<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

એકાઉન્‍ટન્‍ટ કૃપાલીબેન ટાસ્‍કના નામે છેતરાઇ ગયાઃ સાયબર ગઠીયાઓએ ૮.૮૦ લાખ પડાવ્‍યા

અજમેરા શાસ્ત્રી નગર બીજા સર્કલ પાસે આવેલી ઓફિસમાં નોકરી કરતી મુળ જામકંડોરણાના મેઘાવડના યુવતિ સાથે ફ્રોડ :રોશનીના નામે મેસેજ મોકલનારે પોતે કંપનીની મેનેરજ છે અને તમારી ફ્રીલાન્‍સ તરીકે પસંદગી થઇ છે, તમારે કોઇ ઇન્‍વેસ્‍ટ કરવાનું નથી હું કહું તેમ કરો કહી ગૂગલ રીવ્‍યુના ટાસ્‍ક મોકલ્‍યા જે પુરા કરતાં કૃપાલીબેનને ૩૦૦ રૂપિયા મળ્‍યાઃ બીજા ટાસ્‍કના ૨૦૦૦ ભર્યા તેની સામે ૨૮૦૦ મળ્‍યાઃ પછી ૯૦૦૦ ભરવાનું કહી આ રકમ પાછી જોઇતી હોય તો વધુ રકમ ભરો કહી રૂપિયા ઉસેડી લીધાઃ કૃપાલીબેને પોતાની પાસે નાણા ન હોઇ સાથે કામ કરતાં બે કર્મચારી મારફત રૂપિયા મોકલાવ્‍યાઃ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૮: ટાસ્‍કના નામે કમાણી કરવાની લાલચ આપી સાયબર ગઠીયાઓ લાખોની ઠગાઇ કરી રહ્યાના કિસ્‍સાઓ વચ્‍ચે રાજકોટ શહેરમાં રહી અજમેરા શાષાીનગરમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી કરતી મુળ જામકંડોરણા પંથકની યુવતિને વ્‍હોટ્‍સએપેમાં એક યુવતિના નામે મેસેજ કરી  પોતે કંપનીમની પ્રાઇવેટ મેનેજર બોલે છે અને ફ્રીલાન્‍સીમાં તમારુ સિલેક્‍શન થયું છે, તમારે ઇન્‍વેસ્‍ટમેન્‍ટ વગર જ હું કહુ એટલુ જ કરવાનું છે કહી ગૂગલના બે ટાસ્‍ક મોકલી રૂા. ૩૦૦ આપ્‍યા હતાં. બાદમાં વધુ ટાસ્‍ક મોકલી ટેલિગ્રામની લિંક મારફત એક ગ્રુપમાં એડ કરી ટાસ્‍ક મોકલી ૨૦૦૦ સામે ૨૮૦૦ મોકલ્‍યા હતાં. એ પછી અલગ ટાસ્‍કના ૯૦૦૦ ભરવાનું કહી અલગ અલગ બહાનાઓ આપી કટકે કટકે ૮,૮૦,૦૦૦ આ યુવતિ પાસેથી પડાવી લીધા હતાં. યુવતિએ પોતાની પાસે રકમ ન હોઇ સાથે નોકરી કરતાં બે કર્મચારીઓ મારફત આ રકમ લઇને ટ્રાન્‍સફર કરી હતી.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે  મુળ જામકંડોરણાના મેઘાવડ ગામના વતની અને હાલ રાજકોટમાં ગોંડલ ચોકડીએ જુના જકાતનાકા પાસે લેઉવા પટેલ કન્‍યા છાત્રાલય ખાતે રહી નાના મવા સર્કલ શાષાીનગર અજમેરા સોસાયટીમાં બીજા સર્કલ પાસે માર્ક એન્‍ડ એકાઉન્‍ટન્‍ટ ઓફિસમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી કરતાં કૃપાલીબેન ભગવાનજીભાઇ ભાલારા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી એક મોબાઇલ નંબરના ધારક, આઇસીઆઇસીઆઇ બેંક તથા ફેડરલ બેંકના એકાઉન્‍ટ ધારક તેમજ અલગ અલગ આઇડીના ધારકો ઉપયોગ કરનારાઓ સામે રૂા. ૮,૮૧,૦૦૦ની ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

