મોકલે છે. તેમણે ૨૦૦૫ થી અનુદાન આપવાનું શરૂ કર્યું તે આજ સુધી અવિરત ચાલી રહ્યું છે.

જીતુભાઈ વિશ્વનીડમ ગૌશાળા પણ ચલાવે છે જેમાં ૫૦ ગાયો પણ છે. આગામી સમયમાં અઢી હજાર સ્‍ક્‍વેર ફૂટમાં હાઇડ્રોફોનિક ખેતી અને અઢી હજાર સ્‍ક્‍વેર ફૂટ માં સોલાર પાર્ક કરવાનું પણ આયોજન છે. જીતુભાઈ કયારેય સરકારી યોજના ના લાભ લેતા નથી. તેઓ કહે છે વિશ્વ નીડમ નામ મકરંદભાઈ દવે આપેલું છે. આ મારો માનસ પુત્ર છે જેમ બાળક માટે મા- બાપ જે કરી છૂટે એ હું આ સંસ્‍થા માટે કરી જાણું છું. અકિલામાં મુલાકાત વખતે નવરંગ નેચર ક્‍લબના વી. ડી. બાલા પણ હાજર રહ્યા હતા.

વધુ વિગત માટે જીતુભાઈ વિશ્વનીડમ નો સંપર્ક ૯૪૨૭૭૨૮૯૧૫ પર કરી શકાય છે. વેબસાઈટઃ  www. vishwanidam.org

રવિવારે ચિત્રનગરીના કલાકારો દ્વારા ઋષિ પરંપરા તથા રામાયણ મહાભારતના ચિત્રોનું નિર્માણ થશે

 ચિત્રોનું નિર્માણ કરવા રાજકોટની જનતાને પણ આમંત્રણ

રાજકોટ : વિશ્વનીડમ ગુરુકુલમ દ્વારા રાજકોટના પાદરમાં ઝુપડપટ્ટીના ગરીબ બાળકો માટે એક ભવ્‍ય ગુરુકુળનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેમાં ૩૦૦ થી વધુ ગરીબ બાળકો ના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ વિશ્વનીડમ ગુરુકુલમ દ્વારા હાથ ધરાયું છે. ત્રણ કરોડના ખર્ચે ઈશ્વરીયા ગામની વીડી પાસે તૈયાર થયેલ આ ગુરુકુળમાં ઝુપડપટ્ટીના બાળકોને શિક્ષણ તેમજ જીવનલક્ષી અને જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવશે. આ જગ્‍યાએ આગામી તારીખ ૨૪ ને રવિવારના રોજ શિક્ષણથી લઈ સ્‍પેસ સુધીની જેણે શોધ કરી છે તેવા લોકોના ચિત્રો ઉપરાંત ઋષિઓના તથા રામાયણ મહાભારત ના ચિત્રોનું ચિત્ર નગરીના ૬૦ થી વધારે મિત્રો દ્વારા નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈને પણ આ ચિત્રો દોરવામાં રાજકોટની જનતાને પણ આવું હોય તો ગુરુકુલમ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. આવનારે પીછી સાથે લાવવાની રહેશે બાકી કલર અહીંથી આપવામાં આવશે. ઉપરાંત આવનાર દરેક કલાકારને એ દિવસે ભોજન પણ વિશ્વનીડમ ગુરુકુલમ દ્વારા આપવામાં આવશે.

જીતુભાઈ દર રવિવારે વિનામૂલ્‍યે પુસ્‍તકો પણ આપે છે..

રાજકોટ : વિશ્વ નીડમ ગુરુકુલમ સંસ્‍થા ચલાવતા જીતુભાઈ પુસ્‍તકો પણ વિના મૂલ્‍યે લોકોને વાંચવા આપે છે. પુસ્‍તક પરબ માં દર રવિવારે વીડી બાલા સાહેબ ના પ્રયાસોથી ભરાતી ખેડૂત હાટમાં જીતુભાઈ વિશ્વનીડમ લોકોને પુસ્‍તકો નિશુલ્‍ક આપે છે. જીતુભાઈ કહે છે મનનો ખોરાક પુસ્‍તકો છે. રાજકોટના રેસકોર્સમાં લોકવિજ્ઞાન કેન્‍દ્ર ખાતે દર રવિવારે સવારે ૮ થી ૧ વાગ્‍યા દરમિયાન જીતુભાઈ અનેક પુસ્‍તકો લઈને આવે છે. લોકો એક પણ રૂપિયો દીધા વિના પુસ્‍તકો લઈ જઈ શકે છે. જેમ અન્‍ય લોકો પુસ્‍તકો વાંચવા લઈ જાય છે તેમ કોઈ ને પણ પોતાની પાસે રહેલા પુસ્‍તકો અહીં આપવા હોય તો આપી પણ શકે છે. જેથી અન્‍ય લોકો તેના વાંચનનો લાભ લઈ શકે.

 

(11:54 AM IST)