<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

રેલનગરમાં હાર્ટએટેકથી ચાલુ બસે ડ્રાઇવરનું અને ઠોકરે ચડતાં રાહદારી સંગીતાબેન માકડીયાના મોતથી પરિવારોમાં અરેરાટી

કોઠારીયા સોલવન્‍ટ મછોનગરમાં રહેતાં સીટી બસ ડ્રાઇવર પરષોત્તમભાઇ બારૈયાના મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ : દાહોદથી ફાયરમેનની પરિક્ષા આપવા આવેલો મુકેશ મંડોળ નામનો યુવાન રિક્ષા પાસે ઉભો હોઇ તેને પણ ઇજાઃ રિક્ષા અને ટુવ્‍હીલરનો બૂકડોઃ સંગીતાબેન ‘હમણા શાકભાજી લઇને આવું' કહીને નીકળ્‍યા બાદ ઘરે તેમના મોતના વાવડ આવ્‍યા

રાજકોટ તા. ૬: શહરેના રેલનગરમાં રાધીકા ડેરી પાસે ગત સાંજે વિચીત્ર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં સીટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક આવતાં બસ બેકાબૂ બની હતી અને તેની ઠોકરે એક રિક્ષા તથા ટુવ્‍હીલર તેમજ એક રાહદારી મહિલા ચડી ગયા હતાં. આ બનાવમાં બસ ચાલક અને રાહદારી મહિલાના મૃત્‍યુ થયા હતાં. જ્‍યારે દાહોદથી ફાયર બ્રિગેડની પરિક્ષા આપવા આવેલો યુવાન રિક્ષા પાસે ઉભો હોઇ તેને તથા અન્‍ય એક યુવાનને ઇજા પહોંચી હતી. બસની ઠોકરે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો અને ટુવ્‍હીલરમાં પણ નુકસાની થઇ હતી. બંને મૃતકના સ્‍વજનોમાં આ ઘટનાથી ગમગીની, અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ પાસે મછોનગરમાં રહેતાં પરસોતમભાઈ રવજીભાઈ બારૈયા (ઉ.વ.૬૦) ગત સાંજે સીટી બસ રૂટ નં. ૪૦ હંકારીને સંતોષીનગરથી નીકળ્‍યા હતાં. બસને છેલ્લી ટ્રીપ હોઇ ડેપો પર લઇ જવાની હતી. બસમાં ચાર પાંચ મુસાફરો પણ હતાં. આ બસ રેલનગર રાધીકા ડેરી પાસે પહોંચી ત્‍યારે એકાએક ડ્રાઇવર પરષોત્તમભાઇને હાર્ટએટેક આવતાં તે સ્‍ટીયરીંગ પર ઢળી પડયા હતાં. કંડકટરને બસને બ્રેક મારવા પ્રયાસ કર્યો હતો. પણ એ પહેલા બસની ઠોકરે ઓટો રિક્ષા અને ટુવ્‍હીલર તેમજ એક મહિલા ચડી ગયા હતાં.

અકસ્‍માતને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં અને પોલીસ પણ પહોંચી ગઇ હતી. બસ ચાલક પરષોત્તમભાઇ, ઠોકરે ચડેલા રેલનગર પાર્થ સ્‍કૂલ પાસે રહેતાં સંગીતાબેન ગંગારામભાઇ માકડીયા-સિંધી (ઉ.વ.૩૫) તથા રિક્ષા નજીક ઉભેલો દાહોદનો મુકેશ તાજસિંગ મંડોળ (ઉ.વ.૩૧) તથા રેલનગરના મનિષાબેન વર્મા (ઉ.વ.૩૬)ને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ મનિષાબેનને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

જ્‍યારે બસના ચાલક પરષોત્તમભાઇ બારૈયા તથા સંગીતાબેન માકડીયાને તબિબે મૃત જાહેર કર્યા હતાં. મુકેશ મંડોળને પણ સારવાર માટે દાખલ કરાયો હતો. મુકેશ દાહોદથી ફાયર બ્રિગેડની પરિક્ષા દેવા આવ્‍યો હોઇ રેલનગરમાં રિક્ષાચાલક મિત્ર રાહુલ મુનીયાને ત્‍યાં ગયો હતો. મિત્ર એટીએમમાં પૈસા ઉપાડવા ગયો ત્‍યારે મુકેશ તેની રિક્ષા પાસે ઉભો હતો અને બસની ઠોકરે ચડયો હતો.

બસચાલકનું મોત હાર્ટએટેકથી થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. આમ છતાં ચોક્કસ કારણ જાણવા તેમના મૃતદેહનું આજે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાયું હતું. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. જ્‍યારે સંગીતાબેનને સંતાનમાં પંદર વર્ષની એક દિકરી અને એક મોટો દિકરો છે. તે પતિ સાથે ઘરે બેઠા સાડીમાં સ્‍ટોન લગાડવાનું કામ કરતાં હતાં. હમણા શાકભાજી લઇને આવું તેમ કહીને ઘરેથી નીકળ્‍યા બાદ તેમના મૃત્‍યુના વાવડ આવતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાત, પીએસઆઇ પરમાર સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.

(11:16 AM IST)