News of Friday, 29th November 2024
રાજકોટ નિખર્યુ : બ્યુટીફીકેશન કાર્ય ચકાચક : અશ્વિની કુમાર
મનપાની શહેરને નવા રંગરૂપ આપવાની કામગીરીના બે મોઢે વખાણ કરતા શહેરી વિભાગના અગ્રસચિવ :શહેરની સામાજિક સંસ્થાઓ, સ્કૂલ - કોલેજને પણ રૂપરંગની ઝુંબેશમાં જોડવા સૂચન : અલગ-અલગ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લીધી હતી

રાજકોટ તા. ૨૯ : ગુજરાત સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલ સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ, પ્લાન્ટેશન,ᅠશહેરના એન્ટ્રી-એક્ઝીટ સર્કલ ડેકોરેશન,ᅠરોડ ડીવાઈડર કલરકામ,ᅠવેક્યુમ મશીનથી મેઈન રોડ પર રાત્રી સફાઈ સહીતની કામગીરી કરવામાં આવી રહી છે. દરમ્યાન આજે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે મહાનગરપાલિકા દ્વારા થતી સિટી બ્યુટીફિકેશનની કામગીરી નિહાળી હતી અને ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સુચનો કર્યા હતા.
અશ્વિની કુમારે શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ, કોટેચા ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ પરનો બી.આર.ટી.એસ. રૂટ, ગ્રીનલેન્ડ ચોકડી વગેરે સ્થળની ફીલ્ડ વિઝિટ કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ કેટલાક સુચનો પણ કર્યા હતા. આ સાથે મનપાની કામગીરીને બિરદાવતા શ્રી અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, વિવિધ શાળા, કોલેજ તથા સામાજીક સંસ્થાને જોડી ઝુંબેશના રૂપમાં બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરી લોકોને સાથે જોડવા જોઇએ.
આ પ્રસંગે અશ્વિની કુમાર સાથે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જીશ્રીઓ પી.ડી.અઢીયા, અતુલ રાવલ, કુંતેશ મેતા, એમ.આર. શ્રીવાસ્તવ, કે.પી.દેથરીયા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.
શહેરના ઝોન વાઈઝ મેઈન રોડ પર બાંધકામ શાખા દ્વારા ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા - ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવે છે. શહેરમાં આવેલ અન્ડરબ્રિજ - ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવે છે. બી.આર.ટી.એસ. રૂટ પર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવેલ છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં સીટી બ્યુટીફીકેશન અન્વયે મેઈન રોડની સાફ-સફાઈની કામગીરી કરવામાં આવેલ છે.
ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ડીવાઈડરને કલરકામ અને થર્મોપ્લાસ્ટ વડે રસ્તા પર સાઈડમાં સફેદ પટ્ટા તેમજ ઝીબ્રા ક્રોસીંગના સફેદ પટ્ટાની કામગીરી કરવામાં આવે છે.
ગાર્ડન શાખા દ્વારા સીટી બ્યુટીફીકેશન અન્વયે ડીવાઈડરના છોડનું કટિંગ કામ,ᅠરોડ ડીવાઈડર સફાઈ કામ,ᅠપાણી આપવાનું કામ,ᅠઝાડની નડતરરૂપ ડાળીઓના કટિંગ કામ વગેરે કરવામાં આવે છે.
રોશની શાખા દ્વારા શહેરના મેઈન રોડ અને ગાર્ડનમાં રહેલ સ્ટ્રીટ લાઈટના પોલને કલરકામ કરવાની કામગીરી કરવામાં આવે છે.
(3:07 PM IST)










