<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

બાબરાના ગરીબ યુવકને ૧૦ હજારની લોન અપાવી દેવાની લાલચમાં રાજકોટ દોરી લાવી ક્રિષ્‍ના ટ્રેડીંગ કંપનીનો સંચાલક દેખાડી ૭૯ લાખનું કૌભાંડ!

સીજીએસટીની બોગસ ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાના કૌભાંડમાં વધુ એક ફરીયાદ નોંધાઇ : રાજકોટના રેનીસ પટેલની પણ ધરપકડઃ મુખ્‍ય સુત્રધાર ભાવનગરનો એઝાઝ અમદાવાદની જેલમાં બંધ : પીએસઆઇ ચંદ્રસિંહ જાડેજા દ્વારા કબ્‍જો લેવાશે

રાજકોટ, તા., રઃ બોગસ કંપનીઓ ખુલી ઉત્‍પાદનના ખરીદ વેચાણના ખોટા બિલો ઉભા કરી સીજીએસટીની ટેકસ ક્રેડીટ મેળવી લેવાના કૌભાંડમાં ૭૯ લાખનું વધુ એક કૌભાંડ સપાટી ઉપર આવતા ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રિષ્‍ના ટ્રેડીંગ નામની કંપની મહેશ બાલાભાઇ મકવાણા નામના ગરીબ યુવાનને ૧૦ હજારની લોન અપાવી દેવાના બહાને રાજકોટ દોરી લાવી તેના સહિ-સિક્કા સાથેના પેપર્સ સીજીએસટીમાં રજુ કરી બોગસ કંપની એઝાઝ નામના જેલમાં રહેલા ભાવનગરના ભેજાબાજના ઇશારે ખોલી નાખવામાં આવી હતી. આ ટ્રેડીંગ કંપની સાથે જુદી જુદી પેઢીઓએ ર૦૦ થી વધુ વ્‍યવહારો થયાનું ખુલ્‍યું છે. નવા નોંધાયેલા ગુન્‍હા સંદર્ભે રાજકોટના રેનીસ મનસુખભાઇ પટેલની પણ ધરપકડ કરી રિમાન્‍ડ લેવા તજવીજ હાથ ધરાયાનું તપાસનીસ પીએસઆઇ સી.બી.જાડેજાએ જણાવ્‍યું હતું.

શહેરમાં ચાર દિવસ પહેલા જ ૬૧.૩૮ લાખની જીએસટી ચોરી અંગે ક્રાઇમ બ્રાન્‍ચમાં મહેશ લાંગા હસ્‍તકની ૧૪ જેટલી પેઢીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ ફરી ૭ બોગસ પેઢીઓ જીએસટીની ઝપટે ચડી જતા ૭૯,૨૦,૩૭૮ રૂપિયાની છેતરપિંડી અંગે ક્રાઇમ બ્રાન્‍ચમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્‍યો છે. આ ૭ પેઢીઓ પૈકી રાજકોટમાં ત્રણ, જૂનાગઢમાં બે અને અમદાવાદ તથા ભાવનગરમાં એક-એક પેઢી હોવાનું સામે આવ્‍યું છે તેમજ ૭ પૈકી ૨ પેઢી એવી છે જેના ઉપર ચાર દિવસમાં આ બીજો જીએસટી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

સેન્‍ટ્રલ જીએસટી કચેરી રાજકોટના સુપ્રિટેન્‍ડેન્‍ટ જયપ્રકાશસિંહ રામચંદ્રસિહએ રાજકોટ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ૭૯,૨૦,૩૭૮ રૂપિયાની જીએસટી ચોરી અંગે રાજકોટ ગોંડલ રોડ ઉપર માં આશિષ કોમ્‍પ્‍લેક્ષમાં આવેલ શ્રી ક્રિષ્‍ના ટ્રેડીંગ પેઢી, રાજકોટ નંદી પાર્ક દર્શિત કોમ્‍પ્‍લેક્ષમાં આવેલ યેશ ડેવલોપર પેઢી, રાજકોટ સાધુ વાસવાણી રોડ પર ડેકોરા ઉત્‍સવમાં આવેલ આર કે એન્‍ટરપ્રાઈઝ, જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે ગાર્ડન આઇકોનમાં આવેલ બી જે ઓડેદરા પેઢી, જૂનાગઢના ટીંબાવાડી ગામે મોટી પેલેસમાં આવેલ ક્રીઝલ એન્‍ટરપ્રાઈઝ, ભાવનગર વાઘાવાડી રોડ પર સુરભી કોમ્‍પ્‍લેક્ષમાં આવેલ ઓન કન્‍સ્‍ટ્રકશન અને અમદાવાદ નંદવિહાર રેસીડેન્‍સીમાં આવેલ ડી એ એન્‍ટરપ્રાઈઝ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, અજાણી વ્‍યક્‍તિ દ્વારા શ્રીક્રિષ્‍ના ટ્રેડીંગ નામે પેઢી બનાવી ખોટો ભાડા કરાર કરી ખરા તરીકે રાજકોટ સી.જી.એસ.ટી. ભવન રેસકોર્ષ ઓફિસ સહિત ઓનલાઈન રજુ કરી ફેબ્રુઆરી ૨૦૨૩થી માર્ચ ૨૦૨૩ દરમિયાન બોગસ ઈનપુટ ટેક્‍સ મેળવવા માટે અન્‍ય ૬ પેઢીઓના સંચાલકો સાથે મળી કાવતરૂ રચી બનાવટી બિલિંગ, બોગસ દસ્‍તાવેજો અને ખોટી રજુઆતો દ્વારા ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ મેળવવા સરકારને ૭૯.૨૦ લાખનું નુકસાન કર્યુ હતું.

ઉપરોક્‍ત પેઢીઓએ માત્ર એક જ મહિનામાં ૨૦૧ જેટલા વ્‍યવહારો કર્યા હોવાનું તપાસમાં સામે આવતાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

(3:28 PM IST)