News of Thursday, 21st November 2024
માધાપર ચોકડી બ્રીજ પછી ટુંકમાં કલેકટર દ્વારા હાઇવે ઉપર મોટા પાયે દબાણ હટાવ ઓપરેશન
હાલ ગૂપચૂપ સર્વે ચાલુઃ એક નામચીન હોટલ સામે તો લેન્ડગ્રેબીંગની પણ તૈયારીઓ... બ્રીજ બાદ પાર્થ ખૂંટ સહિત પાંચને નોટીસ ફટકારતા મામલતદારઃ યુએલસી અને સરકારી જમીનો પર આડેધડ હોટલો-દૂકાનો-કેબીનો ખડકાઇ ગઇ છે...

રાજકોટ તા. ર૧: આવતા અઠવાડીયે રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી, સીટી પ્રાંત-ર શ્રી મહેક જૈન અને તાલુકા મામલતદાર શ્રી મકવાણા અને તેમનો સ્ટાફ મોટા પાયે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરશે તેમ ઉચ્ચ વર્તુળો ઉમેરી રહ્યા છે, તાજેતરમાં તાલુકા મામલતદારે કુવાડવા-અમરગઢમાં ર૮ દબાણકારોને નોટીસ ફટકારી ર૭મીએ સૂનાવણી રાખી છે, બીજી બાજુ માધાપર ચોકડી બ્રીજ પછી સરકારી અને યુલસીની જમીનો ઉપર તથા પરાપીપળીયા પાટિયા પાસેની સરકારી જમીનો ઉપર આડેધડ ગેરકાયદે ખડકાઇ ગયેલ હોટલો-દૂકાનો-કોમર્શીયલ વંડા અંગે ગૂપચૂપ સર્વે ચાલી રહ્યો છે, કલેકટરને રીપોર્ટ બાદ પ્રાંત-મામલતદાર દ્વારા આ બધું સાફ કરી નાંખવા મોટા પાયે ડીમોલેશન હાથ ધરાશે.
ટોચના સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં વિવાદમાં આવેલ એક હોટલ પણ સરકારી જમીન ઉપર ઉભી છે, જમીનો દબાવી દીધી છે, તો એક નામચીન હોટલના માલિક સામે લેન્ડ ગ્રેબીંગ કરવા અંગે પણ તંત્રે તૈયારીઓ કરી લીધી છે.
દરમિયાન રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ ‘‘અકિલા''ને જણાવેલ કે જામનગર રોડ ઉપર બ્રીજ પછી સર્વે ચાલી રહ્યો છે, હાલ પાર્થ ખૂંટ સહિત અન્ય પાંચને તેમણે કરેલ દબાણ દૂર કરી દેવા નોટીસ ફટકારી છે, આવતા અઠવાડિયે આ બાબતે કાર્યવાહી થશે.
(4:26 PM IST)










