<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રાજકોટમાં ત્રણ વાહનની ડેકી તોડી રોકડ ચોરી લેનાર છારાગેંગના બે પકડાયાઃ ૭ ગુના ઉકેલાયા

ચોરી-ચિલઝડપ કરી દાનપુણ્‍ય કરવાની પણ સુત્રધારને મનોજને આદતઃ ૪૧ ગુનામાં સંડોવણીઃ ક્રાઇમ બ્રાંચે સાગ્રીતને પણ દબોચ્‍યો રાજકોટ, મુંબઇ, વલસાડ, દિલ્‍હીમાં કરી હતી ચોરીઓઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને ટીમની કાર્યવાહીઃ કળષ્‍ણદેવસિંહ, વિજયરાજસિંહ, પ્રદીપસિંહ અને મૈસુરભાઈની બાતમી : આંગડીયા પેઢી આસપાસ રેકી કરી રૂપિયા લઇને નીકળનારનો પીછો કરી શિકાર બનાવતાં: હેલ્‍મેટ, માસ્‍ક, નંબર પ્‍લેટ બદલવાના સ્‍ટીકર, ડેકી તોડવાના ખાસ સાધનો, રોકડા ૬ લાખ, ટુવ્‍હીલર, થેલો, મોબાઇલ સહિત ૬.૫૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૧: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં વાહનોની ડેકી તોડી રોકડ રકમ ચોરી જવાની ત્રણ ઘટના બની હતી. આ ત્રણેય ઘટના તેમજ વાપી, મુંબઇ, દિલ્‍હીમાં પણ બનેલા અન્‍ય આવા ચાર બનાવોનો ભેદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્‍ચે ઉકેલી અમદાવાદની છારા ગેંગના બે શખ્‍સને ઝડપી લઇ રોકડા ૬ લાખ મળી રૂા. ૬,૫૮,૭૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ બંને પૈકી સુત્રધાર આંતરરાજ્‍ય ગુનેગાર છે. તે રાજકોટ તેમજ મહારાષ્‍ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, હિમતનગર સહિતના સ્‍થળોએ અગાઉ ૪૧ ગુના આચરી ચુક્‍યો હતો. મુંબઇ, દિલ્‍હી, વાપીના ગુનામાં તેનું નામ ખુલતાં તે ફરાર હતો.

ઝડપાયેલા બંને શખ્‍સના નામ મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી  છારા (ઉ.વ.૪૪ ધંધો-મજુરી કામ રહે.સીંગલ ચાલી મહાકાળીના મંદિરની બાજુમાં, સત્‍યનારાયણ, દુધ ઘર બંગલા એરીયા રોડ, છારાનગર, કુબેરનગર, અમદાવાદ) તથા ચંન્‍દ્રકાંત ઉર્ફે સોનું જેન્‍તીભાઈ પરમાર (તમંચે) છારા (ઉ.વ.૪૮ ધંધો-મજુરી કામ રહે. નવખોલી, છારાનગર, કુબેરનગર તથા ગેલેકસી સિનેમાની સામે નરોડા અમદાવાદ) છે. આ બંને આંગડીયા પેઢીઓની ઓફિસ આસપાસ વોચ રાખતા હતા અને જે કોઈ વ્‍યક્‍તિ રોકડ લઈને નીકળે તથા વાહનની ડેકીમાં રાખી રવાના થાય ત્‍યારે તેનો પીછો કરતા અને જ્‍યારે એ વ્‍યક્‍તિ વાહન રેઢું  મૂકે એ સાથે જ બને બાકી તોડી ચોરી કરી ભાગી જતા હતા.

ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા ચોરી, ચિલઝડપ, લૂંટ, વાહનની ડેકી તોડી ચોરીના ગુના અટકાવવા, બનેલા ગુના ડિટેકટ કરવા સૂચના અપાઈ હોઈ  જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કળષ્‍ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા તથા કોન્‍સ. પ્રદીપસિંહ જાડેજા અને  મૈસુરભાઇ કુંભારવાડીયાને મળેલી ચોકકસ બાતમીના આધારે છારા ગેંગના બંને શખ્‍સોને આજીડેમ પોલીસની હદમાંથી પકડી લઇ પકડી રોકડા ૬ લાખ, કાળા કલરના હેલ્‍મેટ, કાળા કલરની કોલેજ બેગ (થેલો), જીજે૦૧વીયુ-૦૬૬૦ નંબરનું ટુવ્‍હીલર, મોબાઇલ ફોન, ડેકી તોડવાનું ટી આકારનું સાધન, ટોપી, અલગ અલગ ગોળાકાર માસ્‍ક, એબસીડી અને અંગ્રેજી આંકડા લખેલા સ્‍ટીકરો સહિત કબ્‍જે કર્યા છે.

આ બંને જે તે શહેરમાં ડેકી તોડી ભાગે પછી તુરત જ પોતાની પાસેના સ્‍ટીકરોનો ઉપયોગ કરી નંબર પ્‍લેટ બદલી નાખતા હતાં. ઝડપાયેલામાં સુત્રધાર મનોજ ઉર્ફ મનિષ સેવાણી ૪૧ ગુનાઓમાં અને સાગ્રીત ચંદ્રકાંત ઉર્ફ સોનુ પાંચ ગુનાઓમાં અગાઉ પકડાયો હતો. મનોજ ચોરીના રૂપિયામાંથી પોતાના સમાજમાં દાનપુણ્‍ય કરવા માટે પણ જાણીતો છે, તે સમુહલગ્નો પણ કરાવતો હોવાનું રટણ કર્યુ હતું. તેની ઇચ્‍છા તો એવી પણ હતી કે તેનો દિકરો ભણીને આઇપીએસ બને એ પછી તેની સામે પણ પોતે આવી ચોરીઓ કરવાનો હતો!

આ કામગીરી શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તથા કન્‍ટ્રોલ રૂમના એસીપી વી. જી. પટેલની રાહબરીમાં પીઆઇ એમ.આર.ગોંડલીયા,  પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એ.એન.પરમાર, એમ. કે. મોવલીયા, વી. ડી. ડોડીયા તથા એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા તથા હિતેન્‍દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ પઢારીયા તથા પો.હેડ કોન્‍સ. કળષ્‍ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, પો.કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમાં તથા મોહિલરાજસિંહ ગોહિલ, ગોપાલભાઈ પાટીલ, અર્જુનભાઇ ડવ, પ્રદિપસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, તુલશીભાઇ ચુડાસમા, જીલુભાઇ ગરચર, સંજયભાઇ ખાખરીયા, પ્રવીણભાઇ જતાપરા, રમેશભાઇ માલકીયા સહિતની ટીમે કરી હતી. હવે બંનેનો કબ્‍જો માલવીયાનગર અને આજીડેમ પોલીસ મેળવશે.

(2:46 PM IST)