<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

બે લૂંટ અને બે હુમલા કરનાર ટોળકીને જે મળે એને લૂંટી લેવાનો ઇરાદો હતોઃ સગીર સહિત ૪ પકડાયા : જુઓ વિડીયો

જુના યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં બે લૂંટ, એક યુવાન પર હુમલો કર્યા બાદ ભગવતીપરા ફાટક પાસે હત્‍યાનો પ્રયાસ કર્યો હતોઃ બી-ડિવીઝન પોલીસે દબોચ્‍યા

રાજકોટ તા. ૩: શહેરમાં પરમદિવસે રાતે એક કલાકની અંદર બે લૂંટ અને બે ખૂની હુમલાની ઘટનાએ અંજામ આપનાર ટોળકીને બી-ડિવીઝન પોલીસે ઝડપી લીધી છે. ચાર શખ્‍સોની આ ટોળીમાં એક સગીર  છે. ચારેયએ જે સામે મળે તેને લૂંટી લેવાના ઇરાદે આતંક મચાવ્‍યો હતો.

ભગવતીપરા ફાટક પાસે હાર્દિક ઉર્ફ હિતેષ નટુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪) નામના યુવાન પાસે રવિવારે રાતે ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ફાકી માંગતા તેણે ફાકી ન હોય  ના પાડતાં જે હોય તે આપી દેવાનું કહી પેટમાં છરી ભોંકી આંતરડા કાઢી નાંખી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણેય ભાગી ગયા હતાં. આ ગુનાની તપાસ શરૂ થઇ એ દરમિયાન જ પોલીસને જાણવા મળ્‍યું હતું કે આ ત્રણ અને અન્‍ય એક શખ્‍સ મળી ચાર જણાએ જુના માર્કેટ યાર્ડ નજીક માલધારી સોસાયટીમાં પણ આતંક મચાવ્‍યો હતો. જેમાં પાણીપુરીની લારીવાળા યુપીના  દિપક અમરસિંગ નિશાદ (ઉ.વ.૨૪)ને પણ છરી ઝીંકી રૂપિયા ૧૫૦૦ અને મોબાઇલ તથા હિતેષભાઇ ડાંગરને ગળે છરી મુકી દસ હજાર લૂંટી લીધાનું તેમજ લોકો પકડવા દોડતાં તે પૈકી જય અમિતભાઇ ખોયાણીને પણ પેટ-પડખામાં છરીના ઘા મારી દીધાનું ખુલ્‍યું હતું.

દરમિયાન પોલીસે અને લોકોએ આ ચાર પૈકી એક સની ઉર્ફ ચડીયો કલુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૮-રહે. ભગવતીપરા)ને પકડી લીધો હતો. બીજા ત્રણની શોધખોળ આદરી હતી અને તેને પણ પકડી લીધા હતાં. તેના નામ સાગર શામજીભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૮), શિવરાજ વિનુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧-રહે. લાલપરી તળાવ પાસે) તથા એક સગીર છે. આ ચારેય પાસેથી તમામ મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. ચારેયએ રટણ કર્યુ હતું કે પોતે લૂંટ કરવાના ઇરાદા સાથે જ નીકળ્‍યા હતાં અને જે મળે તેને લૂંટી લેવાનો પ્‍લાન હતો. જેમાં ના પાડનારાઓને છરીઓ ઝીંકી દીધી હતી. એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એસ. એસ. રાણે અને ડી. સ્‍ટાફની ટીમ વધુ તપાસ કરે છે. સગીર સિવાયના ત્રણના રિમાન્‍ડ મેળવવામાં આવશે.

(2:59 PM IST)