News of Thursday, 28th November 2024
રાજકોટમાં ૩૭ લાખ રેશનકાર્ડ ધારકોઃ માત્ર ૭ લાખ ૭૬ હજારના E-KYC પૂર્ણ...
હજુ ૩૦ લાખ બાકીઃ હવે માત્ર ૧ મહિનો છેઃ બાદમાં ચોખા-ખાંડ નહિ મળે તેવી ચેતવણીથી જબરી લાંબી લાઇનો :રાજકોટ પુરવઠાની તમામ ઝોનલ કચેરીમાં વહેલી સવારથી અંધાધૂંધીઃ સર્વરના પણ ધાંધીયાઃ લોકોમાં પ્રચંડ દેકારો : શિક્ષકો-તલાટીઓ-આંગણવાડીને પણ કામગીરી સોંપાઇ છેઃ મહાનગરપાલિકાના તમામ વોર્ડ ઓફીસમાં પણ ઇ-કેવાયસી કામગીરી થાય છેઃ લોકો ત્યાં જતા નથીઃ કોર્પોરેશને માત્ર ૧૭ કાર્ડ કમ્પલીટ કર્યા...

રાજકોટ તા.૨૮: કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ - કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે નિયમ અનુસાર જો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી છે. ૩૧ ડિસેમ્બર પહેલા પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. અત્યારે રાજકોટના ૩૭ લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર ૭.૭૬ લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. માત્ર ૨૦ ટકા કામગીરી થયાનું બહાર આવ્યું છે, અને વહેલી સવારથી જ લોકોની મામલતદાર કચેરીઓ પ્રાંત કચેરી હોય કે અન્ય કચેરીઓ ઉપર લોકોને લાંબી લાઈનો જોવા મળી રહી છે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભી રહ્યા છે પરંતુ સર્વર ડાઉન સહિતના પ્રશ્નોના કારણે E - KEYC ની ધીમી ગતિએ કામગીરીને કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. લોકોમાં પ્રચંડ રોષ છે, દુકાનદારો પણ કંટાળ્યા છે, રોજ-રોજ માથાકુટ થાય છે.
હાલ રાજકોટ જિલ્લાના શિક્ષકોને, તલાટી મંત્રી, આંગણવાડી મહિલાઓને પણ ઇ-કેવાયસી કામગીરી સોપવામાં આવી છે. તેઓને પણ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પણ સૂચનાઓ છે. ઇ-કેવાયસી માટે માત્ર ૩૦ દિવસ બાકી રહ્યા છે. એક મહિના બાદ સમય વધારવામાં આવશે કે નહીં તે પણ એક સવાલ થઈ રહ્યો છે. હજી રાજકોટ જિલ્લામાં KYC ની ૨૦ ટકા કામગીરી છે. પુરવઠા વિભાગના મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૦ લાખ રેશનકાર્ડ ધારકો છે જેમના સભ્ય ૩૭ લાખથી પણ વધુ થાય છે. જેમાં હાલ ૭.૭૬ લાખ જેટલા લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
રાજકોટના તમામ વોર્ડ ઓફિસમાં પણ ઇ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી
રાજકોટ શહેરના તમામ વોર્ડમાં પણ E- KEYC ની કામગીરી શરૂ કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા શહેરની તમામ વોર્ડ ઓફિસોને આઈડી આપી દેવામાં આવી છે. અને કામગીરી કરવાની સૂચના પણ આપી દેવામાં આવે છે. ઉપરાંત મહાનગર પાલિકા કચેરી સેન્ટર ખાતે પણ ઇ-કેવાયસીની મંજુરી છે, છતાં પણ રાજકોટ શહેરની મામલતદાર કચેરી હોય કે પ્રાંત કચેરી, જિલ્લાની મામલતદાર કચેરીઓમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. સાથે જ ધીમી ગતિની કામગીરીના કારણે લોકોમાં પણ કયાંક રોષ જોવા મળી રહ્યો છે.
(3:55 PM IST)










