News of Tuesday, 26th November 2024
‘ક્રાઇમ બ્રાંચમાંથી આવું છું' કહી અજય નકલી પોલીસ બન્યો પણ સીન વિંખાઇ ગયા
ચૂનારાવાડમાં બનાવઃ મોડી રાત સુધી કેમ જાગો છો, તમે દારૂનો ધંધો કરો છો!, કહેતા રહેવાસીઓએ આઇકાર્ડ માંગતા તલ્લા તલ્લા કરવા લાગ્યોઃ થોરાળા પોલીસમાં ફરિયાદઃ ધરપકડઃ ભુલ થઇ ગઇ હોવાનું રટણ

રાજકોટ તા. ર૬: શહેરના ચૂનારાવાડમાં એકટીવા લઇને આવેલા શખ્સે ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાંથી આવું છું. ખોટી ઓળખ આપી યુવાન તથા તેના પરિવારને ‘તમે મોડી રાત સુધી કેમ જાગો છો, તમે દારૂનો ધંધો કરો છો, તારા ઘરે જઇ તપાસ કરવાનું કહી રોફ જમાવનાર શખ્સને થોરાળા પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ આજી નદીના કાંઠા પાસે બાપા સીતારામનગર શેરી નં. ર/૩માં રહેતો વિજય વિનુભાઇ ગોહેલ (ઉ.વ.રપ) એ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે છૂટક મજૂરી કામ કરે છે. પરમ દિવસે મોડી રાત્રે પોતે તથા ચૂનારાવાડ શેરી નં. ર માં રહેતા મામાનો દીકરો પરાગ બંને તેના ઘર પાસે બેઠા હતા બંને વાતો કરતા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ એકટીવા પર આવ્યો હતો. પોતાની પાસે ઉભો રહી ‘કેમ આટલી મોડી રાત સુધી જાગો છો ઘરે જઇને સૂઇ જાવ કહેતા પોતે તેને કહેલ કે ‘તમે કોણ છો, કયાંથી આવો છો' પૂછતા તેણે કહેલ કે ‘હું ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાંથી આવું છું તમે દારૂનો ધંધો કરો છો' કહેતા મામાના દીકરા પરાગે કહેલ કે ‘અમે દારૂનો ધંધો કરતા નથી' કહેતા આ શખ્સે ઉશ્કેરાઇ જઇ ‘ચાલ મને તું તારૂં ઘર બતાવ હું તારા ઘરે જઇ તપાસ કરી લવ' કહેતા પોતે આ શખ્સને પોલીસ સમજીને ઘરે લઇ ગયા બાદ આ શખ્સ ઘરની બહાર બધું જોવા લાગ્યો હતો અને પોતાને કહેલ કે ‘અહિયા બીજા કોણ દારૂનો ધંધો કરે છે.' પોતે કહેલ કે અમારા લતામાં કોઇ દારૂનો ધંધો કરતા નથી તમે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાંથી આવો છો. તો તમે તમારૂં ઓળખકાર્ડ આપો' તેમ કહેતા આ શખ્સ ગલ્લા તલ્લા કરી ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો હતો અને તે એકટીવા લઇને ભાગી ગયો હતો. બાદ ગઇકાલે બપોરે પોતે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલો આ વિડીયો જોતા પોતે મામાના દીકરા સાથે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. સી. સી. મકવાણા તથા રાઇટર સંજયભાઇએ સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રોફ જમાવનાર અજય વજુભાઇ સરસાવડીયા (ઉ.વ.ર૩) (રહે. માધાપર ગામ વૃંદાવન સોસાયટી શેરી નં. પ) ની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં અજય મજૂરી કામ કરે છે. પરમ દિવસે રાત્રે તે એકટીવા લઇને આંટો મારવા નીકળ્યો હતો. મારાથી ભુલ થઇ ગઇ હોવાનું રટણ કરી રહ્યો છે. આ અંગે હેડ કોન્સ. સી. સી. મકવાણાએ તપાસ હાથ ધરી છે.
(4:40 PM IST)










