News of Monday, 2nd December 2024
ભગવતીપરા ફાટક પાસે ફાકી માટે છરી ઝીંકી હાર્દિકની હત્યાનો પ્રયાસઃ ચંડાળ ચોકડીએ જુના યાર્ડ પાસે પણ બે યુવાનને લૂંટયાઃ એક સકંજામાં
પરાબજારમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતો ૨૪ વર્ષનો યુવાન રાતે ઘર નજીક હતો ત્યારે ત્રણ અજાણ્યાએ આવી ફાકી માંગી છરી ભોંકીઃ રવિવારની રાતે નીકળી પડેલા ચાર શખ્સોએ ત્રણ સ્થળે લૂંટ ચલાવીઃ પોલીસે અલગ અલગ ગુના નોંધ્યાઃ સીસીટીવી ફૂટેજને આધારે તપાસઃ યુવાને ફાકી નથી કહેતાં પેટમાં છરી ભોંકી આંતરડા કાઢી નાંખ્યાઃ આ ગુનો આચર્યા પહેલા કરણાભાઇના ગાર્ડન નજીક પાણીપુરીની લારીવાળા દિપક નિશાદને આંતરી ‘પુરી ખવડાવ' કહી ગળા પર છરી રાખી આખા દિવસના વકરાના ૧૫૦૦ અને મોબાઇલ લૂંટયાઃ હિતેષ ડાંગરને છરી મારી ૧૦ હજાર અને મોબાઇલ પડાવ્યાઃ લોકોએ અને પીસીઆરની ટીમે ભગવતીપરાના દેવીપૂજક શખ્સ સની ઉર્ફ ચડીયો ઉધરેજીયાને દબોચ્યોઃ બાકીના ૩ શકમંદોને પણ બી-ડિવીઝન, એલસીબી ઝોન-૧ની ટીમોએ સકંજામાં લીધા : ગંભીર રીતે ઘાયલ હાર્દિક ઉર્ફ હિતેષ ચોૈહાણ ઘટના સ્થળે જોઇ શકાય છે, હાલ તે આઇસીયુમાં સારવાર હેઠળ છે : માલધારી સોસાયટીમાં લૂંટારૂઓને પકડવા દોડેલા લોકો પૈકીના જય અમિતભાઇ ખોયાણીને પડખા-પેટમાં છરીના ઘા ઝીંકાતા સારવાર હેઠળ : હત્યાની કોશિષ, લૂંટના ગુનાઓમાં એક જ ટોળકીની સંડોવણીની પુરી શંકાઃ ઝડપાયેલા સની ઉર્ફ ચડીયાની વિસ્તૃત પુછતાછ

રાજકોટ તા. ૨: ભગવતીપરા રેલ્વે ફાટક પાસે શેરી નં. ૧માં રહેતાં યુવાન પાસે રાતે ત્રણ અજાણ્યા શખ્સોએ આવી ફાકી માંગતા તેણે ફાકી નથી તેમ કહેતાં તેના પેટમાં છરી ભોંકી આંતરડા બહાર કાઢી નાંખી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસે ત્રણ શખ્સોને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે. આ ત્રિપૂટીએ આ યુવાનને છરી ભોંકી એ પહેલા આગળના રોડ પર પણ એક રાહદારીને મારકુટ કરી રોકડ પડાવ્યાની ચર્ચા થતી હોઇ પોલીસે તે અંગે પણ તપાસ આરંભી છે. દરમિયાન આ ગુનામાં ચાર શખ્સોની ટોળકી સામેલ હોવાની વિગતો ખુલી છે. આ યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો એ પહેલા ચાર શખ્સોએ જુના માર્કેટ યાર્ડ નજીક કરણભાઇના ગાર્ડન પાછળ પાણીપુરીની લારીવાળાના ગળે છરી રાખી રોકડ, ફોન તથા અન્ય એક યુવાનને છરી મારી રોકડ-ફોન પડાવ્યાનું તેમજ આ ચારેયને પકડવા દોડેલા લોકો પૈકીના એક યુવાનને છરી ભોંકી દેવાઇ હતી. ભગવતીપરા અને માલધારી સોસાયટી બંને સ્થળે આચરાયેલા ગુનાઓમાં એક જ ટોળકી સામેલ હોવાની શકયતાએ તપાસ શરૂ થઇ છે. એક શખ્સ હાથમાં આવી ગયો હતો. બીજી તરફ અન્ય ત્રણ શકમંદોની પણ પુછતાછ થઇ રહી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જેની હત્યાની કોશિષ થઇ તે યુવાનના ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતાં બહેન ખુશ્બુબેન ભાણજીભાઇ ચુડાસમા (ઉ.વ.