News of Friday, 29th November 2024
નશાની હાલતમાં અકસ્માત સર્જાતા ઘવાયેલા મનોજભાઇએ સાજા થઇ સિવિલ હોસ્પિટલની ટીમનો આભાર માન્યો
હવે પછી કદી નશો નહિ કરે તેવુ વચન આપ્યું: પત્નિ એકલા જુનાગઢ દિકરી સાથે રહેતાં હોઇ મનોજભાઇને ફ્રેકચર હોઇ આરામ માટે સુરેન્દ્રનગર આશ્રમમાં મોકલવામાં આવ્યાઃ હેલ્પડેસ્ક ટીમે અત્યાર સુધીમાં ૭૦ બિનવારસુઓને મદદ કરી

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બિનવારસી દર્દીઓ સારવાર માટે આવે છે. અહિ અનેક બિનવારસી દર્દીઓ પણ દાખલ થતાં હોય છે, દાખલ કરવામાં આવતા હોય છે. જેમાંથી અમુક નશાની હાલતમાં પણ હોય છે અને તબિબ કે નર્સિંગ સ્ટાફ કે ચોથા વર્ગના કર્મચારીઓ સાથે તેઓ બેહુદુ વર્તન પણ કરતાં હોય છે. આમ છતાં આવા દર્દીની પણ માનવતાથી સારવાર કરી તેને સાજા કરવામાં આવતાં હોય છે. ગત ૧૯ નવેમ્બરે બપોરે ૧૦૮ દ્વારા કાલાવડ રોડથી મનોજ ઉધ્ધવ નામના મુળ મહારાષ્ટ્રના આધેડને ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ કરી જવાયેલ. આ આધેડને સર્જરી વોર્ડમાં દાખલ કરાયા બાદ તેને એક્સ રે માટે લઇ જવાયા પછી તે ખુબ જ નશામાં હોઇ અહિ આયાબહેન સહિતની સાથે માથાકુટ કરી તે સ્ટ્રેચરમાંથી ઉતરીને રવાના થઇ ગયેલ. એક પગમાં ફ્રેકચર જેવી ઇજા હોઇ છતાં તે લંગડાતા લંગડાતા નીકળી ગયેલ. બાદમાં વોર્ડમાંથી દર્દી નાસી ગયાની પોલીસ ચોકીમાં નોંધ કરાવાઇ હતી. બીજા દિવસે દર્દી રસોડા નજીક લોબીમાંથી અર્ધનગ્ન હાલતમાં કણસતી ધ્રુજતી હાલતમાં મળતાં ફરી તેને હેલ્પડેસ્ક ટીમે દાખલ કરાવેલ.
સર્જરી વિભાગના ડોક્ટર દ્વારા દર્દીનું એમઆરઆઇ અને સીટી સ્કેન કરાવી ખુબ સારી સારવાર કરવામાં આવી હતી. તેના સગા સંબંધીઓને પણ હેલ્પડેસ્કની ટીમે શોધી કાઢયા હતાં. જો કે તેના પત્નિ જુનાગઢમાં દિકરી સાથે એકલા હોઇ તે આવી શકે તેમ ન હોઇ હેલ્પડેસ્ક ટીમે તેનું સગાની જેમ જતન કર્યુ હતું. આ દર્દી હવે સ્વસ્થ થઇ જતાં તેને રજા અપાઇ હતી. પોતે નશાની હાલતમાં હોઇ અકસ્માતમાં ઇજા થયાનું સ્વીકાર્યુ હતું.
હાલ પોતે જુનાગઢ રહે છે અને રાજકોટ કામ પતાવી પરત જતી વખતે નશો કર્યો હોઇ અકસ્માત નડયાનું પણ સ્વીકાર્યુ હતું. અહિ ઓપરેશન બાદ તે સ્વસ્થ થતાં આજે તેમણે તબિબી સ્ટાફ સહિત સિવિલ હોસ્પિટલની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતે કઇ રીતે હોસ્પિટલે પહોંચ્યા, પોતે નશાની હાલતમાં શું કયુૃ? તેની ભાન જ ન હોવાનું સ્વીકાર્યુ હતું. આજે દર્દીને સ્વસ્થ કરી રજા અપાઇ હતી. તેને બે મહિના આરામની જરૂર હોઇ સિવિલના સ્ટાફે સુરેન્દ્રનગર ખાતે નિરૂપાબેન શાહ સંચાલીત નિરાંતઘરમાં દર્દીને પહોંચાડવા તજવીજ કરી હતી. તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, ઇન્ચાર્જ તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડા, આરએમઓ ડો. દુસરાની રાહબરીમાં હેલ્પડેસ્કના સ્ટાફે આ કામગીરી કરી હતી. અત્યાર સુધીમાં હેલ્પડેસ્ક દ્વારા ૭૦ જેટલા બિનવારસીને આ રીતે સાજા થયા બાદ આશ્રમમાં મોકલાયા હતાં. આજે સાજા થયેલા મનોજભાઈએ જતા જતા પોતે હવે વ્યસન નહીં કરે અને સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા જશે તેમ કહ્યું હતું.
(3:28 PM IST)










