News of Friday, 29th November 2024
કારના સોદામાં સંજયનગરના અસલમ હીંગોરાને મિત્ર રઇશ રાઉમાએ કાકા સાથે મળીને છેતરી લીધો
અસલમને કાર લેવી હોઇ મિત્ર રઇશે મારા કાકાની કાર વેંચવાની છે કહી ૩.૧૪ લાખમાં સ્વીફટ વેંચીઃ બાદમાં સામન ઘરે મુકીને આવું કહી છનનન થઇ ગયોઃ તેના કાકાને ફોન કરતાં તેનો પણ પણ બંધ આવ્યો

રાજકોટ તા. ૨૯ : જામનગર રોડ પર સંજયનગરમાં રહેતા યુવાન સાથે તેના જ મિત્રએ પોતાના કાકા સાથે મળી સ્વીફટ કારના સોદામાં ૩ લાખ ૧૪ હજારની ઠગાઇ કરી લેતાં ફરિયાદ થઇ છે. કાર વેંચી દઇ રોકડા કરી લીધા બાદ મિત્રએ ‘મારો સામાન કારમાં પડયો છે એ મુકીને હમણા આવું' કહીને કાર લઇને ગયા બાદ પાછો જ આવ્યો નહોતો. તેના કાકાએ પણ ફોન બંધ કરી દેતાં પોતે છેતરાયાની ખબર પડી હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર સંજયનગર-૧ માં રહેતા અસલમ અહેમદભાઇ હીંગોરા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી દૂધ સાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં તેના મિત્ર રઇશ રમઝાનભાઇ રાઉમા અને રઇશના કાકા માળીયા મિયાણામાં રહેતા ફકીરમામદ બાઉદીનભાઇ રાઉમા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. અસલમ ઇમીટેશન જવેલરીનો વેપાર કરે છે. તેને કાર ખરીદ કરવી હોઇ પોતાના મિત્ર રઇશ રાઉમાના વાત કરતાં રઇશે મારા કાકા પાસે સ્વીફટ કાર જીજે-૩૬ એએલ-૭૯૦૦ છ અને તે વેંચવાની છે. તેમજ કાર મારા કાકા ફકીરમામદના નામે છે તેમાં તેના નામની લોન ચાલુ છે. અસલમે આ કાર પોતાને લેવી છે તેમ કહેતાં રઇશે તેને કાર બતાવી હતી.
આ કાર અસલમને ગમી જતાં સોદો નક્કી થયો હતો. તે મુજબ અસલમને રૂા. ૩.૧૪ લાખ ચુકવવાના હતાં. બાકીની લોનના દર મહિને રૂા. ૧૭,૨૦૦ના હપ્તા ભરવાના હતાં.
રઇશે આ કારના સોદા બાબતે પોતાના કાકા ફકીરમામદ સાથે મિત્ર અસલમની વાત પણ કરાવી દીધી હતી. એ પછી અસલમે ટંકારા રહેતાં મિત્ર પાસેથી ૨ લાખ ૧૫ હજાર લઇ મિત્ર રઇશને આપ્યા હતાં. બાકીના ૯૯,૯૯૮ તેણે ગૂગલ પેથી રઇશના કાકા ફતેમામદને ચુકવી દીધા હતાં. આ રીતે સોદો પતી ગયા બાદ રઇશે કાર સોંપી દીધી હતી. પરંતુ બાદમાં તેણે ‘મારો થોડો સામાન આ કારમાં પડયો છે એ ઘરે મુકીને હું પાછો આવુ઼ છું' તેમ કહેતાં અસલમે કાર આપી દીધી હતી.
પરંતુ લાંબો સમય વીતી જવા છતાં રઇશ ન આવતાં અને ફોન ન લાગતાં તેના કાકાને ફોન કરતાં તેનો ફોન પણ બંધ આવતો હોઇ કાકા-ભત્રીજાએ મળી ઠગાઇ કર્યાનું જણાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એ.એસ. મકરાણીએ ગુનો દાખલ કરી બંને આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે
(4:12 PM IST)