૨૬-રહે. ભગવતીપરા-૧, રેલ્વે ફાટક પાસે)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બીએનએસની કલમ ૫૪, ૧૦૯, ૧૩૫ મુજબ તેણીના માસીયાઇ ભાઇ હાર્દિક ઉર્ફ હિતેશ નટુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪) પાસે ફાકી માંગતા તેણે ફાકી નથી તેમ કહેતાં ત્રણેય શખસોએ મારી નાખવાના ઇરાદે છરીથી હુમલો કરી પેટમાં ઘા ઝીંકી દેતાં આંતરડા બહાર નીકળી ગયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફાકી માટે હત્યાની કોશિષ કરનારાઓને શોધી કાઢવા બી-ડિવીઝન, એલસીબી ઝોન-૧, ડીસીબીની ટીમો કામે લાગી હતી. ફરિયાદી ખુશ્બુબેન ચુડાસમા ટ્રાફિક વોર્ડન તરીકે પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે. તેણીએ જણાવ્યું છે કે મારા માસી જ્યોતિબેન મારા ઘરની સામે જ રેલ્વે ટ્રેકની બીજી તરફ રહે છે. તેમને ત્રણ સંતાન છે. જેમાં મોટો દિકરો જીજ્ઞેશ, એનાથી નાનો હરેશ અને સોૈથી નાનો હાર્દિક ઉર્ફ હિતેશ નટુભાઇ ચોૈહાણ છે. તે ચોવીસ વર્ષનો છે અને પરાબજારમાં આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં મજુરી કામ કરે છે. રવિવારે રાતે નવેક વાગ્યે હું મારા ઘરે હતી ત્યારે માસીના મોટા દિકરા જીજ્ઞેશભાઇ મારા ઘરે આવેલ અને કહેલુ કે-હાર્દિકને કોઇએ છરી મારી છે, આથી હું અને મારા માતા રૂપાબેન, મારા માસી જ્યોતિબેન, જીજ્ઞેશભાઇ સહિતના ઘરની સામે રેલ્વે ટ્રેકની બાજુના ભાગે દોડી જતાં હાર્દિક ઉર્ફ હિતેષ લોહીલુહાણ પડયો હત. તેના પેટમાંથી આંતરડા નીકળી ગયા હતાં.
હાર્દિકને અમે શું થયું? તેમ પુછતાં તેણે કહેલુ કે પાનના ગલલાની નજીક ત્રણ અજાણ્યા શખ્સોએ આવી મારી પાસે ફાકી માંગતા મેં ના પાડતાં મને છરી મારી છે. આ પછી અમે ૧૦૮ બોલાવી હાર્દિકને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ જાણ કરતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓને શોધી કાઢવા બી-ડિવીઝનની ટીમ, એલસીબી ઝોન-૧ના પીએસઆઇ બી. વી. બોરીસાગર, ભરતભાઇ વાઘેલા, વિજેન્દ્રસિંહ ઝાલા, મનરૂપગીરી, જીતુભા તેમજ ડીસીબીની ટીમો કામે લાગી છે. હાર્દિક ઉર્ફ હિતેશને ઓપરેશન બાદ આઇસીયુમાં દાખલ કરાયો છે. સવારે પણ તે ભાનમાં આવ્યો નહોતો. તે અપરિણીત છે.
માલધારી સોસાયટીમાં લૂંટ, હુમલાની અલગથી ફરિયાદ
જ્યારે જુના માર્કેટ યાર્ડ નજીક રાતે સાડા દસેક વાગ્યે બનેલા લૂંટ, હુમલાના બનાવમાં અલગથી ફરિયાદ દાખલ થઇ છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જુના માર્કેટ યાર્ડ નજીક માલધારી સોસાયટી મેઇન રોડ કરણભાઇના ગાર્ડનની પાછળ રહેતાં મુળ યુપીના હીમરપુર જીલ્લાના શીતલપર ગામના દિપક અમરસિંગ નિશાદ (ઉ.વ.૨૪) નામના પાણીપુરીના ધંધાર્થીની ફરિયાદ પરથી ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાસે રહેતાં સનીઉર્ફ ચડીયો કલુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧) તથા તેની સાથેના ત્રણ અજાણ્યા વિરૂધ્ધ બીએનએસ ૩૦૯ (૬), ૫૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ દિપક પાસેથી રૂા. ૧૫૦૦ રોકડા, મોબાઇલ ફોન લૂંટી લઇ છરીથી હથેળીમાં ઇજા કરી તેમજ સાહેદ હિતેષ ડાંગરના ગળે છરી મુકી તેની પાસેથી ૧૦ હજાર રોકડા તથા મોબાઇલ ફોન તેમજ અન્ય એક યુવાન જય અમિતભાઇ ખોયાણીને છરીથી પેટમાં પડખામાં ઇજા કર્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
