<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

હુડકો ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે થાનના માતા-પુત્રી સહિત ૪ ને કારે હડફેટે લીધા

કોઠારીયા રોડ પર માતાજીના મઢે દર્શન કરી પરત થાન જતી વેળાએ બનાવઃ જાગૃતિબા ચુડાસમા, પુત્રી નિત્‍યાબા, જેઠાણી મિતલબા, ભાભી હીનાબેનને ઇજા કાર ચાલક સામે ગુનો

રાજકોટ, તા. ર૭: કોઠારીયા મેઇન રોડ, બ્રહ્માણી હોલ પાસે માતાજીના મઢે દર્શન કરી થાનગઢ જવા માટે નિકળ્‍યા બાદ હુંડકો ચોકડી નજીક રોડ ક્રોસ કરતી વખતે માતા-પુત્રી સહિત પરિવારના ચાર સભ્‍યોને સ્‍વીફટ કારે હડફેટે લેતા ચારેયને સારવાર માટે ખસેડાયા છે.

મળતી વિગત મુજબ થાનગઢમાં જી.ઇ.બી.ની પાછળ ભોલેશ્‍વર પ્‍લોટમાં રહેતા જાગૃતિબા દિવ્‍યરાજસિંહ ચુડાસમા (ઉ.વ.૩૦) એ આજીડેમ પોલીસ મથકમાં જીજે-૩-એલઆર-૯૨૩૨ નંબરની સ્‍વીફટ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જાગૃતિબાએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, ગઇકાલે બપોરે પોતે તથા પુત્રી નિત્‍યાબા (ઉ.વ. ૭) તથા જેઠાણી મિતલબા સિધ્‍ધરાજસિંહ ચુડાસમા, ભાભી ક્રીનાબા સહદેવસિંહ જાડેજા ચારેય થાનગઢથી રાજકોટ કોઠારીયા મેઇન રોડ પર તીરૂપતિ સોસાયટી શેરી નં. ૬ માં રહેતા કાકાજી સસરાના ઘરે માતાજીના મઢે દર્શન કરવા માટે આવ્‍યા હતા. બાદ સાંજે ચારેય ત્‍યાંથી નીકળી હુડકો ચોકડી નજીક કોઠારીયા બાયપાસ રોડ રાધામીરા હોટલ સામે રોડ ક્રોસ કરતા હતા ત્‍યારે હુડકો ચોકડી તરફથી આવતી કારના ચાલકે પુરઝડપે આવેલ પોતાને તથા પુત્રી સહિત ચારેયને હડફેટે લીધા હતા. અકસ્‍માત સર્જી ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા દરમ્‍યાન કાકાજી સસરા ત્‍યાં આવી જતા ચારેયને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોતે આજીડેમ પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ કે.વી. બાલાસરાએ તપાસ હાથ ધરી છે.

(4:05 PM IST)