News of Friday, 6th December 2024
મવડી બાદ રૈયા રોડ વિસ્તારમાં શ્રમિક બસેરા સામે રોષઃ રજૂઆત
ઘરના ઘરવાળા લોકોને બેઘર લોકોની દશા સમજાતી નથી? દ્વારકેશ પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને પત્ર પાઠવ્યોઃ કામ રોકાવાયુઃ સરકારમાં તપાસ કરાશે

રાજકોટ, તા. ૦૬: શહેરના મવડી વિસ્તારવાસીઓએ બે દિન પહેલાજ શ્રમિક બસેરા બનાવવા મ્યુનિ. કોર્પોરેશનમાં રજુઆત કર્યા બાદ આજે રૈયા રોડ વિસ્તારમાં આવેલ દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેવાસીઓનું ટોળુ મનપા કચેરીએ ઘસી આવ્યુ હતુ અને શ્રમિક બસેરા ન બનાવવા સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને રજુઆત કરતા તેઓ હાલ કામ અટકાવવાયું છે અને રાજય સરકારમાં આ અંગે તપાસ કરવા જણાવ્યું છે.
આ અંગે વિસ્તારવાસીઓએ સ્ટે. ચેરમેન ને પત્રમાં જણાવ્યું હતુ કે, દ્વારકેશ પાર્ક નજીકમાં કોર્પોરેશન ના લે-આઉટમાં આરોગ્ય કેન્દ્ર/ આંગણવાડી બનાવવાના હેતુ ફેર કરી દ્વારકેશ પાર્ક નજીક ‘શ્રમિક બસેરા' બનાવવા માટેનું કામ ચાલુ કરવામાં આવેલ છે. અવરજવરનો આ સામાન્ય રસ્તો હોય આ વિસ્તારમાં જો ‘શ્રમિક બસેરા' બને તો અગવડતા ઉભી થાય કે રહેવા માટે મુશ્કેલી પડે તેમ છે. આ વિસ્તારને સ્માર્ટ સીટી અંતર્ગત પણ લેવામાં આવેલ છે એવા સંજોગોમાં આ વિસ્તારમાં ‘શ્રમિક બસેરા' બનાવવાનું પણ યોગ્ય જણાતુ નથી. આ સાથે દ્રારકેશ પાર્ક સોસાયટીના રહીશો ‘શ્રમિક બસેરા' બાંધકામ માટે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને અન્યત્ર જગ્યા ફાળવી અને આ વિસ્તારમાં ‘રૈન બસેરા/શ્રમિક બસેરા' ન બનાવવા માટે જણાવાયુ છે.(૬.૧૦)
સતત બીજો વિરોધ...: શહેરના રૈયા રોડ પરના દ્વારકેશ પાર્ક વિસ્તારવાસીઓ દ્વારા શ્રમિક બસેરા ન બનાવવા મનપાના સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:27 PM IST)










