<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

લક્ષ્મણ ટાઉનશીપના ગેઇટ પાસે નરેન્‍દ્રસિંહ રાણા પર પથ્‍થરમારો થતાં લોહીલુહાણ થયા

ભાણેજ જયદેવસિંહ દૂધ લેવા આવતાં તેની સાથે મિલન ખખ્‍ખર સહિતનાએ ઝઘડો કરતાં પોતે વચ્‍ચે પડતાં હુમલો થયોઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૧: નાના મવા રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ નજીક લક્ષમણ ટાઉનશીપમાં રહેતાં અને ભુણાવા ખાતે શક્‍તિમાન ફેક્‍ટરીમાં નોકરી કરતાં નરેન્‍દ્રસિંહ જુવાનસિંહ રાણા (ઉ.વ.૫૧) સાંજે ઘર નજીક હતાં ત્‍યારે ત્રણ જણાએ પથ્‍થરમારો કરી માથામાં ઇજા પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે તાલુકા પોલીસે મિલન ખખ્‍ખર, દર્શન અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. નરેન્‍દ્રસિંહે ફરિયાદમાં જણાવ્‍યું છે કે સાંજે સાડા છએક વાગ્‍યે હું લક્ષ્મણ ટાઉનશીપના ગેઇટ પાસે ફલોર મીલ છે ત્‍યાં બેઠો હતો ત્‍યારે મારો ભાણેજ જયદેવસિંહ જાડેજા નજીકની દૂકાને દૂધ લેવા આવેલ ત્‍યારે ત્‍યાં બેઠેલા મિલન ખખ્‍ખરે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતાં હું ત્‍યાં ગયો હતો. આ વખતે મિલન નશામાં હોય તેવુ જણાતું હતું. હું વચ્‍ચે પડતાં અને તેને રોકવા જતાં મિલને મારી સાથે ઝઘડો કર્યો હતો.

બાદમાં મિલને પોતાની સાથેના દર્શન અને અજાણ્‍યા સાથે મળી મારા પર પથ્‍થરમારો કર્યો હતો. તેમજ ભાણેજને ઝપાઝપી કરી મુંઢ માર માર્યો હતો. મને પાણકાનો એક ઘા માથામાં લાગી જતાં લોહી નીકળવા માંડતા દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. મારા ભાણેજે મારા ઘરે જાણ કરી હતી અને ૧૦૮ બોલાવતાં મને સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી. ડી. ઠાકોર અને કિરીટભાઇએ ગુનો નોંધી વધુ તપાસ યથાવત રાખી છે.

 

(2:39 PM IST)