News of Friday, 6th December 2024
જંત્રીના વાંધા સૂચનોની અરજી હવે ઓફલાઇન પણ કરી શકાશે
રીયલ એસેટ એજન્ટસ એસોસીએશન દ્વારા સફળ રજુઆત

રાજકોટઃરીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન દ્વારા ગત તાઃ-૩૦/૧૧/૨૦૨૪ના રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા એડિશનલ કલેકટર,ડેપ્યુટી કલેકટર(શહેર)તેમજ ડેપ્યુટી કલેકટર (ગ્રામ્ય)ને સૂચિત જંત્રી ૨૦૨૪ ની વાંધા-સૂચનની ઓનલાઇન પ્રક્રિયા સરળ કરવા તેમજ ઓફલાઇન પ્રક્રિયા શરૂ કરવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આજ રોજ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન પ્રક્રિયાની સાથો સાથ ઓફલાઇન પણ વાંધા સૂચનો મેળવવાશે તેવી મહેસુલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.ઓફલાઇન પ્રક્રિયા શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ ખેડૂત વર્ગ વધુમાં વધુ પોતાના વાંધા સૂચનો સરકારશ્રી ને પહોંચાડી શકશે.સૌથી વધુ વાંધાઓ રાજકોટ, અમદાવાદ,સુરત અને વડોદરા જિલ્લામાંથી ઓનલાઇન મળ્યા છે તે ઓફલાઇન પ્રક્રિયા દ્વારા પણ ખૂબ જ મોટી સંખ્યામાં રજુ કરાશે.
રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા વાંધા સૂચનની મુદત તા.૩૦/૦૩/૨૦૨૫ સુધી લંબાવવા પણ રજૂઆત કરવામાં આવી છે હાલ રાજ્ય સરકાર દ્વારા મુદત વધારવા બાબતની કોઇ જાણકારી આપવામાં આવી નથી તેથી આગામી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા વાંધા અરજીઓ મોટી સંખ્યામાં ઓફલાઇન પ્રક્રિયા દ્વારા રજુ કરવામાં આવશે તેમજ જંત્રી દરોમાં ખૂબ જ વિસંગતતાઓ અને ક્ષતિઓ છે તે પણ વાંધા- અરજીઓ દ્વારા સરકારને ધ્યાને મૂકવામાં આવશે.તેમ રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ના સેક્રટરી કેતન પારેખની યાદીના અંતમાં જણાવ્યું છે.
(3:25 PM IST)