આ બનાવમાં દિપક નિસાદે જણાવ્યું છે કે હું મારા કુટુંબ સાથે પાંચેક વર્ષથી માલધારી સોસાયટીમાં રહી પાણીપુરી વેંચી ગુજરાન ચલાવુ છું. દરરોજ બપોર બાદ ત્રણ વાગ્યાથી રાતના સાડા દસ સુધી શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરીની લારી કાઢી ગુજરાન ચલાવુ છું. રવિવારે તા. ૧ના સંજે હું મારી લારી લઇ જ્યુબીલી માર્કેટ ખાતે ગયો હતો. રાતે સાડા દસેક વાગ્યે પુરી વેંચી પરત ઘરે જતો હતો ત્યારે કરણાભાઇના ગાર્ડનની બાજમુાં સરકારી સ્કૂલ તરફની શેરી તરફ જતાં ત્રણ શખ્સો મારી પાસે આવ્યા હતાં. જેમાંથી એકે મને પાણીપુરી ખવડાવ તેમ કહેતાં મેં તેને પાણીપુરી નથી તેમ કહેતાં બીજા શખ્સે પાછળથી આવી મારા ગળે છરી મુકી દઇ જે હોય તે કાઢી દે તેમ કહેતાં મેં તેને હું પૈસા આપુ છું પણ તમે છરી દૂર રાખો તેમ કહેતાં આ શખ્સોએ મારા ખિસ્સામાંથી આખા દિવસની કમાણીના રૂા. ૧૫૦૦ લુંટી લીધા હતાં.
તેમજ એક શખ્સે મારા જમણી હથેળીમાં છરીથી ઇજા પહોચાડી હતી અને મારા પેન્ટના ખિસ્સામા઼થી વીવો કંપનીનો મોબાઇલ ફોન કાઢી લીધો હતો. હું ગભરાઇ જતાં ઝડપથી આગળ ભાગવા માંડયો હતો. ત્યારે મેં જોયેલુ કે માલધારી સોસાયટી-૧માંથી એક ચોથો શખ્સ માલધારી સોસાયટી-૧માંથી નીકળ્યો હતો. બાદમાં આ ચારેય સાથે મળી ડિવાઇડર ઓળગી જતા રહ્યા હતાં.
આ ચારેયએ મળી અન્ય એક વ્યક્તિ હિતેષભાઇ પ્રભાતભાઇ ડાંગર કે જેઓ માલધારી સોસાયટી-૧માં રહે છે તેની પાસેથી પણ રૂા. ૧૦ હજાર અને મોબાઇલ ફોન લૂંટી લીધો છે. હિતેષભાઇએ બૂમાબૂમ કરતાં કેટલાક લોકો આ ચારેયને પકડવા દોડયા હતાં. જેમાં પકડવાનો પ્રયાસ કરનાર જય અમિતભાઇ ખોયાણીને પણ આ લૂંટારૂએ ડાબા પડખામાં છરી ઝીંકી ઇજા પહોંચાડી હતી. આ યુવાન ગોકુલ હોસ્પિટલમાં દાખલ છે. જો કે એક શખ્સને લોકોએ પકડી લીધો હતો અને ૧૦૦ નંબરમાં જાણ કરતાં પીસીઆર ગાડી આવી હતી. તેના સ્ટાફે આ ચાર પૈકી પકડાયેલા એકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ સની ઉર્ફ ચીડીયો કલુભાઇ ઉધરેજીયા-દેવીપૂજક (ઉ.વ.૨૧-રહે. ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાસે) જણાવ્યું હતું.
આ પકડાયેલા શખ્સે જ મારી પાસેથી પણ રૂપિયા પડાવી લીધા હતાં. બાકીના ત્રણ શખ્સો ગ્રીનલેન્ડ ચોકડી તરફ ભાગી ગયા હતાં. મને પણ ઇજા થતાં મેં હોસ્પિટલે જઇ સારવાર લીધી હતી અને હથેળીમાં સાત ટાંકા આવ્યા હતાં. અહિ બે લૂંટ કરનારા ચાર પૈકી એક પકડાઇ ગયા પછી ભાગેલા બાકીના ત્રણે ભગવતીપરા રેલ્વે ફાટક નજીક હાર્દિક ઉર્ફ હિતેષ નટુભાઇ ચોૈહાણની પાસે ફાકી માંગી તેને પણ પેટમાં છરીનો ઘા ભોંકી આંતરડા બહાર કાઢી નાંખી હત્યાનો પ્રયાસ કર્યાનું બહાર આવતાં પોલીસ આ ત્રણેયને પણ સકંજામાં લેવા તજવીજ થઇ હતી. ત્રણ શકમંદની પુછતાછ શરૂ કરવામાં આવી છે.
(2:37 PM IST)










