News of Tuesday, 26th November 2024
રેલનગરમાં પૂર્વ વિસ્તારના મામલતદારનું બૂલડોઝર ફર્યું ખેતલા આપા ટી સ્ટોલ સહિત ૪ બાંધકામો દૂરઃ ૭ાા કરોડની જમીન ખુલ્લી
મામલતદાર ચાવડા-સર્કલ સત્યમ શેરસીયા દ્વારા કાર્યવાહીઃ પાનની દુકાન-સીઝન સ્ટોર અન્ય એક પાકુ બાંધકામ હટાવાયા

રાજકોટ તા. ર૬: રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ પૂર્વ વિભાગના મામલતદાર અને સર્કલ ઓફીસરે પોલીસ બંદોબસ્ત વીજ ટીમોને સાથે રાખી ગેરકાયદેસર કોર્મશીયલ બાંધકામો ઉપર બૂલડોઝર ફેરવી દઇ રૂા. ૭ાા કરોડની ૧પ૦૦ ચો.મી. જમીન ખૂલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.
રેલનગરમાં સ્વ. બાલસિંહજી સરવૈયા ચોકમાં ૮૦ ફુટના રોડ પર આવેલ પેટ્રોલ પંપની બાજુમાં રેવન્યુ સર્વે નંબર ૬૦૯ પૈકી ટી.પી. સ્કીમ નંબર-ર૩ના એફ.પી. નંબર ૩૪/ર ઉપરની ૧પ૦૦ ચો.મી. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર હોટલો અન્ય દુકાનો ઉભી થઇ ગઇ હતી, પરીણામે સર્કલ ઓફીસર શ્રી સત્યમ શેરસીયા, તલાટી ધારા વ્યાસે ગત તા. ૧૬-૧૧-ર૦ર૪ના રોજ નોટીસો ફટકારી હતી, આમ છતાં દબાણ દૂર નહિં કરતા મામલતદાર ચાવડા-બૂલડોઝર સાથે ધસી ગયા હતા, અને સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા ખેતલા આપા ટી સ્ટોલ, ખેતલા આપા પાન સેન્ટરની દુકાન, ચાનું પાકુ બાંધકામ તથા બાલાજી સીઝન સ્ટોર નામે ચાલતા સ્ટ્રકચરનું દબાણ દૂર કરી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે, હજુ આવતીકાલે વધુ એક ઓપરેશન હાથ ધરશે, આજની કાર્યવાહી દરમિયાન પ્રદ્યુમનનગર પીએસઆઇ શ્રી જાનકીબા જાડેજા અને તેમનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો હતો.
(3:53 PM IST)