કૃપાલીબેને જણાવ્‍યું છે કે હું ઇન્‍સ્‍ટાગ્રામ અને વ્‍હોટ્‍સએપનો ઉપયોગ કરુ છું. તા. ૩/૪/૨૪ના રોજ મારા વ્‍હોટ્‍સએપમાં મેસેજ આવ્‍યો હતો હતો અને જણાવેલુ કે હું રોશની કિનેશો ઇન્‍ડિયા પ્રા.લિ. કંપનીમાં પ્રોજેક્‍ટ મેનેજર છું અને તમારી ફ્રીલાન્‍સીમાં તમારું સિલેક્‍શન થયું છે, તમારે કોઇપણ પ્રકારનું ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરવાનું નથી, તમારે હું કહું એમ કરવાનું છે. આમ કહી મને ગૂગલ રીવ્‍યુના બે ટાસ્‍ક આપ્‍યા હતાં. જે મેં પુરા કરતાં આ બંને ટાસ્‍કના બદલામાં મને રૂા. ૩૦૦ ગૂગલપેથી મોકલાયા હતાં. ત્‍યારબાદ મને વ્‍હોટ્‍સએપની એક લિંક મોકલાઇ હતી. જે ટેલિગ્રામની હતી જેથી હું ઓપન કરી ટેલિગ્રામમાં એડ થઇ જતાં નિયા ગુપ્‍તા નામનું એક ગ્રુપ જોવા મળ્‍યું હતું. જેમાં મને બીજો ટાસ્‍ક આપેલો અને તેમાં રૂા. ૨૦૦૦ ભરવા પડશે તેમ કહેવાતા મેં આ રકમ ભરી હતી. એ પછી મને રૂા. ૨૮૦૦ પાછા આપ્‍યા હતાં. ત્‍યારબાદ ફરી ટાસ્‍ક આપી ૯૦૦૦ ભરવાાનું કહેલ, મેં ગૂગલ પેથી ટ્રાન્‍સફર કરતાં આ રકમ પરત લેવી હોય તો બીજા ૩૨ હજાર ટ્રાન્‍સફર કરવા પડશે તેમ કહેવાયુ હતું.

એ પછી ટેલીગ્રામવાળાએ મને આ બધી રકમ પરત લેવી હોય તો ૫૦ હજાર આપવા પડશે તેમ કહેતાં મેં અમારી ઓફિસમાં કામ કરતાં કમલેશભાઇ પટેલના ગૂગલ પેથી ૫૦,૦૦૦ ભરી દીધા હતાં. ત્‍યારબાદ તા. ૬/૪/૨૪ના રોજ મને ફરી ટેલીગ્રામથી મેસેજ આવેલો કે રૂપિયા પરત લેવા માટે તમારે ૨,૩૦,૦૦૦ ભરવા પડશે. તેની સાથે આઇસીઆઇસીઆઇ બેંકનો એકાઉન્‍ટ નંબર આવ્‍યો હતો. મેં મારા બીજા કર્મચારી વિકાસભાઇ લાડાણીના એકા.ન્‍ટમાંથી ૨,૩૦,૦૦૦ ભરી દીધા હતાં. એ પછી તેણે કહેલુ કે હવે તમે બધા રૂપિયા ઉપાડી શકશો. બાદમાં મને ટેલિગ્રામની લિંક મોકલી હતી, જે બાદમાં ડિલીટ થઇ ગઇ હતી. જેમાં કહ્યા મુજબ મેં ૫૦૦૦ ઉપાડવા રિક્‍વેસ્‍ટ નાખી હતી. બાદ મને સામેથી મેસેજ આવેલો કે તમને બે વખત ૫૦૦૦ ઉપાડવા રિક્‍વેસ્‍ટ નાખવાનું જણાવાયુ હતું. પરંતુ તમે એક જ વખત રિક્‍વેસ્‍ટ નાખી છે. જેથી તમારુ એકાઉન્‍ટ ફ્રીઝ થઇ ગયેલ. જે અનફ્રીઝ કરવું હોય તો રૂા. ૨,૮૦,૦૦૦નું વધુ પેમેન્‍ટ કરવું પડશે.

આ પેમેન્‍ટ કરવા માટે મેં તૈયારી બતાવતાં મને ફેડરલ બેંકના એકાઉન્‍ટ નંબર અપાયા હતાં. તેમાં મેં રૂા. ૨,૮૦,૦૦૦નું પેમેન્‍ટ કર્યુ હતું. આ રકમ મેં સાથી કર્મચારી વિકાસભાઇ લાડાણીના એકાઉન્‍ટમાંથી આઇએમપીએસથી ૬/૪/૨૪ના રોજ મોકલી હતી. એ પછી મને ટેલિગ્રામથી મેસેજ આવેલો કે તમારુ પેમેન્‍ટ થઇ ગયું છે પણ તમારી લિંક એક્‍સપાયર થઇ ગઇ છે, તમારે ફરી ૨,૮૦,૦૦૦ ભરવા પડશે. આથી મેં ફરીથી વિકાસભાઇના એકાઉન્‍ટમાંથી આઇએમપીએસથી ૨,૮૦,૦૦૦ ભર્યા હતાં. તેમ છતાં વધુ રૂપિયાની માંગણી ચાલુ રહેતાં મને ફ્રોડ થયાનું જણાતાં મેં સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦માં ફરિયાદ કરી હતી. જેના આધારે હવે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી છે. આ રીતે ગઠીયાઓએ મારી પાસે અલગ અલગ ટ્રાન્‍જેકશન કરાવી કુલ રૂા. ૮,૮૮,૦૦૦ મેળવી છેતરપીંડી કરી હતી. પીઆઇ એમ. એ. ઝણકાતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:35 PM IST)