<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

પંચવટી સોસાયટીમાં ગોવર્ધનનાથજી હવેલીમાં શુક્રવારથી પાટોત્‍સવ મનોરથ

રાજકોટ તા. ૩ : જગદ્દગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય પ્રાગટયપીઠ ચંપારણ્‍યના ગૃહાધિપતિ અનંતશ્રી વિભૂષિત સોમયાજી દીક્ષિત પૂ. ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની અધ્‍યક્ષતામાં શ્રી મધુરાષ્‍ટકમ રસપાન મહોત્‍સવ તા. ૧૩ ના શુક્રવારથી તા. ૧૫ ના રવિવાર સુધી ભક્‍તિધામ, પંચવટી સોસાયટી ખાતે યોજવામાં આવ્‍યો છે. તા. ૧૩ ના શુક્રવારે નંદ મહોત્‍સવ પલના સવારે ૧૦.૩૦, બંગલા તિલક બપોરે ૧૨, મધુરાષ્‍ટકમ બપોરે ૪ થી ૭, મનોરથ શ્રી ગોકુલમાં છાકમનોરથ ૭ થી ૮ ઉજવાશે. બીજા દિવસે તા. ૧૪ ના શનિવારે જરીના બંગલા સવારે ૧૧.૩૦, વચનામૃત શ્રી મધુરાષ્‍ટકમ બપોરે ૪ થી ૭, મનોરથ વિવાહ ખેલ સાંજે ૭ થી ૮ તેમજ રવિવાર તા. ૧૫ ના રાજભોગ કાંચન બંગલા, બપોરે ૧૧.૩૦, વચનામૃત શ્રી શ્રી મધુરાષ્‍ટકમ પૂ. શ્રી જેજેના મુખેથી સાંજે ૪ થી ૭ તેમજ મનોરથ દેખો ઇન દિપન કી સુંદરાઇ સાંજે ૭ થી ૮ રાખેલ છે. સર્વે વૈષ્‍ણવો ધર્મપ્રેમીજનોએ પધારવા પંચવટી માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

 

રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા માટે ૩૧ ટકા ઉમેદવારોએ સંમતિપત્રક જ ન ભર્યા

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે જે નકામો ખર્ચ કરાઇ તેને અટકાવવા લેવાયેલ નિર્ણયમાં સફળતા મળી

ગાંધીનગર, તા., ૩: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્‍યા હતા. જેમાં રાજ્‍ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીમાં પણ ફેરફાર કરીને સંમતિપત્રકને ફરજિયાત કરવામાં આવ્‍યું હતું. આયોગ દ્વારા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે જે બિનજરૂરી ખર્ચ કરવામાં આવે છે તેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. જેમાં આયોગને સફળતા મળી છે, કુલ ઉમેદવારો પૈકીના ૩૧% જેટલા ઉમેદવારોએ સંમતિપત્રક જ નથી ભર્યા.

  GPSCના ચેરમેન પદ IPS હસમુખ પટેલ દ્વારા સંભાળ્‍યા બાદ તેમણે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો. જેમાં આગામી ૨૨મી ડિસેમ્‍બરના લેવાનાર રાજ્‍ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની પરીક્ષામાં ૨,૩૪,૧૬૨ ઉમેદવારે અરજી કરી છે. રાજ્‍ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે હવે સંમતિપત્રક આપવાનું ફરજિયાત કરવામાં આવ્‍યું હતું. STI પરીક્ષા માટે સંમતિ અંગેનું ફોર્મ ૨૫ નવેમ્‍બર સાંજે ૫ વાગ્‍યાથી બીજી ડિસેમ્‍બર સવારે ૧૦ વાગ્‍યા સુધીમાં ભરવાનું હતું.

  રાજ્‍ય વેરા નિરીક્ષકની પરીક્ષા આગામી ૨૨ ડિસેમ્‍બરના રોજ યોજાવાની છે. જેમાં આયોગે સંમતિ પત્રક ભરવાનું ફરજિયાત કરવામાં આવ્‍યું હતું. આ અંતે ૨.૩૪ લાખ કરતાં પણ વધુ અરજીઓમાંથી ૭૩,૦૦૦ જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક નથી ભર્યા. એટલે કે કુલ ઉમેદવારો પૈકીના ૩૧ ટકા જેટલા ઉમેદવારો માટે આયોગને કોપી વ્‍યવસ્‍થા કરવાની રહેશે નહિ. આયોગના ચેરમેન હસમુખ પટેલે ટ્‍વીટ કરીને આ માહિતી આપીને આભાર માન્‍યો હતો.

(4:30 PM IST)