News of Friday, 29th November 2024
મોરબી રોડના મહેશે જાગનાથમાં ડખ્ખો કર્યોઃ ૧૭ વર્ષ જુની પ્રેમિકાના ધર્મના માનેલા ભાઇને પતાવી દેવાની ધમકી દીધી
રેલનગરમાં રહેતાં અનિકેત મકવાણાને નોકરીના સ્થળ નજીક આંતરી-તારી બહેનના ફોન નંબર દે કહી ગાળો દીધીઃ અનિકેતે ધર્મની બહેન રેખાબેનને બોલાવતાં બંને વાત કરતા હતાં ત્યારે મહેશે ફરીથી આવી ધમાલ મચાવીઃ એ-ડિવીઝનમાં ગુનો નોંધાયો માથાકુટમાં મહેશ સાથે ધર્મની માનેલી બહેનનો નાનો ભાઇ શની પણ સામેલઃ તું મારી બહેન અને મહેશની વચ્ચેથી ખસી જા કહી તેણે ગાળો દીધી

રાજકોટ તા. ૨૯: રેનલગરમાં રહેતો યુવાન જાગનાથ પ્લોટમાં નોકરીના સ્થળ નજીક શેરીમાં ફાકી ખાવા ગયો ત્યારે તેને ધર્મની માનેલી બહેનના સત્તર વર્ષ જુના પ્રેમીએ અટકાવી ‘તારી બહેનના ફોન નંબર દે' તેમ કહેતાં યુવાને ના પાડતાં તને જોઇ લઇશ, સાંજ સુધીમાં મુકીશ નહિ કહી ધમકી આપતાં યુવાને ધર્મની બહેનને વાત કરતાં તેણી ત્યાં મળવા આવતાં બંને વાત કરતાં હતાં તે વખતે ધમકી આપનાર અને ધર્મની માનેલી બહેનના નાના ભાઇએ આવી આ યુવાનને તું કેમ વચ્ચે પડે છે? કહી મારકુટ કરી તેની ધર્મ માનેલી બહેનને પણ માર મારી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ન્યુ રેલનગર શ્રીનાથજી પાર્ક-૩ પરિવાર બંગલો ખાતે રહેતાં અને ન્યુ જાગનાથ પ્લોટ હીરાપન્ના કોમ્પલેક્ષ પાછળ માટેલીયા સ્ટોક બ્રોકરની ઓફિસમાં પ્રાઇવેટ નોકરી કરતાં અનિકેત દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૨૩) નામના યુવાનની ફરિયાદ પરથી મોરબી રોડ જુના જકાતાનાકા નજીક ધોળકીયા સ્કૂલ પાસે રહેતાં મહેશ છગનભાઇ સોલંકી અને નિલકંઠ સિનેમા પાછળ નવરંગ ડેરી સામે બંધ શેરીમાં રહેતાં શની રામજીભાઇ ખચીયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
અનિકેત મકવાણાએ જણાવ્યું હતું કે અગાઉ હું દસેક વર્ષ પહેલા રાજકોટમાં ઘડીયાળના કારખાનામાં કામ કરતો હતો ત્યારે મારી સાથે રેખાબેન મુકેશભાઇ મકવાણા પણ કામ કરતાં હતાં. રેખાબેનને ઘડીયાળના કારખાનામાં કામે આવતાં મહેશ છગનભાઇ સોલંકી સાથે પ્રેમસંબંધ હતો. એ પછી રેખાબેનના લગ્ન મુકેશ મકવાણા સાથે થયા હતાં. આશરે નવ વર્ષ પહેલા રેખાબેનના પતિ મુકેશભાઇનું અવસાન થઇ ગયું હતું. તેણી મને રાખડી બાંધતા હતાં અને મને ભાઇ બનાવ્યો હતો. રેખાબેનને સંતાનમાં એક પુત્રી છે. છેલ્લા બે વર્ષથી રેખાબેનને મહેશ સોલંકી સાથે કોઇપણ પ્રકારના સંબંધ નથી. તેણી હાલ રૈયા ચોકડીએ ભાડાના મકાનમાં રહે છે.
ગુરૂવારે સાંજે સવા પાંચેક વાગ્યે હું નોકરી કરુ છું ત્યાં ઓફિસ નીચેની શેરીમાં ફાકી ખાઇને પરત આવતો હતો ત્યારે શેરીમાં મને રેખાબેન સાથે સત્તર વર્ષ પહેલા જેને પ્રેમસંબંધ હતો તે મહેશ મને મળ્યો હતો. તેણે મને કહેલુ કે-તારી બહેન રેખાના નંબર આપ. પરંતુ મે મારી પાસે નંબર નથી તેમ કહેતાં તેણે-કંઇ વાંધો નહિ, સાંજના આઠ વાગ્યા સુધીમાં હું તને જોઇ લઇશ, તને મુકીશ નહિ તેમ કહી મારી નાખવાની ધમકી આપી ગાળો દીધી હતી. મારી પાસે રેખાબેનના નંબર ન હોઇ તેના નાના બહેનને ફોન કરી મહેશ મારી પાસે આવી ગાળો દઇ ધમકી આપી જતો રહ્યાની વાત કરી હતી અને રેખાબેનને એ-ડિવીઝન પોલીસ સ્ટેશને મોકલવા કહ્યું હતું.
થોડીવાર બાદ રેખાબેન મારી નોકરીના સ્થળ નજીક પાછલી શેરીમાં આવ્યા હતાં. અમે બંને વાતો કરી રહ્યા હતાં તે વખતે મહેશ સોલંકી અને રેખાબેનનો નાનો ભાઇ શની રામજીભાઇ ખસીયા પણ આવી ગયા હતાં. મહેશે રેખાબેનને કહેલુ કે-તું અનિકેત પાસે કઇ રીતે પહોંચી ગઇ? તેમ કહી રેખાબેનને ગાળો દેવા માંડયો હતો અને ઝાપટો મારવા માંડયો હતો. જ્યારે રેખાબેનના ભાઇ શનીએ મને પકડી લીધો હતો અને કહેલુ કે તું મારી બહેન અને મહેશની વચ્ચે કેમ આવે છે? તું વચ્ચેથી ખસી જા તેમ કહી ગાળો દીધી હતી. એ પછી શની અને મહેશ ટુવ્હીલરમાં બેસી નીકળી ગયા હતાં. ત્યારબાદ મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં અનિકેતે કહેતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ યુ. કે. બાંભણીયાએ ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ આદરી હતી.
(3:03 PM IST)










