News of Friday, 29th November 2024
કમલેશ જોશીપુરાના કાર્યકાળમાં કોન્વોકેશન હોલનું કામ ૧૭ વર્ષે પણ પૂર્ણ ન થયુ : ૧૩મીએ કોંગ્રેસ દ્વારા નાટકીય ઉદ્ઘાટન
કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતનો આક્ષેપ : આ બિલ્ડીંગનું શ્રેષ્ઠ નામ સુચવનારને રૂા. ૫ હજારના ઇનામની જાહેરાત

રાજકોટ તા. ૨૯ : પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાના કાર્યકાળ દરમિયાન કોન્વોકેશન હોલનું કામ શરૂ થયું હતું જે આજે ૧૭ વર્ષે પણ પૂર્ણ થયું નથી. કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે આ અંગે એક અખબારી યાદીમાં જોશીપુરા સામે આક્ષેપ કરી તા. ૧૩ ડિસેમ્બરે નાટકીય ઢબે ઉદ્ઘાટન કરાશે. આ બિલ્ડીંગને શ્રેષ્ઠ નામ આપનારને ૫ હજાર રૂપિયાની જાહેરાત કરી છે.
કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાન રોહીતસિંહ રાજપૂતે એક યાદીમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૦૭માં વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશન હોલ બનાવવામાં આવશે તેવી જાહેરાત તત્કાલિન કુલપતિ કમલેશ જોશીપુરા દ્વારા પદવીદાન સમારંભ વખતે રાજ્યપાલશ્રીની હાજરીમાં કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા ટેન્ડર વગર કોન્વોકેશન હોલનું કામ મળતિયાને આપવામાં આવ્યું
આ હોલ કાયદા ભવન પાછળ બનાવવામાં આવશે તેવું જાહેર કરાયું હતું. આ હોલનું ખાતમુહુર્ત કમલેશ જોશીપુરા અને કલ્પક ત્રિવેદી દ્વારા સંઘ અગ્રણી મજદૂર સંઘના રાષ્ટ્રીય નેતા હસુભાઈ દવેના હસ્તે કરાવવામાં આવ્યું હતું. હોલ બનાવવામાં ૨ કરોડ જેટલી રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચૂકવી આપવામાં આવી હતી. સત્તર વર્ષ પછી પણ આ હોલ વાપરી શકાય તેવો થયો નથી. જોશીપુરા દ્વારા ટેન્ડર વગર અપાયેલ કામ પાછળ મળતિયા ૨ કરોડની રકમ લઈ ગયા. સત્તર વર્ષ પહેલા ૨ કરોડ એટલે અત્યારના ૧૦ કરોડ જેટલી રકમ થાય. આટલા વર્ષ વિત્યા બાદ પણ આ કોન્ટ્રાક્ટર અને જવાબદાર સતાધિશો વિરુદ્ધ પોલીસ કેસ પણ દાખલ કરવામા નથી આવ્યો ! કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ પણ કરવામા નથી આવ્યો ! યુનિવર્સિટીએ કોન્ટ્રાક્ટરને ચૂકવેલી રકમની વસૂલી પણ કરવામા નથી આવી તેમજ કોન્ટ્રાક્ટરએ જમા કરાવેલી સેફટી ડિપોઝિટ પણ ફ્રીઝ કરવામા નથી આવી તેવા વેધક સવાલો કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપુત દ્વારા ઉઠાવવામા આવ્યા હતા. વધુમા જણાવ્યુ હતુ કે પીએમ ઉષા પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૦ કરોડ રૂપિયાના બાંધકામો તાજેતરમા સતાધિશો દ્વારા મંજુર કરવામા આવ્યા છે પરંતુ ૧૭ વર્ષ જૂનો ઓડિટોરિયમ હોલનું કામ પૂર્ણ કરવાનો વિચાર સતાધિસોની અણઆવડત છતી કરે છે.
વર્ષો વિત્યા બાદ ત્રણ ત્રણ કુલપતિ બદલ્યા છતા પણ હજુ કોઇએ કાંકરી પણ હલાવી ના શકયા હોય તેનાથી વધુ આ સરકારની નિષ્ફળતા શુ હોય શકે તેવા આક્ષેપો કરવામા આવ્યા હતા. આ ખંઢેરનું નામકરણ ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કોંગ્રેસ દ્વારા નાટકીય સ્વરૂપે કરવામાં આવશે. કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસ દ્વારા અમે સ્પર્ધા જાહેર કરી છીએ કે આ ‘ખંઢેર'નું નામકરણ કરવા શ્રેષ્ઠ નામ સૂચવનાર વ્યક્તિને ૫૦૦૦નું ઈનામ આપવામાં આવશે. તેમ એક યાદીમાં કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે.
(2:54 PM IST)










